ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નીતિશતક


નીતિશતક : નીતિશતક ભર્તૃહરિની પ્રારંભકાળની રચના છે. ૧૦૯ શ્લોકોમાં ભર્તૃહરિએ નીતિ, ધર્મ, સદાચાર, જીવનકલા, મનુષ્ય વ્યવહાર વગેરેનાં સુંદર મુક્તકો સર્જ્યાં છે. માનવજીવનમાં ચાર પુરુષાર્થો પૈકી ધર્મ અને મોક્ષ જીવનને ઊર્ધ્વગામી બનાવે છે, સાથે સાથે કામ અને અર્થ પણ ધર્મની સાથે સેવવા જોઈએ. એ માટે નીતિપૂર્ણ વ્યવહારની દૃષ્ટિએ નીતિશતકમાં સજ્જનપ્રશંસા, દુર્જન-નિંદા, વિદ્યાનું મહત્ત્વ, ધૈર્ય, ક્ષમા, શૌર્ય વગેરે ગુણોની અગત્યતા, તેજસ્વિતાની પ્રશંસા, સ્વાધીન-વૃત્તિનું ગૌરવ, ધનનું મહત્ત્વ, વારાંગના જેવી વિવિધરંગો બદલતી રાજનીતિ, મૂર્ખનું સમાધાન કરવાની અશક્યતા, અલ્પજ્ઞાની-અભિમાની વર્તણૂક વગેરે અનેક બાબતોનો સમાવેશ થાય છે. નીતિશતકમાં કૃતકતા વિનાની ભાષામાં સંસારની અનેક બાબતોનો ઉપદેશ, ઘરગથ્થુ ઉદાહરણો, ચલણી સિક્કા જેવાં કહેવતમય વાક્યો, મિત્ર, પત્ની અને ગુરુની એમ ત્રણેય પ્રકારની સલાહ વગેરે છે. આડંબર વિનાની નરી સરળતા ઉત્તમ કવિતાનું ઉદાહરણ નીતિશતક છે. હ.મ.