ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નૃયંત્રવિજ્ઞાન અને સાહિત્ય


નૃયંત્રવિજ્ઞાન અને સાહિત્ય (Cybernatics) : નૃયંત્રવિજ્ઞાન એ સંપ્રેષણ (communication) અને નિયંત્રણ (control)-ના રચનાતંત્રનું વૈજ્ઞાનિક અધ્યયન છે. વિભિન્ન પ્રકારનાં યંત્રો, વીજાણુયંત્રો, જૈવશારીરિક સંરચનાઓ તથા તેમની સ્થાયી વ્યવસ્થાઓ વગેરે નૃયંત્રવિજ્ઞાનનાં મુખ્ય ક્ષેત્રો છે. બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન યંત્રોમાં સંચાર-નિયંત્રણો પર રાડાર વ્યવસ્થાનો વિનિયોગ કરવા જતાં આ વિજ્ઞાનનો ઉદ્ભવ થયો હતો. ૧૯૪૦માં રોસ, ઍશ્બી તથા અમેરિકાના નૉબર્ટ વિનરે આ વિજ્ઞાનનો પ્રારંભ કર્યો હતો. નૃયંત્રવિજ્ઞાનના વિકાસમાં ગણિતજ્ઞો, વીજાણુયંત્રવિદો, મનોવિજ્ઞાનીઓ, ભાષાવિજ્ઞાનીઓ વગેરેનું સામૂહિક પ્રદાન રહ્યું છે. નૃયંત્રવિજ્ઞાનીઓએ મગજ અને યંત્ર તથા મનુષ્ય અને યંત્ર વચ્ચે સમાંતરતાઓ શોધી અને તેનો યંત્રના વિકાસમાં મહત્ત્વનો ઉપયોગ કર્યો છે. નૃયંત્રવિજ્ઞાને સર્જન-પ્રક્રિયાના વસ્તુનિષ્ઠ અધ્યયન વિશ્લેષણમાં ક્રાન્તિકારી શોધ કરી છે. એક બાજુ આ વિજ્ઞાને મગજ અને યંત્રનું સમાંતર પ્રતિમાન (Model) રજૂ કર્યું તો બીજી બાજુ પ્રતિભા સાથે સંકળાયેલી વ્યક્તિપૂજાની ધારણાને છિન્નભિન્ન કરી. વળી વિજ્ઞાન અને કળા, બંને ક્ષેત્રોની સર્જનપ્રક્રિયા સમાન હોવાનું સિદ્ધ કર્યું. આથી સર્જનાત્મક અન્વેષણ અને તાર્કિક પ્રમાણીકરણ વચ્ચે સંયોજક-સૂત્ર ઉપલબ્ધ બન્યું હોવાથી સૌન્દર્યનું વિજ્ઞાન હવે શક્ય બન્યું છે. હ.ત્રિ.