ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નૃવિજ્ઞાન અને સાહિત્ય


નૃવિજ્ઞાન અને સાહિત્ય (Anthropology and Iiterature) : નૃવિજ્ઞાન, મનુષ્ય અને એની પ્રવૃત્તિઓનું અધ્યયન છે. મનુષ્યેતર પ્રાણીઓથી મનુષ્યની સમાનતા અને ભિન્નતા પર આ વિજ્ઞાનવિશેષ ભાર મૂકે છે. મનુષ્યનો ઉદ્ગમ એનો ભૌતિક તેમજ સાંસ્કૃતિક વિકાસ, એના રીતરિવાજોની વિશિષ્ટતાઓ, એની સામાજિક પ્રણાલિઓ અને માન્યતાઓ વગેરે પર એમાં વૈજ્ઞાનિક અભિગમથી વિચારણા થાય છે. મનુષ્યજાતિઓનું ભૌગોલિક વિભાજન, પર્યાવરણ અને મનુષ્ય વચ્ચેનો સંબંધ, અર્થવ્યવસ્થા, સમાજવ્યવસ્થા, સૌન્દર્યધોરણો, ભાષા, સાહિત્યને પણ અહીં લક્ષ્ય કરાય છે. નૃવિજ્ઞાનની આજે બે મહત્ત્વની શાખા છે : ભૌતિક નૃવિજ્ઞાન અને સાંસ્કૃતિક નૃવિજ્ઞાન. ભૌતિક નૃવિજ્ઞાન વાનરમાંથી મનુષ્યની ઉત્ક્રાંતિ, એનું અસ્થિપિંજર, એની શરીરરચના એનાં આનુવંશિક લક્ષણો વગેરેને ક્ષેત્ર બનાવે છે, તો સાંસ્કૃતિક નૃવિજ્ઞાન મનુષ્યસંસ્કૃતિઓની ઉત્પત્તિ, એનો ઇતિહાસ, એના ઉદ્ભવવિકાસ, પ્રત્યેક કાળ અને સ્થળમાં માનવસંસ્કૃતિઓની સંરચના વગેરેને ક્ષેત્ર બનાવે છે. સાંસ્કૃતિક નૃવિજ્ઞાન માટે સામાજિક પ્રથાઓ કેવી રીતે કેળવાય છે, કેવી રીતે જળવાય છે, કેવી રીતે એક પેઢીથી બીજી પેઢીમાં હસ્તાંતરિત થાય છે – એની પ્રક્રિયા મહત્ત્વની છે. બ્રિટનમાં સામાજિક તો અમેરિકામાં સાંસ્કૃતિક પાસા પર વિશેષ ભાર મુકાઈ રહ્યો છે. નૃવિજ્ઞાનને માટે ભૂતકાળ સજીવન કરવાને પુરાતત્ત્વ વિદ્યાનું પ્રદાન મહત્ત્વનું છે, તો નૃવિજ્ઞાન અને સમાજવિજ્ઞાન પરસ્પરને ઉપકારક છે. નૃવિજ્ઞાન પારંપરિક સમાજને સ્પર્શે છે, તો સમાજવિજ્ઞાન અર્વાચીન આધુનિક સમાજને સ્પર્શે છે. નૃવિજ્ઞાને રાજકારણ, અર્થકારણ, મનોવિજ્ઞાનને પણ નવા આધારો પૂરા પાડ્યા છે. ઇતિહાસવિદ્યાને નવી પદ્ધતિઓની દિશામાં વાળી છે. એક બાજુ નૃવિજ્ઞાને મૌખિક પરંપરા, પુરાકથા, લોકસાહિત્ય કહેવતો વગેરેનાં તારણોથી જો ભાષાવિજ્ઞાનને સજગ કર્યું છે, તો ભાષાવિજ્ઞાને નૃવિજ્ઞાનને વિશ્લેષણની નવી પદ્ધતિ કે નવા નમૂના પૂરા પાડ્યાં છે. સાંસ્કૃતિક નૃવિજ્ઞાની કલોદ-લેવિ સ્ટ્રાઉસે સાતમા દાયકામાં સંરચનવાદી ભાષાવિજ્ઞાનના પ્રતિમાનને નૃવિજ્ઞાનક્ષેત્રે અખત્યાર કરેલું છે અને મનુષ્યના સંબંધતંત્ર, ગણચિહ્નતંત્ર પુરાકથા, ખોરાકને રાંધવાની પદ્ધતિઓ તેમજ જગતના અર્થઘટનની પ્રાક્તાર્કિક રીતિઓનું વિશ્લેષણ કરેલું છે. એ જ રીતે સાહિત્ય અને નૃવિજ્ઞાનનો સંબંધ પણ નોંધપાત્ર છે. સાહિત્યે સાચવેલાં સાહિત્યિક ભાષાદસ્તાવેજોમાંથી નૃવિજ્ઞાનીને કીમતી આધારો મળી શકે તેમ છે, તો સાહિત્યની મૌખિક પરંપરા અને લોકસાહિત્યના નૃવિજ્ઞાને કરેલાં અધ્યયનો સીધાં યા આડકતરી રીતે ઉચ્ચ સાહિત્ય(High literature)ની ઉપાદાનસામગ્રી બની શકે તેમ છે. ચં.ટો.