ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પંચરાત્ર



પંચરાત્ર : કવિ ભાસને નામે ચડેલાં ૧૩ નાટકોના भासनाटकचक्रમાંનું એક નાટક. વિદ્વાનો આ ત્રણ અંકના નાટકને વ્યાયોગ અથવા સમવકાર પ્રકારમાં મૂકે છે. કવિએ નાટ્યસ્વરૂપમાં કેટલાંક પરિવર્તનો કર્યાં છે. રાજા દુર્યોધન મોટો યજ્ઞ કરે છે. વિરાટ રાજા સિવાય તેમાં સૌની હાજરી છે. યજ્ઞ સફળ થતાં પ્રસન્નચિત્ત દુર્યોધને દ્રોણાચાર્યને દક્ષિણા માગવા કહ્યું. તેમણે ગુપ્તવાસમાંથી બહાર આવનાર પાંડવોને માટે તેમના અધિકારના રાજ્યની માગણી કરી. દુર્યોધને શરત કરી કે પાંચ રાત્રિના સમયગાળામાં પાંડવોને શોધી કાઢવામાં આવે તો તે તેમને રાજ્ય પાછું આપશે. તે પછી ભીષ્મ અને દ્રોણના પાંડવોને શોધવાના પ્રયત્નોથી મળી આવતા પાંડવોને કારણે કુટુંબકલહનો અન્ત આવે છે. દુર્યોધન પાંડવોને તેમનું રાજ્ય પાછું આપવાનું સ્વીકારે છે, અને યુદ્ધ નિવારાય છે. નાટકમાં રોમાંચકતા અને બૌદ્ધિક આનંદ મળે છે. દુર્યોધનના મૂળ કથાના પાત્રના વ્યક્તિત્ત્વમાં કેટલુંક પરિવર્તન આવ્યું છે તે નોંધપાત્ર છે. યુદ્ધની રમ્ય વાત, પાંચેય પાંડવોના પ્રકટીકરણથી આનંદ, ઉત્તરા-અભિમન્યુના વિવાહનો પ્રસ્તાવ લઈને આવતાં કૌરવો અને પાંડવોનો રચાતો કુટુંબમેળો, આ બધું આકર્ષક છે, એમાં ભાસનો માનવીય દૃષ્ટિકોણ પ્રગટ થાય છે. તમામ પાત્રોને અહીં પૂરી કાળજી સાથે, યથામહત્ત્વ સાથે આલેખ્યાં છે. વર્ણનો, સંવાદો વગેરે પણ સારાં એવાં ચિત્રાત્મક, સચોટ છે. ખ્યાત નાટકોમાં આવું અન્ય કોઈ ત્રિઅંકી જાણીતું નથી. ભાસનાં સારાં નાટકો પૈકીનું એક આ નાટકને ગણી શકાય. ર.બે.