ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પવાડુ


પવાડુ/પવાડો : ‘પવાડો’ (પ્રવાડો) એટલે વીરનું પ્રશસ્તિ (ક્વચિત્ કટાક્ષમાં નિંદાત્મક) કાવ્ય. વીરોનાં પરાક્રમનું, વિદ્વાનોની બુદ્ધિમત્તાનું, એકાદ વ્યક્તિના સામર્થ્ય, ગુણ, કૌશલ્ય, ઇત્યાદિકનાં કાવ્યાત્મક વર્ણન, પ્રશસ્તિ સ્તુતિ કે સ્તોત્રને માટે પ્રાકૃત ભાષાઓમાં ‘પવાડ-ડુ’ શબ્દ છે. મહિમાગાન બહુધા જોરશોરથી પ્રગટપણે જ થતું હોઈ (સં. प्रवाद, સં. ભૂતકૃદન્ત प्रवृद्ध, પ્રા. પવડઢ ઉપરથી) ‘પવાડઉ’ કહેવાય છે. મરાઠીમાં જ્ઞાનેશ્વરીમાં, તુકારામગાથામાં આ શબ્દ પ્રયોજાયો છે. હિન્દુપતપાતશાહીના વખતમાં મહારાષ્ટ્રમાં અનેક ઐતિહાસિક વ્યક્તિઓ, પ્રસંગોને અનુલક્ષીને प(પો) वाडा રચાયા, જેનો ગાનારો એક વિશિષ્ટ વર્ગ (શાહીર) પણ મહારાષ્ટ્ર સમાજમાં અસ્તિત્વમાં આવ્યો, જે આજે પણ સાભિનય ‘પોવાડાગાયન’ રજૂ કરે છે. પંદરમા શતકમાં રચાયેલા ‘ત્રિભુવનદીપકપ્રબંધ’ અથવા ‘પ્રબોધચિંતામણિ’માં ‘પવાડા’ શબ્દ વખાણવિસ્તાર, ગીત વિશેષના અર્થમાં પ્રયોજાયો છે. રચનાબંધની દૃષ્ટિએ પવાડામાં મુખ્યત્વે ચોપાઈબંધમાં વચ્ચે જૂજ પ્રમાણમાં દુહા, અન્ય છંદો, વિવિધ રાગનાં પદો આવી શકે. આવાં સ્તવનાત્મક કવન દસમા શતકથી હિન્દી તથા તત્સમ ભાષાઓમાં ‘રાસા’ નામે રચાવા માંડ્યા. ‘ગેયરાસકાવ્યો’ જેમાં કડવાં (ભાસ (સા)-કવણી-ઢાળ એવા વિભાગો પાડેલા હોય છે. તેને મુકાબલે વિવિધ ‘ખંડ’માં વહેંચેલાં સળંગકાવ્યો ‘પવાડા’ નામથી ઓળખાવી શકાય. ‘ગોપરાસકાવ્યો’નો રચનાપ્રકાર જ્યારે આગળ જતાં કડવાબંધ આખ્યાનકાવ્યમાં વિકાસ પામ્યો ત્યારે ‘પવાડા’નો રચનાપ્રકાર શિવદાસ તથા શામળ ભટ જેવાની પદ્યાત્મક લોકવાર્તામાં ઉત્તરોત્તર સચવાઈ રહ્યો. દે.જો.