ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પાંડવળા



પાંડવળા : દોહરાનાં બે તથા ચરણાકુલનાં છ-એમ કુલ આઠ ચરણો ધરાવતા ચન્દ્રાવળા છંદમાં મહાભારતની કથાના મહત્ત્વપૂર્ણ અંશોને લોકભોગ્ય શૈલીમાં આલેખતું મધ્યકાલીન કંઠસ્થપરંપરાનું કથાકાવ્ય. મહાભારતના મૂળ પ્રસંગોને લોકશૈલીથી લડાવી-મલાવીને કહેવાને કારણે કૃતિમાં લોકરુચિને પોષક એવાં ઘટનાપ્રસંગો તથા તેને અનુરૂપ દેશકાળજન્ય પરિવેશ ઉમેરાતાં રહ્યાં છે. સૂચિત ક્ષેપક સામગ્રીને કારણે મહાભારત જેવી પ્રશિષ્ટ કૃતિનું લોકસુલભ એવું નવું રૂપ સરજાયું છે. ર.ર.દ.