ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પાઠ ભાષાવિજ્ઞાન


પાઠ ભાષાવિજ્ઞાન (Text-Linguistics) : ન્યૂનતમ એકમોના વર્ગીકરણ કે વાક્યના વાક્યવિન્યાસગત નિયમો સુધી મર્યાદિત રહેવાને બદલે પાઠ-ભાષાવિજ્ઞાન આંતરવાક્ય સંબંધો સહિત સંપૂર્ણ પાઠના ગુણધર્મો અને સંપ્રેષણીય આંતરક્રિયામાં થતા તેના વિનિયોગનો અભ્યાસ કરે છે. પાઠ ભાષાવિજ્ઞાનમાં પાઠ કે પાઠપરકતા(Textuality) એ કેન્દ્રવર્તી ખ્યાલ છે. પાઠે કયાં કયાં ધોરણો જાળવવાં જોઈએ, કઈ રીતે પાઠનું નિર્માણ તેમજ ગ્રહણ થાય છે વગેરે આ વિજ્ઞાનની તપાસનો વિષય છે. સાહિત્યકૃતિ સૌપ્રથમ તો એક ‘પાઠ’ હોવાથી સાહિત્યના અધ્યયનમાં પાઠ ભાષાવિજ્ઞાનનું મહત્ત્વ હવે વધી રહ્યું છે. સંસર્જનાત્મક કાવ્યવિજ્ઞાન, નિરૂપણવિજ્ઞાન વગેરેમાં પાઠ ભાષાવિજ્ઞાનનું કાર્ય અત્યંત મહત્ત્વનું છે. વૅન ડીક, ટોમસ પાવલ, હેન્ડ્રીક્સ, તોદોરોવ વગેરે આ શાખાના મુખ્ય પુરસ્કર્તાઓ છે. હ.ત્રિ.