ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રત્યક્ષવાદ


પ્રત્યક્ષવાદ(Positivism) : આ વાદ વસ્તુનિષ્ઠાવાદ કે વિજ્ઞાનવાદ તરીકે પણ ઓળખાય છે. આ વાદ તથ્યોની સમજૂતી સાથે નહીં પણ તથ્યોના શુદ્ધ વર્ણન સાથે સંકળાયેલો છે. એના પાયામાં આગસ્ત કોમ્તની વિચારસરણી રહી છે. અવલોકન, પરીક્ષણ અને તુલનાની વૈજ્ઞાનિક પદ્ધતિનો આદર્શ એણે પુરસ્કારેલો. અતીન્દ્રિય કે અનુભવાતીત અટકળો અને પૂર્વધારણાઓની સામે વૈજ્ઞાનિક જ્ઞાનની ઉપયોગિતા દૃઢપણે સ્થાપિત કરનાર કોમ્તનો વૈજ્ઞાનિક પદ્ધતિ માટેનો તેમજ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ માટેનો આગ્રહ સ્પષ્ટ હતો. પ્રત્યક્ષવાદ ઘટનાઓનાં અવલોકન અને વર્ગીકરણ પરત્વે પોતાને સીમિત રાખે છે. તત્ત્વજ્ઞાનની જેમ કારણોની શોધ કે ધર્મશાસ્ત્રની જેમ પરમ સત્ય પામવાની એને અભિલાષા નથી. એનું લક્ષ તથ્યોની વચ્ચે પામી શકાય એમ સહસંબંધોની અને એને નિયંત્રિત કરનાર નિયમોની શોધ છે. પ્રત્યક્ષવાદ અનેક શાખાઓમાં વહેંચાયેલો છે : કોમ્તનો પ્રશિષ્ટ પ્રત્યક્ષવાદ, માક (Mach)ની અનુભવનિષ્ઠ આલોચના અને કાર્નેપ, વિન્ટગેન્સાઈન વગેરેનો તાર્કિક પ્રત્યક્ષવાદ. ચં.ટો.