ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રબંધચિન્તામણિ



પ્રબંધચિન્તામણિ : મેરુતુંગસૂરિએ વઢવાણમાં ૧૩૦૫માં સંસ્કૃતમાં રચ્યો. ઐતિહાસિક ઉપયોગિતાવાળા આ ગ્રન્થનું અંગ્રેજી ભાષાન્તર અલેકઝાન્ડર કિન્લોક ફાર્બસે ૧૮૪૯માં કરી રાસમાળામાં આપ્યું. ગુજરાતનો ઇતિહાસ લખવામાં પં. ભગવાનલાલ ઇન્દ્રજીએ એનો ઉપયોગ કર્યો. પિટર્સન, કિલહોર્ન અને બુલ્હરના શાસ્ત્રી રામચંદ્ર દીનાનાથે ગુજરાતી અને ટોનીએ ટિપ્પણીઓ સાથે અંગ્રેજી ભાષાન્તર કર્યું. મુખ્યત : શ્રુતપરંપરા અને સદ્ગુરુસંપ્રદાયને આધારે લખાયેલ પ્રબંધચિંતામણિ પ્રબંધ છે, નિર્ભેળ ઇતિહાસગ્રન્થ નથી. વચ્ચે વચ્ચે સુભાષિતોયુક્ત સાદી ભાષામાં લખેલી ટૂંકી કથાઓનો આ સંગ્રહ પ્રબંધની દૃષ્ટિએ એની પહેલાંના અને પછીના પ્રબંધોમાં સૌથી ઉપયોગી છે. જૂની, વારંવાર સાંભળેલી કથાઓથી હવે લોકોનાં મન જોઈએ તેવાં પ્રસન્ન થતાં નથી એમ લાગતાં લેખકે નજીકના સમયમાં થઈ ગયેલા ગુજરાતના રાજપૂત રાજ્યના ઇતિહાસમાંથી સત્પુરુષોનાં વૃત્તાંત પસંદ કરી રાજ્યના ભય વિના કૃતિ રચી છે. લેખકનું ધ્યાન મોટેભાગે જૈનધર્મીય શ્રોતૃમંડળનું રંજન કરવાનું હોવાથી ગ્રન્થ આશ્રયદાતાની પ્રશસ્તિરૂપ બનતો અટક્યો છે. ૭૪૬માં થયેલી પાટણની સ્થાપનાથી આરંભી ૧૨૨૧માં વસ્તુપાલે તીર્થયાત્રા કરી ત્યાં સુધીની, વનરાજ આદિ પાટણના રાજાઓની ગાદીએ બેસવાની તથા મરણની તારીખો આપી ગુજરાતના ઇતિહાસની કાલાનુક્રમ જેવી અતિ ઉપયોગી વિશ્વસનીય સામગ્રી પૂરી પાડી છે. ઐતિહાસિક દૃષ્ટિના અભાવવાળા કાલ્પનિક લોકકથાઓના સંગ્રહ જેવા આ ગ્રન્થમાં ચિત્તરંજકતાના લક્ષ્યને પરિણામે અનેક ઉપયોગી ઐતિહાસિક બાબતોની અને વિગતોની ચોકસાઈનો અભાવ છે. ભાષામાં, વાક્યરચનામાં, અવાંતર પ્રબંધોની ગોઠવણીમાં શિથિલતાવાળા, પ્રક્ષેપોયુક્ત એવા આ ગ્રન્થમાં સંપ્રદાયદૃષ્ટિને કારણે જૈનેતર – બ્રાહ્મણધર્મના દ્વેષથી પ્રેરાયેલી ઘણી વાતો છે. આશરે દસમી સદીના મધ્યકાલથી માંડીને તેરમી સદીના અંત સુધીના ગુજરાતના ઇતિહાસના સાધન તરીકે અતિ મૂલ્યવાન આ ગ્રન્થની મનોરંજક લોકકથાઓમાં તત્કાલીન લોકમાનસનું પ્રતિબિંબ પડેલું છે. મધ્યકાલીન ગુજરાતનો રાજકીય, સાંસ્કૃતિક અભ્યાસ ‘પ્રબંધચિંતામણિ’ વિના અધૂરો ગણાય. દે.જો.