ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રવૃત્તિ


પ્રવૃત્તિ : સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં વામન પૂર્વે રીતિનો સંકેત ભરતે ‘પ્રવૃત્તિ’ દ્વારા અને ભામહ-દંડીએ ‘માર્ગ’ દ્વારા કર્યો છે. રીતિની વિભાવનાનું મૂળ ભરતના ‘નાટ્યશાસ્ત્ર’માં ઉલ્લેખેલી પ્રવૃત્તિમાં છે. એમાં અપાયેલી વ્યાખ્યા મુજબ વિવિધ દેશોનાં વેશ, ભાષા અને આચાર વ્યક્ત કરનાર પ્રવૃત્તિ છે. રીતિ માત્ર ભાષાપ્રયોગ સાથે સંલગ્ન છે જ્યારે પ્રવૃત્તિ જીવનચર્યા કે રહેણીકરણી સાથે સંલગ્ન છે. તેથી રીતિ કરતાં પ્રવૃત્તિ વ્યાપક છે. ભરતે તત્કાલીન ચાર પ્રવૃત્તિઓનો ઉલ્લેખ કર્યો છે : પશ્ચિમની આવન્તી; દક્ષિણની દાક્ષિણાત્ય; પૂર્વભાગ એટલે ઓરિસ્સા મગધની ઔડ્રમાગધી અને મધ્યપ્રદેશની પાંચાલી. ચં.ટો.