ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રૌઢસાહિત્ય


પ્રૌઢસાહિત્ય : મહિલાસાહિત્યની જેમ પ્રૌઢસાહિત્ય પણ વાચકલક્ષી સાહિત્યપ્રકાર છે. ૧૫થી ૩૫ વર્ષની વયજૂથનાં સ્ત્રીપુરુષોની ‘પ્રૌઢ’માં ગણના કરવામાં આવે છે. તેમને અનુલક્ષીને લખાતું સાહિત્ય તે પ્રૌઢસાહિત્ય. આ સાહિત્યનું પ્રાથમિક લક્ષ્ય નિરક્ષરતાનિવારણ અથવા સાક્ષરતાપ્રદાન હોઈ તેમાં વાંચવાલખવાના સબબે લિપિગત તાલીમ મહત્ત્વની છે. તેથી તેમાં ક્રમિક રીતે અક્ષર-જોડાક્ષર-અપેક્ષિત છે. સરળતા અને સચિત્રતા આથી અપેક્ષિત છે. પ્રૌઢસાહિત્યની રચના સમયે પ્રૌઢના વ્યાવહારિક ભૂમિકાએ કેળવાયેલા અને સજ્જ માનસને ધ્યાનમાં રાખવું જોઈએ. પ્રૌઢસાહિત્યના લેખક પાસે પ્રૌઢમાનસની જાણકારી, પ્રૌઢશિક્ષણની જવાબદારીની અભિજ્ઞતા ઉપરાંત પ્રતિભા પણ અનિવાર્ય હોવી જોઈએ. પ્રૌઢસાહિત્યની લખાવટમાં પ્રાથમિક કક્ષાએ ભાષાજ્ઞાન મુખ્ય બાબત છે. પરંતુ અક્ષરજ્ઞાન પ્રાપ્તિ બાદ સમાજશિક્ષણની વ્યાપક જાણકારી પણ ઇષ્ટ બને છે. જ્ઞાનની તમામ શાખાઓથી તેઓ પણ પરિચિત થાય તે તેનો ઉદ્દેશ છે. વિષય અઘરો હોઈ શકે પણ રજૂઆત તો સાદી અને સરળ હોવી જોઈએ. ગુજરાતમાં ભારત સરકાર, ગુજરાત સરકાર, ગુજરાત વિદ્યાપીઠ, પાઠ્યપુસ્તકમંડળ અને કેટલીક પ્રકાશન સંસ્થાઓ આ પ્રવૃત્તિને માર્ગદર્શન પૂરું પાડે છે. શ્ર.ત્રિ.