ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ફ/ફટાણાં


ફટાણાં : ગુજરાતના ગ્રામીણ પ્રદેશમાં લગ્નપ્રસંગે ઉભય વેવાઈપક્ષો દ્વારા, લગ્નસંબંધી સંકળાતા વિવિધ સંબંધીઓની હાસ્યપ્રેરક વિલક્ષણતાઓને વણી લઈને રમૂજ કરવાના આશયથી ગવાતાં લગ્નગીતો. ફટાણાં આરંભે ભલે હળવી રમૂજ દ્વારા સંબંધીઓનાં એકબીજા માટેનાં રીસ-રોષની લાગણીના વિરેચન (કેથાર્સિસ) માટે ગવાતાં હશે પરંતુ કાળક્રમે તેમાં વ્યંગની ડંશીલી તીખાશ તેમજ બીભત્સ-અભદ્ર ઉલ્લેખો-નિર્દેશો પણ પ્રવેશ્યા છે. ‘ગોરની ફળિયા જેવી ફાંદ’ કે ‘નળિયા જેવું નાક’ જેવા સાદૃશ્યમૂલક ઉપમાદિ અલંકારો તેમજ ‘રેલમાં ભર્યાં રીંગણાં’ વેવાણ અમારાં ઠીંગણાં’ જેવી આંતરપ્રાસયોજનાથી લગ્નમંડપમાં નિર્મળ હાસ્યની છોળો ઉડાડતાં ફટાણાંમાં ક્યારેક રુચિભંગ કરનારાં તત્ત્વો પણ દાખલ થતાં હોય છે. ર.ર.દ.