ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ફ/ફાઉસ્ટ


ફાઉસ્ટ : વિખ્યાત જર્મન સર્જક ગથેની પદ્યમાં લખાયેલી કરુણાન્ત નાટ્યકૃતિ. કૃતિ બે ભાગમાં પ્રસિદ્ધ થઈ, પહેલો ૧૮૦૮માં, અને બીજો ૧૮૩૨માં. એમાં ગથેએ પંદરમી અને સોળમી સદી દરમ્યાન એ સમયે થઈ ગયેલા જોહાન ફાઉસ્ટ નામક એક જીવંત પાત્રની આજુબાજુ રચાયલું કિંવદંતીઓ અને અન્ય કલ્પિત કથાકુલ, જે પછી ફાઉસ્ટ કથા તરીકે ઓળખાઈ, તેનો ઉપયોગ કર્યો છે; ફાઉસ્ટ કથાના કેન્દ્રમાં એક એવો કિસ્સો છે; જેમાં જાદુગર ફાઉસ્ટ જિજ્ઞાસાથી દોરાઈ શેતાન સાથે પોતાનો આત્મા વેચી જ્ઞાન, શક્તિ વગેરે ઐહિક ઐશ્વર્ય પ્રાપ્ત કરવા કરાર કરે છે. કૃતિના આરંભે ‘સ્વર્ગમાં ઉપોદ્ઘાત’નો વિભાગ છે; એમાં સર્જનાત્મક શક્તિસમા ઈશ્વર અને એની સામે નકારાત્મક વિનાશક શક્તિ સમા મેફિસ્ટોફિલિસ વચ્ચે માનવના આત્મા પર વિજય માટે વિવાદ જાગે છે. મેફિસ્ટોફિલિસ એક ઉદાહરણ તરીકે, ફાઉસ્ટને પ્રલોભનમાં ખેંચવા અને તેની કસોટી કરવા, ઈશ્વરની રજા માગે છે. ઈશ્વરને ફાઉસ્ટની એકધારી વફાદારીમાં શ્રદ્ધા છે. પહેલા ભાગમાં વિવિધ આરંભની ઉપકથાઓ પછી ફાઉસ્ટને મેફિસ્ટોફિલિસ સાથે કરારમાં ઊતરતો સૂચવાયો છે. શરૂમાં એક વાગ્નર નામના વિદ્યાર્થી પર અખતરા કરી, ફાઉસ્ટ માર્ગરેટ (ગ્રેઅન)ને મળે છે. ફાઉસ્ટ ગ્રેઅનથી આકર્ષાઈ, તેને વશ કરી, પાપમાં પાડી, તેનો કરુણ અંજામ લાવી, મેફિસ્ટોનો ખેંચ્યો, મોહવશ પાછો ફેંકાય છે. પ્રથમ ભાગનું કેન્દ્ર માનવલાગણીઓની નાની દુનિયા છે. બીજા ભાગમાં ફાઉસ્ટની અભીપ્સા હવે વધુ બૌદ્ધિક અને સૌન્દર્યલક્ષી સ્તરે વિહરે છે. ગ્રીક મિથ-સંકુલ(Mythology)ની હેલન હવે ફાઉસ્ટના અનુભવ વિશ્વમાં પ્રવેશે છે. આ પછી પણ ફાઉસ્ટની અભીપ્સા, આકાંક્ષા અવિરત વિસ્તરતી રહે છે. માનવજાતનું કલ્યાણ, દરિયામાંથી જમીન માનવ-ઉપયોગ માટે પ્રાપ્ત કરવી – એવા એવા કાર્યક્રમોમાં ફાઉસ્ટ સંડોવાય છે. અંતે શતાયુ થઈ તે મૃત્યુ પામે છે. દિ.મ.