ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/બ/બીભત્સરસ



બીભત્સરસ : બીભત્સનો સ્થાયીભાવ જુગુપ્સા છે. તે અણગમતા, અપવિત્ર, અપ્રિય તેમજ અનિષ્ટના દર્શન, શ્રવણ તેમજ તેના ઉલ્લેખો વગેરે વિભાવોથી ઉત્પન્ન થાય છે. સર્વ અંગોને, મુખને સંકોચવું, ઊલટી કરવી, થૂંકવું તેમજ શરીરનાં અંગોને હલાવવાં વગેરે અનુભાવો દ્વારા પ્રસ્તુત થાય છે. આના વ્યભિચારી કે સંચારી ભાવ છે : અપસ્માર, ઉદ્વેગ, આવેગ, મોહ, વ્યાધિ, મરણ વગેરે. આ રસ નીલરંગી છે અને દેવતા મહાકાલ છે. દુર્ગંધી માંસ, રુધિર વગેરે આ રસનાં આલંબન છે. ભરતમુનિએ બીભત્સ રસના બે પ્રકારોનો ઉલ્લેખ કર્યો છે : ક્ષોભજ (શુદ્ધ) તેમજ ઉદ્વેગી (અશુદ્ધ). રુધિર વગેરેથી જેની ઉત્પત્તિ થાય તે ક્ષોભજ ને કૃમિ, વીષ્ટા વગેરેથી ઉત્પન્ન થતો બીભત્સ ઉદ્ધેગી કહેવાય છે. ધનંજય પ્રમાણે સુંદરીનાં જઘન, સ્તન વગેરે પ્રત્યે વૈરાગ્યને કારણે ઘૃણા ઉત્પન્ન થાય તો તે શુદ્ધ બીભત્સ છે. બીભત્સ રસમાં સ્મશાન, શબ, લોહી, માંસ અથવા સડેલા પદાર્થોનું જ વર્ણન નથી હોતું પણ એવી વસ્તુઓનો પણ સમાવેશ થાય છે જેના તરફ અરુચિ, ખચકાટ કે ઘૃણાનો ભાવ પેદા થાય. અન્ય રસોમાં આલંબનવિભાવ હોય છે અને, રસગ્રહણ કરનાર પણ હોય છે. પણ અહીં બીભત્સમાં (અને હાસ્યમાં પણ ઘણીવાર) એકલા આલંબનથી જ પ્રતીતિ થાય છે. તો રસનો આશ્રય કોણ? એવો સૂક્ષ્મ પ્રશ્ન ઉઠાવીને જગન્નાથ એનો આશ્રય કોઈક દૃષ્ટા ‘આક્ષેપ્ય’ (સૂચિત) રંગમંચ પર હોય છે એવો ઉત્તર આપે છે, અથવા તો, વાચક કે ભાવક પણ એનો આશ્રય બની શકે એવો ઉત્તર આપે છે. વિ.પં.