ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનાં લક્ષણો


મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનાં લક્ષણો : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની કૃતિઓ પોથીઓમાં હસ્તલિખિત દશામાં જ મળે છે. એ સમયે મુદ્રણકળા અને મુદ્રણયંત્રની શોધ થઈ ન હતી. તેથી તે સમયમાં સાહિત્યકૃતિઓનો બહોળો પ્રચાર તો કંઠપરંપરાથી જ શક્ય હતો. સાહિત્યકૃતિઓની જાળવણી માટે એને લહિયાઓ પાસે સારા અક્ષરમાં લખાવવામાં પણ આવતી હતી. આ સાહિત્ય બહુધા પદ્યમાં જ રચાયું છે કેમકે, જે જનતા સમક્ષ આ કૃતિઓ રજૂ થતી તે લગભગ અશિક્ષિત હતી. એ જનતાને સાહિત્ય દ્વારા જ લોકશિક્ષણ અને મનોરંજન આપવાનું હતું અને સમગ્ર સાહિત્યનો હેતુ પણ માત્ર કથન-શ્રવણનો હતો. આ દૃષ્ટિએ પણ ગદ્ય કરતાં પદ્ય વધુ ઉપયોગી બને તેમ હતું. પાછું પદ્ય ગેય હોય તેથી પણ મુદ્રણકળાના અભાવના કાળમાં કંઠસ્થ કરવા માટે ગદ્ય કરતાં પદ્ય જ વધુ અનુકૂળ આવે તેમ હતું. જનતા સુધી સરળતાથી કવિતા પહોંચી શકે, તેને સરળતાથી કંઠસ્થ કરી શકાય તે માટે આ સમયની કવિતામાં કવિઓએ સંસ્કૃત અક્ષરમેળવૃત્તો કરતાં વધુ પ્રમાણમાં લયમેળ છંદો અને દેશીઓ તથા માત્રામેળ છંદોનો ઉપયોગ કર્યો છે. આ પદ્ય પણ વિવિધ પ્રકારોમાં વ્યાપ્ત હતું. જેમકે, રાસરાસો, ફાગ-ફાગુ, બારમાસી, કક્કો, પદ્યવાર્તા, આખ્યાન, ગરબોગરબી, થાળ, આરતી, હાલરડાં વગેરે. આ બધા ક્થ્ય-શ્રાવ્ય પ્રકારો હતા. તેમાં કેટલાક અંશો તો માત્ર ગાવા માટે જ આવતા. તેમાં કથા આગળ વધતી ન હતી. આ પદ્યની સરખામણીમાં ગદ્યનું પ્રમાણ ઘણું ઓછું છે. સંસ્કૃત-પ્રાકૃત ધર્મગ્રન્થોના અનુવાદ કે ભાષ્યરૂપ બાલાવબોધોમાં, ‘પૃથ્વીચંદ્રચરિત’ જેવી વાર્તાઓમાં, વર્ણકો અને ‘ઐક્તિક’ વ્યાકરણગ્રન્થોમાં જૈનસાધુઓએ ગદ્યનો પ્રયોગ કર્યો છે. આ ઉપરાંત ‘ગીતા’, ‘ગીતગોવિંદ’ વગેરેનાં સોળમા શતકનાં ભાષાન્તર, દયારામની પોતાની ‘સતસૈયા’ની ગુજરાતી ટીકા અને સ્વામીનારાયણનાં ‘વચનામૃત’ પણ ગદ્યમાં છે. પરંતુ, આ મધ્યકાલીન સાદા ગદ્યનું ગદ્ય તરીકેનું પોત પાતળું છે. તેમાં ચારણી ઢબની ઝડઝમક વધારે હોય છે. મધ્યકાળના સાહિત્યનું વિષયવર્તુળ અર્વાચીનકાળના સાહિત્યની સરખામણીમાં ખૂબ મર્યાદિત છે. તે સમયે જીવનના સઘળા રસ ધર્મના પાત્રમાં ઝિલાયા છે. જૈનસાહિત્ય તો પૂરેપૂરું ધાર્મિક છે. શૃંગારપ્રધાન ફાગુઓ અને રસાત્મક વાર્તાઓનો અંત તો ઉપશમમાં જ આવે છે. તેમાં જૈનધર્મનો મહિમા બતાવવામાં આવે છે. જૈનેતર સાહિત્ય પણ બહુધા ધર્મમૂલક છે. જૈનેતર કવિઓ નરસિંહ, મીરાં વગેરેએ ભક્તિનો મહિમા ગાવા જ ધર્મભાવનાથી પ્રેરાઈને રચનાઓ કરી છે. ભાલણ, નાકર, પ્રેમાનંદે પણ ધર્મના માળખાને અનુષંગે જ અન્ય કંઈપણ ગાયું છે. કવિતા એ સર્જકોને મન સાધન હતી. પ્રભુભક્તિ જ તેમનું સાધ્ય હતું. મધ્યકાલીન સાહિત્ય બહુધા ધર્મરંગ્યું છે છતાં સમકાલીન જીવન પર પ્રકાશ નાખે એવી સામગ્રી એમાં ઠીક પ્રમાણમાં મળે છે. અજ્ઞાતકવિના ‘વસંતવિલાસ’માં જીવનના ઉલ્લાસને પ્રગટ કરતો શૃંગારરસ ભરપૂર ગવાયો છે. ‘રણમલ છંદ’ અને ‘કાન્હડદે પ્રબંધ’ ક્ષત્રિયવીરોના પરાક્રમને ગાતાં ઐતિહાસિક કાવ્યો છે. પ્રેમાનંદનાં ‘ઓખાહરણ’ અને ‘મામેરું’માં ગૌરીપૂજન, લગ્નવિધિ તથા સીમંતવિધિનાં રીતરિવાજનું આલેખન છે તે સમકાલીન જીવનની ગતિવિધિને દર્શાવે છે. આ કવિનાં આખ્યાનોમાં રજૂ થયેલાં પાત્રો તો એ સમયના ગુજરાતી સમાજને જીવતો ખડો કરે છે. કવિ વલ્લભના ‘શણગારના ગરબા’માંથી મધ્યકાલીન સ્ત્રીઓનાં વસ્ત્રાલંકારોની માહિતી મળે છે. પણ સૌથી વધારે સમકાલીન જીવન પર પ્રકાશ પાડે છે લોકસાહિત્ય. તેમાં પ્રજાની લડાયક કોમોના ટેક, ભોગ, વીરતા તથા તેમના કુટુંબજીવન અને ધર્મજીવનનું સારું દર્શન થાય છે. જોકે, આ બધું આજની સામાજિક નવલકથામાં રજૂ થાય એ રીતે રજૂ થયું નથી. કેમકે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું આ પ્રધાન લક્ષ્ય ન હતું. મધ્યકાળમાં થઈ ગયેલા વિપુલસંખ્ય ભક્તકવિઓને મૌલિકતાનો આગ્રહ ન હતો. પુરોગામી કવિઓની કૃતિઓમાંથી કેટલીક સામગ્રી તેઓ સ્વીકારતો અને પોતાની રીતે વિકસાવતા હતા. આથી જ એક જ વસ્તુનાં અનેક આખ્યાનો મધ્યકાલીન સાહિત્યમાં મળે છે. આ ભક્તકવિઓને સરસ્વતી ઉપાસનામાં ધર્મ, વર્ણ તથા જાતિના ભેદ નડ્યા નથી. તેમાં બ્રાહ્મણ વાણિયા, ભાટ, પાટીદાર, બંધારા, ઢાઢી, જૈન, પારસી, મુસલમાન, કબીરપંથી એમ બધા વર્ણના, બધી જાતિના અને થરના સર્જકો છે. મીરાંબાઈ, ગૌરીબાઈ જેવી સ્ત્રીકવિઓ પણ છે. મધ્યકાળનો આ સઘળો ભક્તકવિગણ સૌરાષ્ટ્રમાંથી, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાંથી એમ સમગ્ર ગુજરાતમાંથી પ્રાપ્ત થયેલો છે. કી.જો.