ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મર્ચન્ટ ઓફ વેનિસ


(ધ) મર્ચન્ટ ઑફ વેનિસ : ‘ધ મર્ચન્ટ ઑફ વેનિસ’(૧૬૨૩), એ શેક્સપીયરની એક રોમેન્ટિક કોમેડી છે. જોકે એનું વિષયવસ્તુ લગભગ ટ્રેજિડીની સીમાને સ્પર્શી આવે છે. આ નાટ્યકૃતિમાં એન્ટોનિયોનો મિત્રપ્રેમ, બેસાનિયો અને પોર્શિયાનાં લગ્નની ઘટના, શાયલોકની દ્વેષવૃત્તિ વગેરેનું મિશ્રણ નાટ્યકારને યશ આપે તેવું છે. પણ નાટકમાં શિરમોર જેવું દૃશ્ય તો કોર્ટનું છે. પોર્શિયા શાયલોકની વાણીનું ચમત્કારક અર્થઘટન કરીને શાયલોકને આબાદ નાસીપાસ બનાવી પોતાના પતિનાં દિલોજાન દોસ્તને મોતમાંથી ઉગારી લે છે. પોર્શિયાની વકીલ તરીકેની છટા અદ્ભુત આલેખાઈ છે. શાયલોકને દયા માટે વીનવતી વેળાએ એની વાણી પ્રેરક છે. નાટકમાં નાયિકા તરીકે પોર્શિયાની કામગીરી ધ્યાન કેન્દ્રિત કરે છે. એન્ટોનિયો વિષે સદ્ભાવ તો થાય છે જ, પરંતુ એ અને બેસાનિયો બંને પુરુષપાત્રો કરતાં પોર્શિયાનું પાત્ર વિશેષ ઝળકી ઊઠે છે. એ જ રીતે શાયલોકના પાત્રને પણ સરસ ઉઠાવ મળ્યો છે. એને કવિન્યાય બરાબર મળે છે. એન્ટોનિયો અતિશય ભલો લાગે છે. નહિતર શાયલોકને પૂરેપૂરો જાણનારો એ શેર માંસની શરતમાં તરત સપડાઈ જાય એ બનવું શક્ય નથી. બેસાનિયો એ યહૂદીની તરકીબ પામી જાય છે, પણ એની સાથે વારંવાર પાનું પાડનારો એન્ટોનિયો એની જાળમાં ફસાય છે, એ વિચિત્ર છે. કદાચ મિત્રને મદદ કરવાના ઉમળકામાં આવી એ જાળમાં આંખ મીંચીને કૂદી પડ્યો હશે! એ જ પ્રમાણે વકીલે તરીકે કોર્ટમાં કેસ લડતી પોર્શિયાને બેસાનિયો ઓળખી શક્યો નહિ એ પણ વિચિત્ર છે. પોર્શિયાએ કેસ જિતાડી આપ્યા પછી બેસાનિયો પાસેથી તેણે લગ્નની વીંટી માગી તોય બેસાનિયોને અણસારો નહિ મળ્યો હોય? પરંતુ એ એક રીતે તો યોગ્ય જ જણાય છે. નહિતર છેલ્લે બેસાનિયો-પોર્શિયા વચ્ચેના કલહનું રસદાયક દૃશ્ય જોવા મળત નહિ! આખી કથામાં પરીકથા જેવું વાતાવરણ વાચકને લાગે તે સંભવિત છે. નાટકની રચના સંકુલ નથી. કથાપ્રવાહ સ્ફૂર્તિથી સીધેસીધો વહી જાય છે. સુખદ આરંભથી શરૂ થયેલી કથા વચમાં કરુણરસની ઘેરી છાયા જમાવી અંતે સુખાન્ત પામે છે. આ કૃતિ એ રીતે Tragi રૂ. Comedy છે. મ.પા.