ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/માદામ બોવારી


માદામ બોવારી : ફ્રેન્ચ લેખક ગુસ્તાવ ફ્લોબેર(૧૮૨૧-’૮૦)ની ૧૮૫૭માં પ્રસિદ્ધ થયેલી નવલકથા. શાર્લ બોવારી નામના આમ જોઈએ તો એક નાના ગામના સર્વથા મૂર્ખ અને નીરસ ડૉક્ટરને પરણેલી એમા (Emma)ના જીવનમાં વાસ્તવ અને સ્વપ્ન, હકીકત અને ઊર્મિ વચ્ચે જાગતા તણાવોને કેન્દ્રમાં રાખી નવલકથાનું કથાવસ્તુ વિસ્તરે છે. મધ્યમવર્ગીય ગ્રામીણ સંકુચિત તત્કાલીન સમાજની ભીંસ વચ્ચે પોતે પહેલાં વાંચેલી સાહસશૌર્યની નવલકથાઓ પરથી સેવેલા સ્વપ્નોની રાગાત્મક, વિલાસપ્રચુર સામગ્રીને એમા ઝંખે છે અને ધીમે ધીમે તેના પતિથી દૂર જાય છે. એમાની આ સ્વૈરયાત્રા એક રીતે તેના પતનની ગાથા છે તો બીજી રીતે અત્યંત વિગતે વાસ્તવની તદ્દન નજીક રહી વર્ણવેલી આત્મસ્થિતિઓનું વેધક નિરૂપણ છે. નીચે ને નીચે ખેંચી જતા પ્રપાત વચ્ચે એમાને ધાર્મિક નિષેધોનું ભાન ડંખે છે, પ્રેમ માટેની તેની ઝંખનાની છેવટની વિફળતા સાથે એ જ ગામના એક કેમિસ્ટ હોમાય(Homais)ના દેવામાં તે આવી પડે છે. આખરે એ ઝેર પીને જીવનનો અંત આણે છે. પોતાની પત્નીની બેવફાઈની સાબિતીઓ મળી આવતાં હૃદયભગ્ન પતિ ડૉક્ટર શાર્લ, એક રીતે ટ્રેજિક-કરુણ પાત્ર તરીકે નવલકથાને અંતે ઊપસી રહે છે. વાર્તાને અંતે ખલનાયક જેવા પેલા કેમિસ્ટને જીવતો અને સરકારી ખિતાબ મેળવતો બતાવ્યો છે. વાર્તાકલાના અપ્રતિમ નમૂના તરીકે, વાસ્તવવાદી લખાણના પ્રમુખ દસ્તાવેજ તરીકે, સ્ત્રીજીવનની વિષમતાઓના પ્રતિબિંબ તરીકે, રાગાત્મક ઉન્મેષો ઉપરના કટાક્ષ તરીકે-એમ બહુવિધ મહત્ત્વ ધરાવતી આ કૃતિ ફ્રેન્ચ સાહિત્યમાં જ નહીં, પણ વિશ્વસાહિત્યમાં પ્રમુખ નવલકથા તરીકે સ્વીકારાયેલી છે. દિ.મ.