ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/માલવિકાગ્નિમિત્ર



માલવિકાગ્નિમિત્ર : ઐતિહાસિક પૃષ્ઠભૂમિમાં રચાયેલા કાલિદાસના આ પંચાંકી નાટકનું કથાવસ્તુ શુંગવંશના રાજવી અગ્નિમિત્રના માલવિકા સાથેના પ્રણયપ્રસંગો છે. અગ્નિમિત્ર ધીરલલિત પ્રકારનો અને પોતાની ધારિણી અને ઇરાવતી બેઉ રાણીઓ પ્રત્યે દાક્ષિણ્યભાવ જાળવનારો નાયક છે. અગ્નિમિત્રના માલવિકા સાથેના પ્રેમપંથમાં ધારિણી અને ખાસ તો, યુવાન રાણી ઇરાવતી વિઘ્નરૂપ છે. રાજાનો મિત્ર વિદૂષક રાજકાજ સિવાયનાં પ્રેમકાર્યોમાં સહાયરૂપ થનારો ‘કાર્યાન્તરસચિવ’ છે. વિદૂષક તરેહતરેહની યુક્તિપ્રયુક્તિઓ આદરીને રાજાનાં માલવિકા સાથેનાં પ્રણયમિલનો ગોઠવી આપે છે અને નાટકમાં લગભગ મુખ્ય પાત્રની ભૂમિકા અદા કરે છે. માલવિકાના ગુરુ ગણદાસ અને ઇરાવતીના ગુરુ હરદત્ત આ બે નૃત્યાચાર્યો વચ્ચે વિદૂષકની યુક્તિથી કલહ થાય છે. પરિણામે બંને શિષ્યાઓની નૃત્યસ્પર્ધા યોજીને તે પ્રમાણે જે તે આચાર્યની શ્રેષ્ઠતાનો નિર્ણય થાય એમ નક્કી કરવામાં આવે છે. આ રીતે, વિદૂષક રાજા માલવિકાને નિહાળી શકે, વધુ વાર નિહાળી શકે એમ ગોઠવે છે. વિદૂષકની યુક્તિથી ધારિણી ઝૂલા પરથી પડી ગઈ છે, અને તેના પગને ઈજા પહોંચી હોવાથી અશોકવૃક્ષને પાદપ્રહાર કરીને, તેનો દોહદ પૂરો કરી, પુષ્પવંતું બનાવવાનું કાર્ય માલવિકાને સોંપાય છે. વળી, આગળ પણ, ઇરાવતીની ફરિયાદને આધારે ધારિણીએ માલવિકાને બંદીવાન બનાવી છે, તો ત્યાં પણ વિદૂષકની યુક્તિથી માલવિકાને મુક્ત કરી રાજા સાથે વધુ એકવાર એકાંતમિલન ગોઠવાય છે. આમ સમગ્ર નાટકના ચાલક બળ તરીકે વિદૂષકનું પાત્ર ઊપસે છે. રાજાના અંત :પુરની ખટપટોનું કથાવસ્તુ લઈને પરવર્તી કાળમાં રચાયેલાં નાટકોની પરંપરામાં માલવિકાગ્નિમિત્ર કદાચ અગ્રેસર છે. ચુસ્ત કથાગૂંથણી ધરાવતા આ નાટકનો મુખ્ય ઉદ્દેશ હળવા મનોરંજનનો છે. માલવિકાગ્નિમિત્રમાં કાલિદાસે, પોતાના પુરોગામી ભાસ, સૌનિલ્લક અને કવિપુત્ર જેવા કવિઓનો આદરપૂર્વક ઉલ્લેખ કર્યો છે. (પુરાણમિત્યેવ ન સાધુ સર્વમ્, ન ચા પિ કાવ્યં નવમિત્યવદ્યમ્) એવું કાલિદાસનું કથન નાટ્યકારની આ પ્રથમ નાટ્યકૃતિ હોવાના સંભવને સૂચવી જાય છે. વિ.પં.