ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મિલાપ



મિલાપ : ભારતીય પ્રજાસત્તાકના ઘડતરમાં પોતાનાં અલ્પસાધનો વડે પ્રજાની ભૂખને સંતોષવાના નમ્ર પ્રયાસ રૂપે સહયોગ આપવાના આશયથી ૧૯૫૦ના, ૨૬મી જાન્યુઆરીના દિવસે ‘નાની શી મિલન-બારી’ રૂપે મુંબઈથી મહેન્દ્ર મેઘાણીએ પ્રકાશિત કરેલું ગુજરાતી માસિક. ભારતની વિવિધ ભાષાઓમાં કવિતા, વાર્તા, નિબંધ અને લેખો રૂપે પ્રગટ થતા જ્ઞાનરાશિમાંની સાર્વજનીન ઉપયોગી એવી વાચન સામગ્રીનો સારસંચય ગુજરાતી વાચકને હાથવગો કરાવી આપવાની નેમથી આરંભાયેલા ‘મિલાપે’ ૨૯ વર્ષ સુધી એકધારી ઉત્તમ વાચન-સુવિધા પૂરી પાડી પરંતુ આર્થિક અને વ્યવસ્થાકીય સમસ્યાઓને ન પહોંચી વળાતાં આખરે ૧૯૭૮માં તેનું પ્રકાશન બંધ થયું. પ્રારંભિક દસ વર્ષો દરમ્યાન પ્રકાશિત સામગ્રીમાંથી ચૂંટેલી કૃતિઓનો સંચય ‘દાયકાનું યાદગાર વાચન : ૧૯૫૧૧૯૬૦’ એ ‘મિલાપ’ની સાહિત્યિક તાસીર દર્શાવતી ઉપનીપજ છે. ર.ર.દ.