ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મૂળલેખન



મૂળલેખન (Arche-writing) : ઉત્તર સંરચનાવાદી ફ્રેન્ચ ચિંતકવિવેચક ઝાક દેરિદાએ ભાષાની નવી સમજ માટે ઉપસાવેલી આ સંજ્ઞા છે. પરંપરાગત ભાષાવિચારણામાં વાણી કરતાં લેખનનું ઓછું મહત્ત્વ છે. વાણી સાથે સંકેતિત(Signified)ને સાંકળ્યો છે જ્યારે લેખન સાથે માત્ર સંકેતક(Signifier)ને સાંકળ્યો છે. લેખન સાથે સંકેતિત જતો નથી અને તેથી લેખનનું મૂલ્ય ગૌણ છે. લેખન અંગેની પરંપરાગત આવી માન્યતાને દેરિદા પ્રાકૃત (vulgar) સમજે છે. આની સામે દેરિદાએ ‘લેખન’નું મહત્ત્વ ઉપસાવતો અભિગમ દર્શાવ્યો છે. અને એને ‘મૂળલેખન’નું નામ આપ્યું છે. સંકેત વ્યતિરેકવ્યાક્ષેપ દ્વારા મૃગણામાં લઈ જાય છે. અને આ રીતે મૃગણાના કાર્યમાં પ્રેરનાર મૂળલેખન છે. મૂળલેખમાં ભાષા સહિત સંગીત ચિત્રકલા સર્વને દેરિદા સમાવી લે છે. ચં.ટો.