ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મૃગણા


મૃગણા (Trace) : દેરિદાના વિરચનસિદ્ધાન્તમાં સંકેત એ મૃગણા છે. મૃગણાનું કાર્ય વ્યક્તિચિત્ર, ભીત્તીચિત્ર, વ્યક્તિસંજ્ઞા, ચેષ્ટા, ઉચ્ચારિત કાર્ય, લેખિત કાર્ય વગેરેમાં રહ્યું છે. એટલેકે મૃગણાના કાર્ય અંગેની આ નવી સભાનતા તે આલેખકેન્દ્રિતા. કોઈ ચિત્ર જોઉં કે મારા ચિત્તનું કાર્ય કે મારી ચેતનાનું કાર્ય શરૂ થાય છે. મારે એની અર્થવત્તા (Significance) સમજવી છે. અર્થવત્તાને સમજવા ચિત્ત એનાં સંચલનો શરૂ કરે છે. સંચલનો કઈ દિશામાં જશે એ મહત્ત્વનું નથી. ચિત્ત, ચિત્રમાં જે છે એનાથી અન્ય કશાકની શોધમાં ગતિ કરે છે. દેરિદાની માન્યતા એવી છે કે સંકેત એ કંઈ બીજું જ છે અને ત્યાંથી મૃગણા શરૂ થાય છે. વિવેચન આ ઘણીબધી મૃગણાઓની કથા છે. ચં.ટો.