ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મૃચ્છકટિક



મૃચ્છકટિક : વિશ્વસાહિત્યમાં મુકાય એવું, શૂદ્રકનું રચેલું મનાતું પ્રશિષ્ટ સંસ્કૃત નાટક. એનું શીર્ષક (મૃદ્ શકટ) ‘માટીની ગાલ્લી’ના નાનકડા પ્રસંગનું નાટકના કથાવસ્તુમાં નિર્ણયાત્મક વળાંક પ્રેરનાર, કેન્દ્રિય મહત્ત્વ સૂચવે છે. ઉજ્જયિનીની ગણિકા વસંતસેના દરિદ્ર બનેલા શ્રેષ્ઠી ચારુદત્તના પ્રેમમાં છે, રાજાના મૂર્ખ સાળા શકારના પીછાથી બચવા ચારુદત્તના ઘરમાં આશરો લઈ પહેરેલાં ઘરેણાં ત્યાં થાપણ મૂકે છે. ઘરેણાં ચોરાતાં તેના બદલામાં ચારુદત્ત પત્નીની રત્નમાળા વસંતસેનાને મોકલે છે. ઘરેણાં પણ પાછાં ગણિકા પાસે જ પહોંચે છે. રત્નમાળા પાછી આપવાના નિમિત્તે ચારુદત્તને ત્યાં આવેલી વસંતસેના એના બાળકની સોનાની ગાલ્લીની હઠ પૂરવા એની માટીની ગાલ્લીમાં પોતાનાં ઘરેણાં ભરી આપે છે. પછી નગર બહારના જીર્ણોદ્યાનમાં ગયેલા ચારુદત્તને મળવા જતાં શકારના હાથમાં સપડાતાં તે એનું ગળું દાબી દઈ, હત્યાનો આરોપ ચારુદત્ત પર મૂકે છે. ચારુદત્ત પાસેથી મળેલાં ગણિકાનાં ઘરેણાં હત્યાનું નિમિત્તકારણ ગણાઈ એને મૃત્યુદંડની સજા થાય છે, પણ ભાનમાં આવેલી વસંતસેના છેલ્લી ઘડીએ દંડસ્થળે પહોંચી જતાં નાટક સુખાન્ત બને છે. નાટકમાં બે ઉપકથાનકો ગૂંથાયાં છે : ૧, ગણિકાની દાસી મદનિકાનો સાહસિક બ્રાહ્મણ પ્રેમી શર્વિલક પ્રિયાને દાસત્વમાંથી છોડાવવા ચારુદત્તને ત્યાંથી ઘરેણાં ચોરી વસંતસેનાને જ આપે છે ૨, શર્વિલકની સહાયથી કારાગારમાંથી નાસેલો રાજ્યનો ખરો ઉત્તરાધિકારી રાજકુમાર આર્યક ચારુદત્તના વેલડામાં નાસી જુલ્મી રાજા પાલકને હણી રાજ્યવિદ્રોહને સફળ બનાવે છે. આ ગૌણ પ્રણયકથાનક તથા રાજકથાનક મુખ્ય પ્રણયકથા સાથે ઝીણવટભરી ઔચિત્યપૂર્ણ ઘટનાઓથી ગૂંથાયેલાં છે. પાત્રસૃષ્ટિમાં આકર્ષક વૈવિધ્ય છે. એમાં અભૂતપૂર્વ એવું સમાજના વિશાળ નીચલા સ્તરનાં માણસોનું પ્રતિનિધિત્વ છે. સંસ્કૃત નાટકમાં અપ્રાપ્ય એવી ઝડપી કાર્યગતિ પણ નાટકમાં છે. શકારનું પાત્ર એની મૂર્ખતા, લુચ્ચાઈ, હલકાઈ, કામલોલુપતા, દંતપ્રકાશક ‘શ’કારી પ્રાકૃત બોલી, જુલ્મી સગાંવાદી રાજશાસનનું પ્રતિનિધિત્વ – વગેરેને કારણે વિશ્વનાં શ્રેષ્ઠ હાસ્યપાત્રોમાં સ્થાન પામેલું છે. રા.ના.