ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ય/યજુર્વેદ


યજુર્વેદ : વેદકાળમાં હોતા, ઉદ્ગાતા, બ્રહ્મા અને અધ્વર્યુ એમ ચાર પ્રકારના ઋત્વિજો હતા. તેમાં ઋગ્વેદ હોતાનો, સામવેદ ઉદ્ગાતાનો, અથર્વવેદ બ્રહ્માનો અને યજુર્વેદ અધ્વર્યુનો મનાતો હતો. સમાજમાં જેમ જેમ ક્રિયાકાંડનું અને યજ્ઞયાગાદિનું મહત્ત્વ વધ્યું તેમ તેમ યજુર્વેદનું મહત્ત્વ વધ્યું. વિષ્ણુપુરાણમાં તો કહેવાયું કે આરંભમાં એક યજુર્વેદ હતો. પછી તેમાંથી ચાર વેદોનું વિભાજન થયું. (વિ. પુ. ૩-૪-૧૧) गद्यात्मको यजु : અથવા शेषे यजु : એવી એવી યજુસ્ની વ્યાખ્યા આપવામાં આવી છે. જે ગદ્યપદ્યાત્મક યજ્ઞ સંબંધી મંત્રોનો યજ્ઞ વગેરેમાં ઉપયોગ થતો હતો તેનો સંગ્રહ યજુર્વેદ તરીકે થયો છે. યજુર્વેદની કૃષ્ણ અને શુક્લયજુર્વેદ એવી બે પરંપરાઓ મળી આવે છે. આ બે તે જુદા જુદા વેદ નથી પરંતુ તેના મંત્રોની વ્યવસ્થામાં થોડોઘણો તફાવત છે. કૃષ્ણ યજુર્વેદમાં તેનો બ્રાહ્મણ ભાગ પણ મળી ગયો છે. શતપથ-બ્રાહ્મણ મુજબ યજુર્વેદના ૧, આદિત્ય સંપ્રદાય અને ૨, બ્રહ્મસંપ્રદાય એવા બે સંપ્રદાયો છે. આદિત્ય સંપ્રદાય યાજ્ઞવલ્ક્યને તપ દ્વારા ભગવાન આદિત્ય એટલે સૂર્યનારાયણ પાસેથી મળ્યો હતો. एकशतम् એટલે एकाधिकशतम् અર્થાત્ ૧૦૧ યજુર્વેદની શાખાઓ હતી. તેમાં શુક્લ યજુર્વેદની ૧૫ અને કૃષ્ણ યજુર્વેદની ૮૬ શાખાઓ હતી. તેમાં શુકલ યજુર્વેદની વાજસનેયી સંહિતા આજ સંપૂર્ણ ઉપલબ્ધ થાય છે. તેની માધ્યંદિન અને કાણ્ય એવી બે શાખાઓ છે. આ વાજસનેયી સંહિતાના ૪૦ અધ્યાય છે. એનો ૪૦મો અધ્યાય તે સુપ્રસિદ્ધ ઈશાવાસ્ય ઉપનિષદ છે. કૃષ્ણ યજુર્વેદની ૧, તૈત્તિરીય સંહિતા ૨, ચૈત્રાયણી સંહિતા. ૩, કાપિષ્ઠલ-કઠ સંહિતા ૪, કઠ સંહિતા અને ૫, શ્વેતાશ્વતર સંહિતા મળી આવે છે. શુક્લ યજુર્વેદના ૧ અને ૨ અધ્યાયમાં દર્શ અને પૌર્ણમાસની ઈષ્ટિઓનું વર્ણન છે. ૩જા અધ્યાયમાં અગ્નિહોત્રનું ૪થી ૮માં સોમયાગનું ૯માં વાજપેય-મંત્રો ૧૦માં રાજસૂય-મંત્રો ૧૧થી ૧૫ સુધી અગ્નિચયન, ૧૬ શતરુદ્રીય હોમ, ૧૭ ચિત્યપરિષેકાદિ મંત્રો ૧૮ વસોધારા ૧૯થી ૨૧ સૌત્રામણિ ૨૨થી ૨૫ અશ્વમેધ, ૨૬થી ૨૯ ખિલમંત્રો, ૩૦ પુરુષમેધ, ૩૧ પુરુષસૂકત, ૩૨ અને ૩૩ સર્વમેધ, ૩૪ શિવસંકલ્પ મંત્રો, ૩૫ પિતૃમેધ, ૩૬થી ૩૯ પ્રવર્ગ્યયાગ અને ૪૦ ઈશાવાસ્ય ઉપનિષદ છે. યજુર્વેદ મુખ્યતયા યજ્ઞમાં ઉપયોગી ગદ્યપદ્યાત્મક મંત્રોનો સંગ્રહ છે. છતાં એમાં તત્ત્વવિચારણા પણ છે. ઈશાવાસ્ય ઉપનિષદ અધ્યાય ૪૦ તેનું ઉદાહરણ છે. તેનો ૧૬મો અધ્યાય આજ બ્રાહ્મણોના રુદ્રીપ્રયોગમાં વપરાય છે. તેના શિવસંકલ્પના મંત્રો અત્યંત રમણીય અને વિચારપ્રધાન છે. આ વેદમાં કર્મકાંડ ઉપરાંત ઉપાસ્યતત્ત્વ કે પરમતત્ત્વની ચર્ચા પણ થઈ છે. ગૌ.પ.