ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ય/યુનિવર્સિટી ગ્રન્થનિર્માણબોર્ડ


યુનિવર્સિટી ગ્રન્થનિર્માણબોર્ડ : ઉચ્ચ શિક્ષણના સ્તરે અધ્યયનઅધ્યાપનના માધ્યમ તરીકે માતૃભાષાનો સ્વીકાર અને અમલ થતાં વિવિધ વિદ્યાશાખાઓમાં સંદર્ભસાહિત્યની સર્જાયેલી ઊણપને લક્ષ્યમાં લઈને માધ્યમ-ભાષા ગુજરાતીમાં અપેક્ષિત વાચન-સામગ્રી ઉપલબ્ધ થાય એવા હેતુથી ૧૯૭૦માં કેન્દ્ર સરકાર દ્વારા અમદાવાદમાં સ્થપાયેલી પ્રકાશનસંસ્થા. પ્રારંભે ઈશ્વરભાઈ પટેલ અને જે. બી. સેંડિલ જેવા વિદ્વાન અધ્યક્ષોની સેવા પામેલી સંસ્થાએ વાણિજ્ય, વિજ્ઞાન, શિક્ષણ, પત્રકારત્વ, આયુર્વેદ, તબીબી, ઇજનેરી કૃષિ-ગોપાલન તેમજ નાટ્ય, શિલ્પ, સંગીત જેવી લલિતકલાઓનાં આધારભૂત તેમજ અદ્યતન સંદર્ભગ્રન્થો વાજબી કિંમતે વિદ્યાર્થીઓ-અધ્યાપકો માટે તૈયાર કર્યા છે. આ અન્વયે વિનયન શાખા હેઠળ કેટલાક મહત્ત્વના સાહિત્યિક સંદર્ભગ્રન્થો પણ મળ્યા છે. આજ સુધીમાં કુલ ૧૦૨૧ જેટલાં પુસ્તકો સંસ્થાએ પ્રકાશિત કર્યાં છે. તેમજ તેના પ્રચાર-પ્રસાર અને વેચાણ માટે જિલ્લા-કસબાનાં શહેરોમાં પુસ્તકપ્રદર્શન પણ યોજ્યાં છે. રરાજ્યની સઘળી યુનિવર્સિટીઓની વિવિધ વિદ્યાશાળાઓના અભ્યાસક્રમોમાં એકરૂપતા સરજીને એ અનુસાર પાઠ્યપુસ્તકો પ્રગટ કરવાની યોજના પણ સંસ્થા દ્વારા કાર્યાન્વિત થઈ રહી છે. ર.ર.દ.