ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ર/રમકડું


રમકડું : શામળદાસ ગાંધીના તંત્રીપદે મુંબઈથી ૧૯૪૯માં શરૂ થયેલું બાલ-સાહિત્યનું વિશિષ્ટ માસિક. પ્રથમ દર્શને જ બાળવાચકો આકર્ષિત થઈ જાય એવું ચતુર્રંગી મુખપૃષ્ઠ, મોટાં બીબાંમાં સ્વચ્છ-સુઘડ છપાઈ, પ્રકાશિત સામગ્રીનું બાલસુલભ સ્તર અને સામગ્રીને અનુરૂપ ચિત્ર-દૃષ્ટાંતો આ માસિકની વિશેષતાઓ હતી. તો, ક્રમશ : પ્રગટ થતી રહેલી, ભગુ-સોનુ અને લખુડી વાંદરીની કિશોરસહજ પરાક્રમો વર્ણવતી ચિત્રવાર્તા, ‘છેલ અને છબો’ તથા ‘શેરખાન’ જેવી સાહસકથાઓ અને વાંચતાં જ યાદ રહી જાય એવી રોચક શૈલીએ લખાયેલી કહેવતકથાઓ તેનાં આકર્ષણો હતાં. ૧૯૮૧માં અમદાવાદ સ્થળાંતર કર્યા પછી તેના સંપાદન અને સંચાલનની જવાબદારી રજની વ્યાસે સંભાળેલી. ૧૯૮૩થી ‘સંદેશ’ પ્રકાશને રમકડુંનું પ્રકાશન પાક્ષિક રૂપે આરંભ્યું અને તેના સંપાદનની જવાબદારી ફાલ્ગુન પટેલે સંભાળી. થોડો સમય આ રીતે પ્રકાશિત થયા પછી પ્રકાશન બંધ થયું. ર.ર.દ.