ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ર/રસતરંગિણી


રસતરંગિણી : ભાનુકવિ/ભાનુદત્ત/ભાનુમિશ્રકૃત, આઠ તરંગોમાં વિભક્ત રસમીમાંસા કરતો અગિયારમી સદીનો મહત્ત્વપૂર્ણ ગ્રન્થ. એમાં ભાવ, વિભાવ,અનુભાવ, સાત્ત્વિકભાવ, વ્યભિચારીભાવના આધારે નવ રસની વિસ્તૃત સમીક્ષા થઈ છે. ભાનુદત્ત રસાનુકૂલ વિકારને ભાવ ગણે છે અને ભાવને રસનિષ્પત્તિનો મૂલાધાર ગણી તેની મહત્તા કરતાં લખે છે : રસસ્ય હેતવો ભાવાદય : તેન રસેભ્ય : પૂર્વ ભાવાદય નિરૂપ્યંતે | રસાનુકૂલો વિકારો ભાવ : | ગ્રન્થકારે રસાનુકૂલ વિકારના બે પ્રકાર કલ્પ્યા છે : આંતર અને શારીર. વળી, આંતરવિકારના બે પ્રકાર સ્થાયી અને વ્યભિચારી ગણ્યા છે અને સાત્ત્વિક ભાવોને શારીરવિકાર તરીકે વિભાજિત કર્યા છે. સમગ્ર રસમીમાંસા સંદર્ભે રસના પણ બે પ્રકાર પાડ્યા છે : લૌકિક અને અલૌકિક. લોકસંનિકર્ષ આધારિત રસ તે લૌકિક અને અલૌકિક-સંનિકર્ષજન્યા રસ તે અલૌકિક. લૌકિક રસ તળે શૃંગારાદિ રસોને વિભાજિત કર્યા છે. ભાનુદત્તે શાંતરસનો સ્વીકાર કરતાં કહ્યું છે કે તે રસ હોવા છતાં નાટકમાં તેની સંભાવના નહિવત્ છે. વળી, એણે માયા નામક દસમા રસની કલ્પના પણ કરી છે. માયારસને સર્વસ્વીકૃતિ મળે એ માટે તર્ક આપતાં ગ્રન્થકાર કહે છે કે જો નિવૃત્તિમૂલક એવા શાંતરસનો સ્વીકાર થતો હોય તો, મિથ્યાજ્ઞાનજન્યા માયારસને નકારવાનું કોઈ દેખીતું કારણ નથી. ગ્રન્થમાં તેત્રીસ સંચારીભાવો ઉપરાંત ‘છલ’ નામના નવા સંચારીભાવની સ્થાપના પણ થઈ છે. ગ્રન્થ પર નવ ટીકાઓ રચાઈ છે. એ પૈકી ગંગારામકૃત ‘નૌકા’ ઉપલબ્ધ છે. ર.ર.દ.