ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ર/રે



રે : સાહિત્યિક સંસ્થા ‘રે મઠ’ના મુખપત્ર તરીકે અમદાવાદથી ચિનુ મોદીએ ૧૯૬૩માં પ્રકાશિત કરેલું આધુનિકતાવાદી ગુજરાતી કવિતાનું અનિયતકાલિક સામયિક. ‘રે’માં પ્રગટ થતી કાવ્યકૃતિઓની પસંદગીનું સંપાદનકાર્ય કોઈ એક વ્યક્તિની જવાબદારી ન બનતાં ‘રે મઠ’ના સંસ્થાપક કવિઓ પૈકી લાભશંકર ઠાકર, ચિનુ મોદી, મનહર મોદી, આદિલ મન્સૂરી વગેરેના સામૂહિક કૃતિશ્રવણ અને ચર્ચાવિચારણા પછી જ કૃતિ-પસંદગી થાય એવો સહિયારો સંકલ્પ હતો. ‘સંસ્કૃતિ નહીં કૃતિ’ એવા સૂત્ર દ્વારા તારસ્વરે સ્થાપિત સમાજ અને મૂલ્યો સામે વિદ્રોહ જગવતી અને શુદ્ધ કવિતાને માટે ઉદ્યમ કરતી કેટલીક આત્યંતિક પ્રયોગલક્ષી રચનાઓ ‘રે’ના અંકો દ્વારા સાંપડી છે. ર.ર.દ.