ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/લ/લગ્નગીત


લગ્નગીત (Epithalamion) : લગ્નરાત્રિએ વરવધૂના કક્ષની બહાર ગવાતા આ ગીતનું સેફો, પિન્ડર વગેરે ગ્રીકકવિઓ દ્વારા પ્રચારમાં આવેલું આ સાહિત્યસ્વરૂપ રોમનકવિ કટુલસને હાથે પૂર્ણતાએ પહોંચ્યું. ઇંગ્લેન્ડમાં સોળમી અને સત્તરમી સદીમાં એનો પ્રસાર થયો અને એડમન્ડ સ્પેન્સરે આ પ્રકારમાં એની પ્રસિદ્ધ રચના આપી. આપણે ત્યાં મધ્યકાળમાં જૈન-જૈનેતર કવિઓએ રચેલાં વિવાહલઉ કે વેલીના કાવ્યપ્રકારો યા લોકસાહિત્યમાં મળી આવતા વેવિશાળ વખતનાં, લગ્ન લખતી વખતનાં, સાંજીનાં, મંડપારોપણનાં, ફુલેકાનાં, પસ ભરવાનાં, પીઠી વખતનાં વગેરે વિવિધ લગ્નગીતો સંભારવાં ઘટે. નરસિંહનું ‘બાલા તે વરની પાલખી’માં કે રાવજી પટેલના ‘આભાસી મૃત્યુનું ગીત’માં લગ્નગીતના સંસ્કારો વિપરીત પરિસ્થિતિથી વ્યંજનાપૂર્ણ સંદર્ભ રચી આપે છે. ચં.ટો.