ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/લ/લેખકરોધ


લેખકરોધ(Writer’s Block) : આ મનોવૈજ્ઞાનિક સંજ્ઞા પહેલાં ‘મનોગત વિઘ્ન’(Psyhological impediment) અને ‘સર્જનપરક અવરોધ’(Creative inhibition) જેવી સંજ્ઞાઓ પ્રચલિત હતી. લેખકરોધ સંજ્ઞા એડમન્ડ બર્ગલરના ૧૯૫૦માં પ્રકાશિત ‘લેખક અને મનોવિશ્લેષણ’ પુસ્તકમાં પહેલવહેલી વાર પ્રયોજાયેલી જોવા મળે છે. આ સંજ્ઞા દ્વારા શ્રદ્ધા, શક્તિ, સમય કે પ્રેરણાના અભાવમાં શરૂ કરેલું લખાણ પૂરું કરવા અંગેનું કે ઘડેલી પરિયોજના પ્રમાણે લખાણ શરૂ કરવા અંગેનું લેખકનું અસામર્થ્ય સૂચવાય છે. ઘણા લેખકો આવા અવરોધથી પીડાતા હોય છે. આવા અવરોધ મોટેભાગે શારીરિક સ્થિતિ કરતાં માનસિક કે લાગણીગત વિક્ષોભનાં પરિણામ હોય છે. જેમ્સ રેઈટ અને વિલ્યમ સ્ટેફર્ડ જેવાઓનું માનવું છે કે લેખક પોતાનાં ધોરણોમાં નીચે ઊતરીને પોતે નક્કી કરેલાં નિયંત્રણોની સીમાઓને પાર કરી જઈ શકે છે. પોપ એને ‘બંધકોશ-પ્રતિભા’ (Constipated geuius) કહે છે. ચં.ટો.