ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/લ/લેખન


લેખન (Ecriture, એય્ક્રિત્યૂર) : આ ફ્રેન્ચ સંજ્ઞાને અંગ્રેજીમાં એમ ને એમ સ્વીકારી છે. આધુનિક ફ્રેન્ચ સિદ્ધાન્તકારોએ આ સંજ્ઞાને એક કરતાં વધુ વિશિષ્ટ અર્થમાં પ્રયોજી છે. રોલાં બાર્થનું મંતવ્ય છે કે તટસ્થ યા ભાવશૂન્ય લેખન ન હોઈ શકે, કારણ કે કોઈપણ લેખન કંઈક અંશે શૈલીથી યા તો વિશ્વ પ્રત્યેના દૃષ્ટિબિન્દુથી પ્રભાવિત હોય છે. રોલાં બાર્થે આ પછી કશાક વિશેનાં લેખન(Ecrivant)ને પોતા તરફ વળેલા – સ્વયંકેન્દ્રી – લેખન (Ecrivain) સાથે વિરોધાવ્યું છે. દેરિદાએ વાણીની ભ્રામક પ્રમાણભૂતતા સામે ‘લેખન’ની સ્થાપના કરી છે. તો, હેલન સિહૂએ નારી દ્વારા થયેલા લિંગનિરપેક્ષ ‘લેખન’ને ઓળખાવ્યું છે. સરંચનાવાદીઓને મતે લેખનમાં વિશિષ્ટ રીતે સાહિત્યપ્રણાલીઓ અને સંહિતાઓ મૂર્ત છે અને આથી ‘લેખન’ વાચકોની વાચનપ્રક્રિયા(lecture લેકત્યૂર)થી પ્રભાવિત છે. વાચકો વાચનપૂર્વેના અભ્યાસસંસ્કારો ખેંચી લાવે છે અને વાચનમાં સર્જકતા બતાવે છે. ચં.ટો.