ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/લ/લોકગીત



લોકગીત : પરંપરાનિયત સમાજવ્યવસ્થાઅનુસાર જીવતા કોઈપણ સમાજનું, એની તળપદી બોલીવાળું, કંઠોપકંઠ પેઢી-દરપેઢી ઊતરતું આવેલું, પ્રસંગાનુસારી, નિયત ઢાળમાં જ વહેતું રહેલું, સ્મૃતિક્ષમ(Mnemonic : ઝટ યાદ રહી જાય તેવી) લયગૂંથણીવાળું, સ્મૃતિ-સહાયક પરંપરાદત્ત તૈયાર શબ્દગુચ્છો કે વર્ણકોવાળું, જરૂરી લયપૂરક લયકણો કે લયટેકણિયા(Hangers)વાળું, ધ્રુવપંક્તિ આદિ હાથવગાં ગીતઓજારો પ્રયોજતું લોકગીત સુગેય લોકવાણી સ્વરૂપ છે. લોકગીત જેતે સમાજની સંઘાનુભૂતિ અને સમાજસંવેદનોને વ્યક્ત કરે છે. સરળ, આછા સમાજસુલભ અલંકારો અને અનેક મુખે વહેતું રહેલું હોવાથી અનેક પાઠો દર્શાવે છે. કર્તાનામ વિનાનું (અને એ અર્થમાં સાંધિક), ક્યારેક આનંદ માટેનું પણ મોટે ભાગે તો લોકજીવનના કોઈ પ્રસંગ માટેનું, ક્યારેક સશાબ્દી કે ક્યારેક અશાબ્દી (કેવળ ધ્વનિઓનું), એવું સુગમ અને સરળ, અત્યંત સુગેય હોય છે. કવિતારસિકો પૂરતો એ પદ્યાત્મક મૌલિક રસોદ્ગાર ન રહેતાં સમગ્ર સમાજની રસમ લોકગીત બની જાય છે. એ વૈયક્તિક અલૌકિક અનુભૂતિ નહિ, સંઘોર્મિ વ્યક્ત કરે છે. રચનાકૌશલના પ્રભુત્વથી નહિ સીધી વાત સરળતાથી સોંસરવી ને લાઘવથી મુકાય છે. ગીત એટલાં બધાં પ્રયોજનો-પ્રસંગો સાથે લોકજીવનમાં એવું પદે પદે વણાયેલું છે કે એના વર્ગીકરણમાં સામાન્ય રીતે સ્ત્રીપુરુષ-બાળક વગેરે જાતિનું-વયનું, લગ્નાદિ પ્રસંગોનું, ભક્તિ આદિ સંવેદનોનું વગેરે વિવિધ ધોરણો વપરાયાં છે. સ્વરૂપલક્ષી ધોરણે વિચારતાં કાં એ હોય ઓછું સંગીતાત્મક ને ટૂંકું, ઉદ્ગારાત્મક; કાં હોય સુગેય ઊર્મિ-સંવેદનાત્મક; કાં કથાત્મક. એનાં આવાં ત્રિવિધસ્વરૂપોમાં પણ, ગીતકથા કે વડછડ; ઉખાણું કે જોડકણું ક્યારેક સુગેય ઊર્મિસંવેદાત્મક રૂપ લઈ પણ લે.એની રૂપનિર્મિર્તિ પર ટાણાં-પ્રસંગની પણ અસર પડતી હોય છે. લોકકથાની રૂપનિર્મિર્તિ પૂર્ણતયા પ્રસંગાનુસારી, તો ગીતની આંશિક રીતે. એટલે આ સ્વરૂપલક્ષી વર્ગીકરણમાં પણ ટાણાંપ્રસંગ-નિર્દેશ અનિવાર્ય. લોકસાહિત્યની કોઈ રચના કલાકૃતિ કે સાહિત્યકૃતિની માફક પ્રસંગમુક્ત ને સ્વાયત્ત નથી. વર્ગીકરણમાંનાં ત્રણ સ્વરૂપોમાંથી પ્રત્યેકનો, પાછો અલગ તો વિચાર કરવો જ પડે. જેમકે, લગ્નગીતોમાં ફટાણાં, ભજનોમાં સમય ને વિષયવસ્તુ એમ અનેક ધોરણે, આરાધ, પ્રભાતી/ પ્રભાતિયું, કટારી-પ્યાલો-ઝાંઝરી વગેરે. પ્રત્યેક સમાજને, અર્થ-ઉચ્ચાર-રૂઢિપરંપરાગત, આગવાં જ ગીત સ્વરૂપો હોવાનાં. અહીં ‘રચના’ શબ્દ વપરાયો છે ત્યાં વૈયક્તિક નહિ, સાંઘિક કર્તૃત્વ અભિપ્રેત છે. ક.જા.