ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/લ/લોકમિલાપ


લોકમિલાપ : સ્વતંત્ર ભારતના પ્રજાજનોની વાચનભૂખને સંતોષવા માટે પુસ્તક અને વાચક વચ્ચે કડી બનવાના આશયથી; ‘નહીં નફો નહીં નુકસાન’ના ધોરણે ૪૪ વર્ષોથી ગ્રન્થ-પ્રચાર અને પ્રસારની પ્રવૃત્તિ દ્વારા ગુજરાતી પ્રજાનું સાંસ્કૃતિક ઘડતર કરતી વિવિધલક્ષી સેવાસંસ્થા. ઉત્તમ પુસ્તકોનું સુઘડ પ્રકાશન અને વાજબી કિંમતે વેચાણ તથા વિવિધ ભાષામાં પ્રકાશિત થતી જ્ઞાનસામગ્રીમાંથી વીણેલું ઉત્તમ વાચન પીરસતા ‘મિલાપ’ નામના સારસંચય કરનારા માસિકના પ્રકાશનકાર્યથી આરંભાયેલી આ સંસ્થાએ ગ્રન્થભંડાર, દેશ-વિદેશમાં પુસ્તક તથા ચિત્રપ્રદર્શનો, ફિલ્મપ્રદર્શનો તથા ઉત્તમ સાહિત્યના પ્રચાર-પ્રસાર માટે વિવિધગ્રન્થસંપુટની આગોતરા ગ્રાહકયોજના, પુસ્તક હૂંડી-યોજના જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરતાં કરતાં માનવીય મૂલ્યોનું કલાત્મક નિરૂપણ કરતું સાહિત્ય વાજબી દરે વિપુલ માત્રામાં શી રીતે લોકભોગ્ય બનાવી શકાય તેનું દૃષ્ટાંત પૂરું પાડ્યું છે. ર.ર.દ.