ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/લ/લોકવિદ્યા



લોકવિદ્યા : ‘લોકવિદ્યા’ એ સામાસિક શબ્દ, પરંપરાગત લોકજીવનના વિષયવિભાગ માટે ૧૮૪૬માં વિલિયમ જ્હોન ટૉમસે (૧૮૦૩-૧૮૮૫) યોજેલા ‘Folk-lore’ શબ્દનો પારિભાષિક પર્યાય હોઈ, સંસ્કૃતમાંના ‘લોક’ગત કે ‘વિદ્યા’ગત અનેક અર્થ-પ્રયોગોની કે, ‘લોક’ માટે તરત સૂઝતા ‘ફૉર-બાય-ઑફ ધ પીપલ’વાળા અતિપ્રસિદ્ધ સૂત્રમાંના રાષ્ટ્રસમગ્રદર્શક અર્થની ચર્ચા અપ્રસ્તુત છે. એકાબીજાનું જોઈજોઈને અને મૌખિક રીતે જે વ્યવહાર ચલાવે, રહેઠાણ-કપડાંલતાં-ખાવાપીવાથી માંડીને વાણીવિચાર, આચાર, માન્યતા, રીતરિવાજ, ધર્મ, શ્રદ્ધા, વિધિવિધાનો સુધી બધાંમાં પોતાના સમૂહ કે સમાજના એક અવિચ્છિન્ન ભાગરૂપ બનવામાં જે ગૌરવ લે, તે ‘લોક’ (Folk); અને એમની પેઢી-દર-પેઢી પરંપરાગત ને મૌખિક રીતે ઊતરતી રહેલી જાણકારી તે ‘વિદ્યા’ (Lore). એથી વિરુદ્ધ, પ્રયોગથી અનુભવથી કે વાંચ્યે-વિચાર્યે આત્મપ્રતીતિથી જે પોતાના વ્યક્તિત્વનું ઘડતર કરે, પરંપરા કે અનુરણથી નહિ પણ વિવેક ને સ્વયં-પ્રતીતિથી જ જે વાણીવર્તન, કરે, વ્યક્તિમત્તા, મૌલિકતા ને પ્રતિભા પર જ જેનો ઝોક હોય, પરિવર્તન માટે પણ જે નિરંતર તૈયાર હોય, જે તર્ક ને વિવેકથી ચાલવામાં માનતો હોય, જેને લિખિતનું બહુ-મોટું મહત્ત્વ હોય, ‘લખ્યું વંચાય, લખ્યે ચોક્કસ બનાય, વાચનથી આંતર્વિકાસ સધાય’ એમ માને તે ‘અભિજાત’ (elite). આવા અભિજાત પોતાની જાણકારીને કેવળ હૈયે-હોઠે ન રાખતાં, ચર્ચે-વિચારે મુદ્દાસર ને વિગતે લખે; એમાંથી સિદ્ધાન્તો પણ તારવે. આવી મીમાંસા બને જે-તે વિષયનું શાસ્ત્ર. સાહિત્યનું આવું શાસ્ત્ર તે ‘વિવેચન’ (Criticism) તેમ લોકવિદ્યાનું આવું શાસ્ત્ર અથવા લોકવિદ્યાવિચાર કે લોકવિદ્યામીમાંસા તે ‘લોકવિદ્યાશાસ્ત્ર’ (folkloristics). લોકવિદ્યા જાતે શાસ્ત્ર ન ગણાય. એની મીમાંસા જ કહેવાય ‘લોકવિદ્યાશાસ્ત્ર’. જેમ લોકવિદ્યા જાતે શાસ્ત્ર નથી તેમ ‘વિજ્ઞાન’ પણ નથી. Lore એ Science નથી. નૃવંશશાસ્ત્ર, પ્રજાતિશાસ્ત્ર, સમાજશાસ્ત્ર વગેરે ક્યારેક સામાજિક વિજ્ઞાનો કહેવાય છે તે પરથી અને આમાં પણ પ્રાગૈતિહાસિક આદિમ જાતિઓનાં કે અન્ય પરંપરાગત સમાજના માનસનો ખ્યાલ મળી શકે એવો વ્યવસ્થિત અથવા સ્થળેસ્થળે ફેલાયેલી સમાન વસ્તુવાળી કથામૂલક રચનાઓનો સ્થલકાળપ્રવાસ તારવીને આદિકથારૂપ સુધી પહોંચી શકાય એવો પદ્ધતિસરનો અભ્યાસ શક્ય છે. તેથી, અને કેટલાક સિદ્ધાન્તો પણ તારવી શકાય છે તેથી, કેટલાક આને ‘વિજ્ઞાન’ સંજ્ઞાથી ગૌરવાન્વિત કરવાનું પસંદ કરે છે. પરંતુ વિજ્ઞાનને વાણી સાથે નહિ, વસ્તુ (Object) સાથે સંબંધ છે; વિચાર ને તર્ક પર ત્યાં ભાર છે; જ્યારે લોકવિદ્યામાં રિવાજો, વહેમો, અનુષ્ઠાનો વગેરે પર ભાર હોય. વિજ્ઞાન અભિધેયાત્મક(denotative) વસ્તુદર્શક ભાષા પ્રયોજે, લોકવિદ્યા ભાવબોધક(Connotative). વિજ્ઞાન નિરીક્ષણ ને તર્ક પર ચાલે, લોકવિદ્યા અનુકરણ પર. વળી, લોકવિદ્યા સમાજેસમાજે વિભિન્ન; એટલે આ વિદ્યા જાતે જ સમાજસાપેક્ષ છે. સમાજેસમાજે લોકત્વનાં લક્ષણો પણ થોડાંઘણાં જુદાં પડવાનાં; પરિણામે લોકવિદ્યા પણ એટલા પૂરતી જુદી રહે. એટલે આ વિદ્યામાં જે તે સમાજ અને તેની બોલી તથા તેની સમગ્ર સંસ્કૃતિનો ભૂમિકારૂપ અભ્યાસ અનિવાર્ય બને. એટલે લોકવિદ્યાને કેટલાક ‘સંસ્કૃતિ’નો એક ભાગ ગણે છે. મેક્કિમ મેરિયટે લોકજીવનની પરંપરાને ‘Little tradition’, સીમિત કે સ્થાનિક પરંપરા – Local કે Parochial ગ્ – કહી, તે ભારત જેવા સમાજને બંધ નહિ બેસે. ભદ્ર કે અભિજાતની તે મહતી પરંપરા – the great tradition, લોકની તે લઘુ; એ વાત પાંચ હજાર વર્ષની અતૂટ પરંપરા અને પરંપરાથી જીવતા સમાજોની જ્યાં બહુમતી છે ત્યાં, એ રીતે સ્થળકાળ બન્નેમાં પરંપરાપ્રસરણનું જ મોટું વર્ચસ્વ છે ત્યાં, ખોટી પડે. વળી, ભદ્ર ને વન્ય–નગરની, ગ્રામની ને વનની ત્રણેય સંસ્કૃતિઓ જ્યાં પરંપરાગત ને પરસ્પર વચ્ચેના આદાનપ્રદાનવાળી હતી, જ્યાં દુષ્યન્ત વનકન્યાને વરે એ કથા કાલિદાસથીયે જૂની હતી ત્યાં, ‘લોક’ એટલે ‘ગ્રામીણ’, ‘અબુધ’, ‘અડબંગ’ એવું સમીકરણ પણ નહિ ચાલે. નિરક્ષર તે અબુઝ નહિ – Preliterate. પોતાની આગવી પરંપરાપ્રાપ્ત સૂઝ-બૂઝ અને જાણકારીવાળો. લોક અને અભિજાત વચ્ચેનાં ભેદક લક્ષણો આપીને ‘લોક’ના ખ્યાલને લેબ સ્ટ્રોસે સ્પષ્ટ કરવા પ્રયત્ન કર્યો છે : ‘લોક’ (Folk) : ભોળું, ગ્રામીણ, કૃષિપ્રધાન, નિરક્ષર, મૌખિક વ્યવહારથી ચલાવતું, હાથકારીગરીવાળું, નવીન જીવનરીતિઓ અને ખ્યાલોની દૃષ્ટિએ પછાત લાગતું, વહેમી, મંત્રતંત્રજાદુ વગેરેમાં આસ્થાવાળું, ધર્મશ્રદ્ધાળુ, પરંપરાગત વિધિવિધાનો પાળનારું, એક કોરાણે રહેતું (marginal) એવું. અભિજાત (Elite) : ભદ્ર, શહેરી, ઉદ્યોગપ્રધાન, સાક્ષર, માત્ર લિખિત-મુદ્રિત જ નહિ વીજાણુસહિતનાં ભાતભાતનાં સમૂહમાધ્યમોથી વ્યવહાર ચલાવતો, યંત્રોદ્યોગનિર્ભર, નવીન ખ્યાલો અપનાવ્યે જઈ સતત આધુનિક(મોડર્ન) કે આગળ પડતો(ફોર્વર્ડ) હોવામાં ગૌરવ લેતો, બૌદ્ધિક/વૈજ્ઞાનિક અભિગમવાળો, ચમત્કારોનો વિરોધી, ધર્માદિને પણ વિવેક પુર :સર સ્વીકારનાર, વિધિવિધાનોમાં ન માનનાર, સૌની વચ્ચે રહેવાનાં વૃત્તિવલણવાળો. આ લક્ષણોને માનવપરિવર્તનના તબક્કાના સંદર્ભમાં જોવાં પડે. એ તબક્કા આટલા ૧, ગુફાવાસી આદિમ શિકારાવસ્થા; ૨, ઘર-કુટુમ્બવાળી કૃષિઅવસ્થા; ૩, યંત્રોદ્યોગબજારવાળી અર્થપ્રધાન નગરજીવનની અવસ્થા; ૪, તર્કથી બધું નાણવા-જાણવાની વૃત્તિવાળી વિવેકી ચિત્તને પ્રાધાન્ય આપતી વિજ્ઞાનની અવસ્થા; અને ૫, એક ઝબકારથી સૌને સરખાં વિચારોને સાધનો અભાનપણે જ પકડાવી દેતી સાધનસુખ રુચિ ઘડતી માનવને અખંડપૃથ્વીવાસી(ગ્લોબલ) બનાવતી અવસ્થા. આ પ્રત્યેક પરિવર્તન વચ્ચે પરંપરા ટકી છે; પલટાઈ છે કે વળી છે, પણ બટકી-છટકી નથી! વત્તીઓછી ફરી છે, પણ મરી નથી. કારણકે છેવટે તો લોકવિદ્યા એ જે તે સમાજની સાંસ્કૃતિક પરંપરાનો એક ભાગ છે. આવી લોકવિદ્યાની સીધી-સાદી વ્યાખ્યા આર્થર ટાઈલરે લગભગ આ રીતે આપી છે : કહેણીથી કે કરણીથી જે કાંઈ સામગ્રી પરંપરાગત પેઢી-દર પેઢી ઊતરતી રહેતી હોય તે લોકવિદ્યા. આવી લોકવિદ્યા જીવનસમગ્રને આવરી લે છે. જીવનની જાણકારીને એક છેડે એની આગવી કંઠ્ય-શ્રાવ્ય (કે શ્રુત) સંસ્કૃતિ છે; બીજે સામે છેડે એની સાધન-સામગ્રીની સંસ્કૃતિ ભૌતિક સંસ્કૃતિ(material Culture)નો વિભાગ મૂકીએ; વચમાં સામાજિક રીતરિવાજોનો ને કલાઓનો એમ બે વિભાગો આવે. આમ, લોકવિદ્યાના ચાર મોટા વિભાગો પડે : ૧, લોકવાઙ્મય (કે લોકસાહિત્ય : Folkliterature), ૨, લોકનું સમાજજીવન, ૩, લોકકલાઓ (નૃત્ય, નાટ્ય, સંગીત, ચિત્ર) અને ૪, લોકકારીગરી. આ વિભાગો કેવળ વિચારની સગવડ ખાતર પાડવામાં આવે છે; પ્રત્યેક વિભાગની સામગ્રી અન્ય સાથે સંકળાયેલી હોવાની જ. વળી, કોઈ વિભાગ સ્વતંત્ર કે સ્વાયત્ત નથી. અહીં નોંધવા જેવું એ પણ છે કે લોકસાહિત્યનો વિભાગ અને લોકકલાઓનો વિભાગ બે અલગ છે. વાઙ્મયપ્રવૃત્તિ એટલી અગત્યની છે કે અલગ વિચાર કરવો જ પડે; વળી, એ કળાપ્રવૃત્તિ નથી, જીવનની બધી જ બાજુઓને સ્પર્શતો જીવનાંશ છે. મનોરંજનાર્થે ક્યારેક આવે; બાકી, વિધિ-વિધાન-અનુષ્ઠાનો, શ્રદ્ધા-ભાવનાતપ-આરાધના, વહેમ-માન્યતા-રીતરિવાજો, કૃષિ આદિ શ્રમકાર્યો, લોકમેળા-સમૈયા, કારીગરી, ભ્રમ-વિભ્રમો-બધાં સાથે એને નાતો છે. એ કેવળ, કે મુખ્યત્વે પણ, રસની પ્રવૃત્તિ નથી જ. વળી, લોકકલામાં નાટ્ય-સંગીત-નૃત્ય-ચિત્ર છે એ પણ કેવળ રસનિર્ભર, સ્વાયત્ત, વૈયક્તિક, મૌલિકતા આગળ કરવા થતી પ્રવૃત્તિઓ નથી; સંઘાવલંબી ને જીવનાવલંબી છે. એટલે અહીં કોઈની કૃતિને સ્વાયત્તતા નથી સાંપડતી. કૃતિ એકપાઠી તો રહી શકતી જ નથી; સ્વભાવે જ બહુપાઠી બનીને પાઠાંતરક્ષમ બની જાય છે કારણકે એ નિર્વૈયક્તિક રચના થઈ જાય છે. ત્યાં પાઠ નહિ, વ્યક્તિ નહિ, કેવળ text નહિ, Context જીવનસંદર્ભ અનિવાર્ય બને છે. Context અને text બે ય ભેળાં થઈને જ ‘કૃતિ’ તત્પૂરતી ઊભી થાય છે. લોકકારીગરીના વિભાગમાં મકાન, પહેરવેશ, ખાવાપીવાની ટેવો, વ્યવસાય, રાચરચીલું વગેરે આવશે. સમાજજીવનના વિભાગમાં રીતરિવાજ, ધર્મ, વિધિઅનુષ્ઠાનો, જન્મમરણાદિ પ્રસંગસંસ્કારો, વૈદું, શુકન-અપશુકન ને વહેમ-માન્યતાઓ વગેરે આવશે. એમાં તે પછીનામાં ઉત્સવો-મેળા વગેરે આવશે. પણ જરા વિગતે અલગ વિચાર લોકવાઙ્મયવિભાગનો કરવો ઘટે. ક.જા.