ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વાક્યપદીય


વાક્યપદીય : ભર્તૃહરિકૃત શબ્દબ્રહ્મવાદને પ્રતિપાદિત કરતો વ્યાકરણદર્શનનો ત્રિકાણ્ડી ગ્રન્થ. બ્રહ્મકાંડ, વાક્યકાંડ અને પદકાંડમાં વિભક્ત આ ગ્રન્થમાં અનુક્રમે ૧૫૬, ૪૯૩, ૧૩૨૫ એમ કુલ ૧૯૬૪ શ્લોક છે. ભર્તૃહરિનો દાર્શનિક દૃષ્ટિકોણ અદ્વૈતવાદનો છે. જેમ શાંકરઅદ્વૈત, અવિદ્યાને કારણે જગતની અનેકરૂપતા છે એમ માને છે તેમ ભર્તૃહરિને મતે પરાવાક્ બ્રહ્મરૂપ છે અને એ જ પરાવાક્ અવિદ્યાને કારણે અનેકરૂપતાને પ્રાપ્ત કરે છે. અહીં અખંડાર્થવાદી વાક્યવિચાર છે. સ્ફોટસિદ્ધાન્ત પ્રમાણે અર્થનું બોધક વસ્તુત : વાક્ય જ હોઈ શકે, પદ – વર્ણ ઇત્યાદિ તો કાલ્પનિક રીતે કરેલાં વિભાજન છે. પશ્ચિમના ભાષાફિલસૂફો સંકેતક અને સંકેતિત આગળ અટકે છે ત્યારે ભર્તૃહરિ સ્ફોટને પરાતત્ત્વ કે આંતરતત્ત્વ તરીકે જુએ છે જે ઉચ્ચારિત ધ્વનિઓ દ્વારા પ્રગટ થાય છે. આ સંદર્ભમાં ભર્તૃહરિએ પશ્યન્તી, મધ્યમા (પ્રાકૃત ધ્વનિ) અને વૈખરી (વૈકૃત ધ્વનિ) એમ ત્રણ સ્તર દર્શાવ્યા છે. ચં.ટો.