ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વૈશેષિકદર્શન


વૈશેષિકદર્શન  : ભારતનાં છ પ્રાચીન આસ્તિક દર્શનો પૈકીનું એક. ઘણીયે વખત ન્યાયવૈશેષિક એ રીતે વિદ્વાનો સમવેત ઉલ્લેખ કરે છે; ન્યાય દ્વય કહેવાય ત્યારે ન્યાય અને વૈશેષિક એવો અર્થ થાય છે. ન્યાયે વૈશેષિકનું જે કેટલુંક ચિંતન અપનાવ્યું છે તેમાં તેનો ખ્યાત પરમાણુવાદ મુખ્ય છે. વૈશેષિકદર્શનના સૂત્રકાર કણાદ કે કણભુક્ દસ અધ્યાયોમાં વૈશેષિક દર્શન આપે છે. કહેવાય છે કે આ ગ્રન્થ પર રાવણે ભાષ્ય રચ્યું હતું તો ભરદ્વાજે વૃત્તિ. બંને ગ્રન્થો આજે અનુપલબ્ધ છે. આ પછીનો વિખ્યાત અને સંપૂર્ણ ગ્રન્થ છે ‘પદાર્થ ધર્મસંગ્રહ’ (પ્રશસ્તપાદ). આના પરની અનેક ટીકાઓ પૈકી સૌથી વધુ વિખ્યાત છે ‘કિરણાવલી’ (ઉદયનાચાર્ય), જેના પર અનેક ટીકાઓ લખાઈ છે. ન્યાયના સોળ પદાર્થોની સામે વૈશેષિક દર્શન દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ, સમવાય અને અભાવ એમ સાત પદાર્થોને સ્વીકારે છે અને આ તમામના તત્ત્વજ્ઞાનથી મોક્ષની પ્રાપ્તિ થાય છે એમ સિદ્ધ કરતાં આ દર્શનની પદ્ધતિ અને એના દૃષ્ટિકોણ વગેરેમાં ઘણી સમાનતા અને સમાંતરતા છે. બંને શાસ્ત્રોનું મુખ્ય પ્રમેય ‘આત્મા’ છે અને તેના સ્વરૂપ વિશેનું બંનેનું ચિંતન સમાન છે. એ જ રીતે આત્મપ્રાપ્તિના ઉપાય બંનેમાં સરખા છે. ક્યાંક ક્યાંક શબ્દો અને પ્રક્રિયા જુદાં પડે છે. વૈશેષિક દર્શનનું પોતાનું આગવું પ્રદાન કહી શકાય તેવા વિષયો છે : પરમાણુ-કારણ-વાદ; સૃષ્ટિ અને સંહારની પ્રક્રિયા; બુદ્ધિઉપલબ્ધિ-જ્ઞાન-પ્રત્યયની મીમાંસા (જેમાં આ દર્શન ન્યાયથી જુદું પડે છે); વિદ્યા અને અવિદ્યા (તેના ચાર ભેદો સંશય, વિપર્યય, અનધ્યવસાય અને સ્વપ્ન સાથે); આર્ષજ્ઞાન યા પ્રતિભાજ્ઞાન. વૈશેષિકદર્શન મુખ્ય આટલી બાબતોમાં ન્યાયથી જુદું પડે છે : પ્રમાણ કરતાં વિશેષ પ્રમેયનું ચિંતન; પ્રત્યક્ષ અને અનુમાન બે જ પ્રમાણ અને શબ્દપ્રમાણ અનુમાનમાં અન્તર્ભૂત; માત્ર ચાક્ષુષ – પ્રત્યક્ષનો સ્વીકાર; ન્યાયના પાંચ હેત્વાભાસોની સામે વૈશેષિક દ્વારા ત્રણ હેત્વાભાસનો સ્વીકાર : વિરુદ્ધ, અસિદ્ધ અને સંદિગ્ધ; તમામ સ્વપ્નોને અસત્ય માનવાનું વલણ વૈશેષિકોના મતે આગમ શાસ્ત્ર અનુસાર ન્યાયના શિવ જુદા છે જ્યારે તેઓ પોતે ‘મહેશ્વર’ અથવા ‘પશુપતિ’ને દેવ માને છે. આથી વૈશેષિકો પાશુપાત કહેવાય છે. વૈશેષિક દર્શનનાં બે વિશેષ પ્રદાન છે : પરમાણુ-કારણ વાદ અને સૃષ્ટિ તથા સંહારની પ્રક્રિયા. ભારતીય દર્શનોમાં ભૌતિકશાસ્ત્રનું સૌથી વધુ નિરૂપણ કરનાર આ દર્શને જ્ઞાનમાર્ગ દ્વારા મોક્ષપ્રાપ્તિને ચીંધી છે. ર.બે.