ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/શ/શાક્તવાદ


શાક્તવાદ : સવિશેષ બ્રહ્મવાદની શક્તિપરક વિચારધારા શાક્ત-સંપ્રદાયમાં પરમના સ્ત્રી-શક્તિ સ્વરૂપ આનંદભૈરવી ત્રિપુરસુંદરી, લલિતા જેવા ઉપાસ્યપદના સિદ્ધાન્તનું નિરૂપણ છે. ઉપાસનામાં શિષ્ટપદ્ધતિ દ્વારા અન્ય દેવોની જેમ થતી શક્તિની પૂજા શૈવ, કાપાલિક અને કાલમુખના સિદ્ધાન્તો પ્રમાણે ભયંકર પદ્ધતિથી થતી પૂજા, સ્માર્ત તથા ભાવાત્મક પદ્ધતિ દ્વારા ઉપાસ્ય-ઉપાસકના તાદાત્મ્યને સિદ્ધ કરતી પૂજા શાક્ત સંજ્ઞાથી ઓળખાય છે. શાક્તવાદ મૂલત : અદ્વૈતવાદી છે. તેમાંના કૌલસંપ્રદાય પ્રમાણે કુલ એટલે કુંડલિની શક્તિ અને અકુલ એટલે શિવ. યોગક્રિયા દ્વારા કુંડલિનીનું અભ્યુત્થાન કરી, સહસ્રાર સ્થિત શિવ સાથે સંયોગ સાધવાનું ધ્યેય છે. તેમાં વામાચાર અને પંચમકારના ગૂઢ અર્થો રહેલા છે. જેમકે મદ્ય શરાબ નહિ, બ્રહ્મરન્ધ્રસ્થિત સુધા; માંસ, પાપરૂપી પશુઓને જ્ઞાનખડ્ગથી માત, મનને બ્રહ્મમાં લીન કરવું મત્સ્ય, ઇડાપિંગલામાં પ્રવાહિત શ્વાસ-પ્રશ્વાસરૂપ પ્રાણવાયુને સુષુમ્નાનાડીમાં સ્થિત કરવો, મુદ્રા, અસત સંગનો ત્યાગ; મૈથુન, કુંડલિની અને શિવ યા સુષુમ્નાસ્થિત પ્રાણનો સંયોગ; કાલાન્તરે એ ગૂઢ અર્થો ન સમજાતાં સરળ અર્થો ઘટાવાયા હશે. જ્યારે સમયાચાર સંપ્રદાયમાં પણ મુખ્ય સિદ્ધાન્ત તો કુંડલિની અને શિવના સંયોજનનો જ છે. શાક્તવાદનો ઇતિહાસ બુદ્ધપૂર્વ, બુદ્ધોત્તર અને આધુનિકકાળક્રમથી ઘણો વ્યાપક છે. શૈવવાદ અને શાક્તવાદમાં પ્રક્રિયાગત સૈદ્ધાન્તિક મતાન્તરો હોવા છતાંય શૈવવાદ જેને પરમશિવ કહે છે તેને જ શાક્તવાદીઓ પ્રકારાન્તરે પરાશક્તિ કહે છે. શિવપરાશક્તિથી ઉત્પન્ન થઈ જગતનું ઉન્મીલન કરે છે એ શાક્તવાદની સિદ્ધાન્ત વિશેષતા છે. શા.જ.દ.