ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/શ/શૈલીવિજ્ઞાન અને સાહિતય


શૈલીવિજ્ઞાન અને સાહિત્ય : શૈલી કોઈ નવો સંપ્રત્યય નથી. યુરોપમાં જ્યારથી સાહિત્યિક વિચાર શરૂ થયો ત્યારથી તેની સાથે સંકળાયેલો એ સંપ્રત્યય છે. ઓગણીસમી સદી સુધી વ્યાકરણ અને વાગ્મિતા સાથે સંકળાયેલો આ સંપ્રત્યય આધુનિક ભાષાવિજ્ઞાન અને અર્થવિજ્ઞાનના સંસ્પર્શથી વિશ્લેષણાત્મક બન્યો. શૈલીને બાંધવાના નિયમો આપવાનું છોડીને બંધાયેલી શૈલીનું પરીક્ષણ અને પૃથક્કરણ કરવા તરફ વળ્યો અને ભાષાનાં બધાં અભિવ્યક્તિશીલ પાસાંઓને પોતાનામાં સમાવવા મથ્યો. આધુનિક શૈલીવિજ્ઞાનના આદ્યસંસ્થાપક ચાર્લ્સ બાલિએ પહેલવહેલી ‘શૈલીવિજ્ઞાન’ જેવી સંજ્ઞા આપી. એક બાજુ શૈલી જેવી સંજ્ઞા સંદિગ્ધ છે; બીજી બાજુ ભાષા-વિજ્ઞાન અનેક શાખા-પ્રશાખા, સંપ્રદાયો અને વિવિધ સિદ્ધાન્ત-પદ્ધતિઓમાં વિસ્તરેલું છે. તેમ છતાં આ બે સંજ્ઞા દ્વારા જ શૈલી વત્તા ભાષાવિજ્ઞાન દ્વારા જ શૈલીવિજ્ઞાન તૈયાર થતું આવ્યું છે. આમ તો, સાહિત્યવિવેચનનો ઉલ્લેખ કર્યા વગર ભાષાકીય વિમર્શ કરી શકાય છે અને ભાષાવિજ્ઞાનનો નિર્દેશ કર્યા વગર સાહિત્યવિવેચનનો વિમર્શ કરી શકાય છે પણ શૈલીવિજ્ઞાન આ બંનેને સાંકળે છે. ભાષાના અભ્યાસનું અને સાહિત્યના અભ્યાસનું શૈલીવિજ્ઞાન એ સામાન્ય ક્ષેત્ર છે. પરંતુ એ બે વચ્ચે ભેદ છે. ભાષાવિજ્ઞાન ભાષામાં ગમે એટલાં વિચલનો હોવા છતાં માનકભૂમિકામાં રસ ધરાવે છે, જ્યારે શૈલીવિજ્ઞાન ભાષાની ગમે એટલી માનકભૂમિકા હોવા છતાં વિચલનોમાં રસ ધરાવે છે. સાહિત્યભાષાની વિવિધ વિચલનશૈલીઓને વર્ણવવા માટે અને સમજાવવા માટે વિવિધ પ્રકારનાં વ્યાકરણો જેવાંકે નિકટસ્થ ઘટક વિશ્લેષણ(I C Analysis), સૂત્ર વિશ્લેષણ (String analysis) રૂપાન્તર વિશ્લેષણ(Transforma-tional analysis)નો ઉપયોગ કરે છે. આ રીતે એ સંસ્કારવાદ અને આત્મલક્ષિતાના વિરોધમાં સાહિત્યકૃતિની ભાષા અને શૈલીનું વસ્તુનિષ્ઠ વિશ્લેષણ કરતું વિજ્ઞાન છે. આ વિજ્ઞાન સૌન્દર્યાનુભવ અને ભાષાકીય સંરચના વચ્ચે શૈલીને સેતુરૂપ ગણે છે અને એના અધ્યયનવિશ્લેષણ દ્વારા સાહિત્ય અને સાહિત્યિક કૃતિ અંગેની સમજણ કેળવવાનું લક્ષ્ય રાખે છે. આમ શૈલીવિજ્ઞાન સાહિત્યનો એક સિદ્ધાન્તવિચાર છે તો અધ્યયનવિશ્લેષણની પદ્ધતિ પણ છે. લીઓ સ્પિટ્સર, ચાર્લ્સ બાલી, રોજર ફાઉલર, રોમન યાકોબસન વગેરે આના મુખ્ય પુરસ્કર્તાઓ છે. વળી, શૈલીનું વિશ્લેષણ કૃતિ બહાર, કૃતિ કૃતિ વચ્ચે; સમય બહાર, સમય સમય વચ્ચે; વ્યક્તિ બહાર, વ્યક્તિ વ્યક્તિ વચ્ચે; જૂથ વચ્ચે; સ્વરૂપ બહાર, સ્વરૂપ સ્વરૂપ વચ્ચે પ્રકાર પ્રકાર વચ્ચે તુલનાત્મક બન્યું છે. અને તેથી વ્યક્તિશૈલી, યુગશૈલી જૂથશૈલી જેવી સંજ્ઞાઓ પ્રચારમાં આવી છે. આજે શૈલીવિજ્ઞાન ભાષાસંકેતો ઉપરાંત સમગ્ર સંકેતોને સ્પર્શતાં સંકેતવિજ્ઞાનથી અને સંપ્રેષણસિદ્ધાન્તથી પ્રભાવિત થઈ રહ્યું છે. કારણ સાહિત્યકૃતિઓ બીજું કંઈ નથી પણ સંપ્રેષણો છે અને તે પણ સંકેતોની વ્યવસ્થારૂપ ભાષામાં થયેલાં સંપ્રેષણો છે. ચં.ટો.