ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંયુક્તિ


સંયુક્તિ(Zeugma) : કોઈ એકજ ક્રિયાપદ કે વિશેષણ જ્યારે બે નામ સાથે સંલગ્ન હોય અને એમાંય ફક્ત કોઈએક નામ સાથેજ ઉચિત રીતે સંલગ્ન હોય ત્યારે એ સંયુક્તિ અલંકાર છે. પરન્તુ અધિયુક્તિ અલંકારમાં કોઈએક ક્રિયાપદ કે વિશેષણ ઉચિત રીતે એકજ નામ સાથે નહિ પણ બંને સાથે સંલગ્ન હોય છે, તેમજ સાચા વ્યાકરણિક સંબંધમાં હોય છે. જેમકે ‘ખોદે ઘાસ, ઘાસનો રંગ’ (મનહર મોદી) સંયુક્તિનું ઉદાહરણ છે. કારણ ‘ખોદે’ ક્રિયાપદ ઘાસને લાગુ પડે પણ ઘાસના રંગને લાગુ પડી શકે તેમ નથી, એમ છતાં બંને સાથે સંકલિત થાય છે; જ્યારે ‘આંસુ જાગે અથવા કવિતા/જેવાં જેનાં અંજળ જીવજી’ (નયન હ. દેસાઈ) અધિયુક્તિનું ઉદાહરણ છે, કારણ ‘જાગે’ ક્રિયાપદ આંસુ અને કવિતા બંનેને લાગુ પડી શકે તેમ છે. ચં.ટો.