ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંવેદનાનું વિયોજન


સંવેદનાનું વિયોજન(Dissociation of sensibility) : ટી. એસ. એલિયટે ‘એકીકૃત સંવેદના’(unified sensibility)ના વિરોધમાં પ્રયોજેલી સંજ્ઞા. આ દ્વારા ૧૬૪૦ની ક્રાંતિથી તે પોતાના સમય સુધી ચાલી આવેલી અંગ્રેજી કવિતાની ‘વિચારથી લાગણીની પૃથક્તા’ની મર્યાદા સૂચવાયેલી છે. કોઈપણ અનુભવને અંકે કરી લેનાર તંત્રનું વિચાર અને લાગણીનું સંયોજન સત્તરમી સદીમાં મિલ્ટન અને ડ્રાય્ડનના પ્રભાવને કારણે લુપ્ત થયું અને વિચાર અને લાગણીનું વિયોજન શરૂ થયું – એવું એલિયટનું માનવું છે. એલિયટના આ સિદ્ધાન્તનો નવ્યવિવેચન પર વિશેષ પ્રભાવ પડ્યો પરંતુ પછીથી આ સિદ્ધાન્તનો સાહિત્યિક ઇતિહાસને ગેરરસ્તે દોરનાર સરલીકરણ રૂપે પ્રતિકાર થયો છે. એલિયટે પોતાની કાવ્યવિભાવનાના સમર્થનમાં આ દ્વન્દ્વનો પુરસ્કાર કર્યો છે એવા મતમાં વજૂદ છે. ચં.ટો.