ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સજ્ઝાય


સજ્ઝાય સ્વાધ્યાય : સજ્ઝાય એટલે સ્વાધ્યાય. આ કાવ્યપ્રકાર બહુધા જૈન સાહિત્ય જોડે સંકળાયેલ છે. રોજ પ્રાત :કાલે પોતાના અધ્યયન માટે ભક્તો મોઢે હોય તે પદો બોલતા તેને ‘સજ્ઝાય’ કહેવાતી. આ સજ્ઝાયમાં પાપની આલોચના થાય. જીવન શુદ્ધ બને અને કર્મક્ષય થતાં આત્મા ઉન્નત દશા પ્રગટ કરે. અઢાર પાપસ્થાન, ક્રોધ, માન, માયા, લોભ, નવ તત્ત્વ બાર વ્રત, અષ્ટ ક્રમ, અગિયાર બોલ ઇત્યાદિ ઘણા વિષય પર સેંકડોની સંખ્યામાં ‘સજ્ઝાય’ લખાઈ છે. વળી, કેટલીક સજ્ઝાયમાં પુણ્યશ્લોક સાધુવરોના ગુણાનુવાદ હોય તથા કોઈ કથા, દૃષ્ટાંત આધારે કે સ્વતંત્ર રીતે જૈન સંપ્રદાયને અભિમત ધાર્મિક કે નૈતિક આચાર-વિચારનો ઉપદેશ હોય છે. દૃષ્ટાંતયુક્ત સજ્ઝાયમાં ‘ઇલાચીકુમારની, જંબુસ્વામીની, સ્થૂલિભદ્રની, મેઘકુમારની, શાંતિભદ્રની, ચંદનબાલાની, દૃઢ-પ્રહારીની, ખંધકસૂરિની પંચપાંડવની, સોળસતીની, દશાર્ણભદ્રની સજ્ઝાયો લોકપ્રિય બની છે. ક.શે.