ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સન્ધિ


સન્ધિઃ ૨૦૦૭થી ૨૦૧૬. બે પેઢીને, બે ભૂમિને, બે ભાષાઓને અને અનેક સંસ્કૃતિઓને જોડવા ઇચ્છતા આ ત્રૈમાસિકે અમેરિકાથી ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં પોતાનાં લખાણોને મૂકી આપ્યાં છે. બાબુ સુથાર અને ઇન્દ્ર શાહના સંપાદકપદે પ્રકાશિત આ સામયિકમાં નોંધપાત્ર સર્જકોનાં વાર્તાઓ, કાવ્યો, અભ્યાસલેખો, ગ્રંથસમીક્ષાઓ પ્રકાશિત થતાં રહેલાં. બાબુ સુથારના હાથે લખાયેલી તંત્રીનોંધોમાં જંપી ગયેલા જળમાં વિવર્તો રચવાની મથામણ જોવા મળે છે. તડફડિયા વાણીમાં સાહિત્યિક ઇનામો, ગુજરાતી ભાષાનો અભ્યાસ, અગાઉની પેઢી અને નવી પેઢી, ગુજરાતી સાહિત્યમાં કોશિયાઓ જેવા અનેક વિષયો પર એમની નિર્ભીક કલમ ચાલી છે. મીના શાહના અનુવાદો અહીં ધ્યાન ખેંચે છે. આ સામયિકનાં પાછલાં પૃષ્ઠો પર મધ્યકાલીન કવિઓની રચનાઓ દરેક અંકે પ્રકાશિત કરીને અનેક સંસ્કૃતિઓને જોડવાના ઉદ્દેશને ચરિતાર્થ કર્યો છે. વિદેશની ભૂમિ પરથી નીકળતાં સામયિકોમાં સામગ્રીના સંદર્ભમાં તેમ સંપાદનના સંદર્ભમાં આ સામયિક નોંધપાત્ર રહ્યું. કિ. વ્યા.