ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સમસંવેદન


સમસંવેદન : ઉમાશંકર જોશીએ ‘સમસંવેદન’ ગ્રન્થમાં સર્જન પાછળના કલાકારના હેતુ તરીકે ‘સમસંવેદન’ને ઓળખાવ્યું છે. કલાકારની એષણા પોતાના સૌન્દર્યમંડિત સત્યને અન્ય માણસમાં પહોંચાડવાની હોય છે. અલબત્ત કવિ જે સંક્રાન્ત કરે છે તે સામાન્ય માણસની માફક પોતાની અંગત વસ્તુઓ નહિ પણ જીવનનો સર્વગ્રાહી અનુભવસાર હોય છે, એવી એની વિશિષ્ટતાને એમણે જુદી તારવી છે અને બતાવ્યું છે કે ભાવક કવિનું કાવ્ય ગ્રહણ કરી સમસંવેદન પામી શકે ત્યારે એના આત્માની સંતૃપ્તિ પણ કવિના જેવી જ હોય છે. ઉમાશંકરે દૃઢતાપૂર્વક ઉમેર્યું છે કે સર્જકભાવકના આવા હૃદ્ય સંયોગ અત્યંત વિરલ નહિ તો જનતાવ્યાપી તો કદાચ ન પણ હોય. ચં.ટો.