ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્યમાં સોરાબરરુસ્તમી


સાહિત્યમાં સોરાબરુસ્તમી : ઇરાની કવિ ફિરદૌસીના ‘શાહનામા’માં આવતાં બે પાત્રો સોરાબ અને રુસ્તમ પુત્ર અને પિતા છે. એમની વચ્ચેનો વિચારભેદ મૅથ્યૂ આર્નલ્ડના દીર્ઘકાવ્ય ‘સોરાબ ઍન્ડ રુસ્તમ’માં નાટ્યાત્મકતાથી કરુણની પરાકાષ્ઠાએ પહોંચાડે છે. આમ, પિતા અને પુત્ર વચ્ચેનો વિચારભેદ વૈમનસ્યમાં પરિણમે છે, એ બે પેઢીના અંતરની કરુણ નિયતિ છે. આથી બળવન્તરાય ઠાકોરે આ બે પેઢી વચ્ચેના અન્તરને ‘સોરાબ-રુસ્તમી’ કહી છે. આપણા સાહિત્યમાં અર્વાચીનકાળમાં દલપતરામ અને નર્મદ વચ્ચે આવી રુસ્તમ-સોરાબી હતી. પારસી વર્તમાનપત્ર ‘હિંદી પંચ’માં કટાક્ષચિત્ર તરીકે રુસ્તમ-સોરાબની જેમ દલપત-નર્મદને યુદ્ધ કરતા દર્શાવાયા હતા. આ પછી દલપતરામ અને ન્હાનાલાલ વચ્ચે પણ કવિતાવિચારભેદે આવું વલણ જામ્યું હતું. પંડિતયુગમાં ‘કલાપી’ની પોચટ-ઊર્મિલ કવિતાની સામે બળવન્તરાયે અર્થઘન કવિતાનો ઊહાપોહ કરી કંઈક આ પ્રકારની જ આબોહવા જન્માવી હતી. ગાંધીયુગ આવતાં આદર્શવાદી સર્જન સામે વાસ્તવવાદી સર્જને શીંગડાં ભરાવ્યાં તેમાં પણ આ જ વાતની પ્રતીતિ થાય છે. અને ગાંધીયુગ પછી આપણી નવલિકામાં ઘટનાપ્રધાનતાની સામે સુરેશ જોષીની ‘ઘટનાના તિરોધાન’ની વાત પણ આવી જ રુસ્તમ-સોરાબી પ્રકટ કરે છે. યુગેયુગે વિચારવલણો બદલાતાં રહે છે તેમ વળી પાછું ૧૯૬૦ બાદ આધુનિકતાનું મોજું ફરી વળે છે; અને પરંપરા સામે આધુનિકતા અવાજ ઉઠાવે છે – કવિતા, ટૂંકીવાર્તા, નવલકથા આદિ સાહિત્ય-સ્વરૂપોના ક્ષેત્રે. આમ, બે સર્જકપેઢી વચ્ચે વિભાવનાનો વિચારભેદ આવી સોરાબ-રુસ્તમીનો જનક રહ્યો છે. ધી.પ.