ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્ય અનેપ્રત્યાયન


સાહિત્ય અને પ્રત્યાયન : સાહિત્યક્ષેત્રે એકવાર – પ્રત્યાયન નહિ તો સાહિત્ય નહિ – એવું સૂત્ર પ્રચારમાં હતું. પછી આધુનિકતા સંદર્ભે પ્રત્યાયન હોય તો સાહિત્ય નહિ એવી પ્રતિજ્ઞા અગ્રેસર રહી. એલિયટે કહ્યું કે કવિતા સમજાય એ પહેલાં પ્રત્યાયિત થાય છે. ક્લિન્થ બ્રૂક્સ માને છે કે કવિ સંપ્રેષક કે પ્રત્યાયનકાર નથી. કવિતાનો સમસ્ત સૌન્દર્યનિષ્ઠ અનુભવ મહત્ત્વનો છે; નહિ કે વ્યક્ત કરેલા વિચારો. તો, એફ. આર. લિવિસ કવિના અનુભવનું સામર્થ્ય અને એની પ્રત્યાયનની શક્તિને અભિન્ન ગણે છે. આઈ. એ. રિચર્ડ્ઝ કલાઓમાં પ્રત્યાયનકાર્યનું ચરમ સ્વરૂપ જુએ છે. ટૂંકમાં, સાહિત્યક્ષેત્રે પ્રત્યાયનનો ખ્યાલ સતત બદલાતો રહ્યો છે. આધુનિક યુગમાં પ્રત્યાયનની નિસ્બતને ફંગોળીને ચાલેલું વિવેચનનું તંત્ર આજે અનુઆધુનિકયુગમાં પ્રત્યાયનના સિદ્ધાન્તોનો, પ્રત્યાયનની રીતિઓનો, સમૂહ માધ્યમો દ્વારા થતા શીઘ્ર પ્રત્યાયનનો તેમજ દૂરપ્રત્યાયનનો અને આ બધા વચ્ચે સાહિત્યના પ્રત્યાયનનો અભ્યાસ કરી રહ્યું છે. આ માટે પ્રેષક અને અભિગ્રાહક વચ્ચેના સંદેશાઓનું, માહિતીસામગ્રીનું અવાજ, સંવ્યય, સંકુચન, કાર્યક્ષમતા વગેરેને આધારે આંકડાકીય પરિમાપન આપતો માહિતી સિદ્ધાન્ત કલોદ એસ શેનન અને નોર્ટન વીનર દ્વારા પ્રચલિત છે. પ્રત્યાયનતંત્ર માહિતીનું વહન કરે છે. પ્રત્યાયનનાં અનેક માધ્યમોમાં ભાષા પણ એક માધ્યમ છે. ભાષાના માધ્યમમાં પણ કાવ્યભાષા કે સાહિત્યભાષાનું પ્રત્યાયન જુદો વિચાર માગી લે છે. રોજિંદા વ્યવહારમાં વિન્યાસ કે માહિતીમાં ભાગ્યે જ તણાવ ઊભો કરવામાં આવે છે, જ્યારે સાહિત્યમાં પ્રત્યાયન જેના પર અવલંબિત છે તેવા નિયમોની વચ્ચે તણાવ ઊભો કરવામાં આવે છે. ટેવવશ મુખ્યત્વે સામગ્રીનું જ વહન કરતી ભાષાનું જે સાધારણ પ્રકાર્ય છે તેને અવરોધવામાં આવે છે. એટલે કે ભાષાના તાર્કિક સ્વરૂપમાં બૃહદ્ અર્થમાં જેને આપણે અલંકારરીતિ કહીએ છીએ એ દાખલ થતાં વાક્યવિન્યાસ અને વાક્ય વાક્ય વચ્ચેના સંબંધની તરેહમાં જબરો ફેરફાર આવે છે. માહિતીપૂરતી જ કામની ભાષા પોતે પણ ખપની વસ્તુ બને છે. ભાષા દ્વારા જે સંવેદાય છે, જે પહોંચે છે એમાં ભાષા પણ સંવેદનનો ભાગ બને છે. આ પ્રકારના સાહિત્યિક પ્રત્યાયનને વિલ્યમ પોલસન ‘પ્રત્યાયનનું અપૂર્ણ માધ્યમ’ તરીકે ઓળખાવી એની વિશિષ્ટતાને ચીંધે છે. એમાં સંદેશાઓનું પ્રેષણ કર્યું હોય બરાબર એ જ રીતે એનું અભિગ્રહણ થવું જરૂરી નથી. માહિતી સિદ્ધાન્ત દર્શાવે છે કે પ્રત્યાયન દરમ્યાન સંદેશાઓ અનિવાર્યપણે ‘અવાજ’ દ્વારા દૂષિત થાય છે. પરંતુ સાહિત્ય પ્રત્યાયનમાં ‘અવાજ’નો સંરચનાત્મક ઉપયોગ કરે છે સાહિત્ય તરેહોને ખલેલ પહોંચાડનાર દ્વારા તરેહ રચવાના સિદ્ધાન્તને અનુસરે છે. એટલેકે ઉપયોગિતાવાદી સામાજિક પ્રત્યાયનની અન્ય રીતિઓ જે કાર્યક્ષમતા કરકસર, ચોકસાઈ અને ઓછામાં ઓછા અવાજ-નું ધ્યેય લઈને ચાલે છે એ ધ્યેય લઈને સાહિત્યનું પ્રત્યાયન ચાલતું નથી. અર્થને સંકટમાં મૂકી અર્થને નિપજાવવાની વાતને સાહિત્ય સહાય કરે છે. સાહિત્યનું સાંસ્કૃતિક કાર્ય પ્રત્યાયનના સરલ પ્રતિમાનને સંક્ષુબ્ધ કરવાનું છે. ચં.ટો.