ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્ય અને સિદ્ધાન્ત


સાહિત્ય અને સિદ્ધાન્ત : મનુષ્યજીવનને સંકેતો વગર કલ્પવું અશક્ય છે. તો સંકેતોને સિદ્ધાન્ત વગર કલ્પવા અશક્ય છે. આથી ભાષાસંકેતો સાથે સંકળાયેલા સાહિત્યમાં સિદ્ધાન્ત અનિવાર્યપણે ખેંચાઈ આવે છે. સિદ્ધાન્ત આપણા અર્થોને વ્યવસ્થિત કરીને અને એને આકાર આપીને આપણે શું કરીએ છીએ એ અંગેનો નવો તર્ક ધરે છે; સાર્વજનીન અને સ્થાયી નિયમોને તારવી વિષયની પ્રકૃતિ સમજી શકાય અને એની ગુણવત્તાનાં ધોરણો સ્થાપી શકાય તે અંગે મથે છે. સિદ્ધાન્ત વૈજ્ઞાનિક દૃષ્ટિ પર આધારિત કોઈ એવું સર્વસામાન્યીકરણ તાકે છે જેના આધાર પર વિષયની વ્યાખ્યા થઈ શકે. સાહિત્યક્ષેત્રે જુદા જુદા સાહિત્યસિદ્ધાન્તકારોએ સાહિત્ય અંગે જુદા જુદા પ્રકારના પ્રશ્નો કર્યા છે અને સક્રિય વિશ્લેષણ-ઉપકરણો તૈયાર કરીને એનું સર્વસામાન્યીકરણ કરી મૂલ્યવાન સૂઝ પ્રગટ કરી છે. સાહિત્યવિવેચન મુખ્યત્વે સિદ્ધાન્તોને આધારે જ સાહિત્યની વ્યાખ્યા કરે છે, વર્ગીકરણ કરે છે, વિશ્લેષણ કરે છે અને મૂલ્યાંકન કરે છે. પૂર્વમીમાંસામાં સિદ્ધાન્તકરણનો લાંબો ઇતિહાસ છે. રીતિસિદ્ધાન્ત, ધ્વનિસિદ્ધાન્ત, વક્રોક્તિ સિદ્ધાન્ત, રસસિદ્ધાન્ત વગેરે મહત્ત્વના સિદ્ધાન્તોએ પોતપોતાની રીતે સાહિત્યના સ્વરૂપ અને એની પ્રકૃતિને ઓળખવાનું કાર્ય કર્યું છે, અને અનેક રીતે સાહિત્યને વાંચવાની દિશા ખોલી આપી છે. પશ્ચિમમીમાંસામાં પ્લેટો એરિસ્ટટોલથી શરૂ થયેલી સિદ્ધાન્ત-કરણની પ્રક્રિયાનો ઇતિહાસ પણ લાંબો છે. વીસમી સદીમાં માર્ક્સ, ફ્રોય્ડ, નીત્શે વિટ્ગેઈન્સ્ટાઈન, દેરિદા લકૉં, ફૂકો વગેરેના પ્રદાનને કારણે પારંપરિક સિદ્ધાન્તકરણમાં સંપૂર્ણ પરિવર્તન આવ્યું છે. એમાં પણ છેલ્લા દાયકાઓમાં સિદ્ધાન્તનું એકચક્રી શાસન ચાલ્યું છે. સિદ્ધાન્તોનો ઘટાટોપ એવો રચાયો છે કે ખુદ સાહિત્ય જોખમમાં આવી પડ્યું છે. સિદ્ધાન્તો એટલો બધો સમય ખાઈ જાય કે સાહિત્ય – મૂળ સામગ્રી – વાંચવાનો સમય જ બચે નહિ. એટલું જ નહિ સિદ્ધાન્ત પાછો દુર્ગમ ને દુર્ગમ થતો ગયો છે. સિદ્ધાન્તના આવા શાસનસંદર્ભે ભિન્ન ભિન્ન મત પ્રવર્તે છે. કેટલાક, સિદ્ધાન્ત સાહિત્યના અર્થને પામવાની શક્યતાને વિસ્તારે છે, એવું માને છે, કેટલાકને મન સિદ્ધાન્તો હંગામી અને સ્થાનિક છે; કેટલાક માને છે કે સિદ્ધાન્તે સાહિત્યને ઉથલાવી નાખ્યું છે; કેટલાક સિદ્ધાન્તને નિર્માનુષીકરણના ઉપાદાન તરીકે જુએ છે, કારણ કે એ સાહિત્યિક ઇજનેરી અને સાહિત્યિક તાંત્રિકીના અભ્યાસ માટે સહેતુક માનવનિસ્બતને દૂર રાખે છે. આમ છતાં, એક વાત ચોક્કસ કે સિદ્ધાન્તનું લક્ષ્ય જ્યાં સુધી સાહિત્યની આપણી સમજને વધુ સંતોષપ્રદ રીતે સંકુલ બનાવવાનું હોય ત્યાં સુધી તે આવકાર્ય છે. આથી જ જર્મન કવિ ગ્યોથે All theory is grey કહ્યા છતાં અભિપ્રાય આપ્યો હતો કે મનુષ્યચિત્ત જો પોતાની પ્રક્રિયાઓ અંગે ભાન નહીં રાખે તો એ ક્યાંયનું નહિ રહે. આમ તો સંવેદનનું એકદમ નિર્દોષ લાગતું કાર્ય પણ સિદ્ધાન્તનો વિષય બની શકે છે. સિદ્ધાન્તની કસોટીએ ચડ્યા વગર નિરીક્ષણો છૂટક અને પાંખાં રહે છે. અને બૌદ્ધિક સમજના આપણા તંત્રમાં આકલિત થવા અસમર્થ રહે છે. ચં.ટો.