ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સૌંદર્યલહરી


સૌંદર્યલહરી : આદ્ય શંકરાચાર્યને નામે ચઢેલું, ભાવવાહી શિખરિણી છંદના ૧૦૩ શ્લોકોમાં દેવી ત્રિપુરાસુંદરીનું પ્રવાહિતાયુક્ત વર્ણન આપતું સ્તોત્રકાવ્ય. કેટલાકના અભિપ્રાય પ્રમાણે આ તામિલનાડુના શંકરાચાર્યની રચના છે. પ્રથમ ૪૧ શ્લોકોમાં ચૈતન્ય રૂપે વિલસતી મહામાયા દેવીનું સૌંદર્યનિરૂપણ છે જેમાં દેવીના અલંકારો, આયુધો, પલંગ સહિતનું આબાદ વર્ણન સૂક્ષ્મતા અને કવિત્વથી ભર્યુંભર્યું છે. ૪૨મા શ્લોકથી અંત સુધી દેવીના વિરાટ સ્વરૂપનું નિરૂપણ થયું છે. ભવ્ય કલ્પનાઓ, અલંકારોનો વ્યાપક સૌંદર્યમંડિત ઉપયોગ, લયની પ્રવાહિતામાં ઉમેરો કરતા અનુપ્રાસો, વિરાટને હિંડોળે ઝૂલતી રચનાકારની વર્ણનશક્તિ, દેવીના દેહવર્ણનમાં ચિત્રાત્મક શબ્દકલા, ભક્તિરસમાં ભળતો અદ્ભુત, શૃંગારની આસ્વાદ કાવ્યની વિશિષ્ટતાઓ છે. સંસ્કૃત સ્તોત્રકાવ્યોની પ્રથમ પંક્તિમાં સ્થાન પામે તેવી આ સાહિત્યિક સ્તોત્રરચનાનું કલાન્તકવિ બાલાશંકર કંથારિયા દ્વારા થયેલું સુંદર ગુજરાતી રૂપાન્તર નોંધપાત્ર છે. હ.મા.