ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/હ/હરિયાલી


હરિયાલી/હિયાલી : બૌદ્ધિક વિકાસ સાથે મનોરંજન મેળવવા માટે પ્રયોજાયેલું મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું પદ્યસ્વરૂપ. ‘હિયાલી’ શબ્દનો ઉલ્લેખ પ્રાકૃતગ્રન્થ ‘વજ્જાલગ્ગ’(લગભગ બારમી-તેરમી સદી)માં મળે છે તેથી આ સ્વરૂપ પણ એટલું જૂનું છે એમ માની શકાય. જોકે એમાં આપેલી ‘હિયાલી’ પ્રાચીન રાજસ્થાની ભાષાની છે. એનાથી પ્રાચીન ગુજરાતી ભાષાની ‘હિયાલી’ જુદી પડે છે. વર્ણનાત્મક ‘હિયાલી’ ૩થી ૪ કડી સુધી વિસ્તરતી હોય છે. તેમાં કોઈ વસ્તુના નામનિર્દેશ વિના જે તે વસ્તુની બધી વિશેષતાઓનું વર્ણન કરવામાં આવે છે અને તેનો જવાબ એક જ શબ્દમાં માગવામાં આવે છે. પ્રશ્નોત્તરરૂપ હિયાલીમાં જમાઈ સાળી વચ્ચે, પિતા-પુત્ર વચ્ચે (‘શ્રેણિક – અભયકુમાર રાસ’), પતિ-પત્ની વચ્ચે (‘નળ-દમયંતી ચોપાઈ’, ‘માધવાનલ કામકંદલા ચોપાઈ’) પ્રશ્નોત્તરી હોય છે. હિયાલીઓમાં બે પક્ષ સામસામે સમસ્યાઓ પૂછે છે. એના વિષય ગણિત, સાહિત્ય, સામાન્યજ્ઞાન એમ વિવિધ હોય છે. મુખ્યત્વે જૈનકવિઓએ સમસ્યામૂલક હિયાલીઓ આપી છે, તેમાં સોળમી સદીના દેપાલની ‘હિયાલીઓ’ જાણીતી છે. કી.જો.