ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/હ/હિતોપદેશ


હિતોપદેશ(ચૌદમી સદી) : બંગાળ નરેશ ધવલચન્દ્રના રાજકવિ નારાયણ પંડિતે, વિષ્ણુ શર્માકૃત ‘પંચતંત્ર’ના આધાર પર, ૧૩૭૮ની આસપાસ રચેલો ગદ્યપદ્યમિશ્રિત સંસ્કૃત કાવ્યગ્રન્થ. તેમાં ‘પંચતંત્ર’ના પાંચ ખંડો પૈકી ‘મિત્રલાભ’, ‘સુહૃદભેદ’, ‘સંધિ’, અને ‘વિગ્રહ’ યથાતથ સ્વરૂપે મળે છે. આમ, આ ગ્રન્થની નીતિબોધક અને પ્રેરક ૪૩ કથાઓ પૈકી ૨૫ કથાઓ સીધી ‘પંચતંત્ર’માંથી ઊતરી આવી છે. સમગ્ર ગ્રન્થની રચના ગદ્યમાં થઈ છે પરંતુ મહાભારત, ધર્મશાસ્ત્ર અને વિવિધ પુરાણોમાંનાં ૬૭૯ પદ્યો એમાં પુન : પ્રયોજાયાં છે. અત્યંત પ્રવાહી અને સાદગીભર્યું કથાકથન એ ‘હિતોપદેશ’-ની કથાઓની લાક્ષણિકતા છે. આ વિશેષતાને લીધે સંસ્કૃત ભાષાના પ્રારંભિક શિક્ષણના પાઠ્યપુસ્તક તરીકે હિતોપદેશ ઉપયોગી સિદ્ધ થયું છે. કથાની પાત્રસૃષ્ટિ રૂપે મનુષ્યને વિકલ્પે પશુસૃષ્ટિનું નિરૂપણ થયું હોવાથી પશુપાત્રોનાં મોંએ થતી નીતિ-બોધની રજૂઆત કૃતિના કિશોર-વાચકોમાં વિશેષ આકર્ષણ જગવે છે. ર.ર.દ.