ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/પ્રવેશક

પ્રવેશક

આનંદની વાત એ છે કે અર્વાચીન ગુજરાતી સાહિત્યના આરંભકાળે જ આપણા લેખકોએ બહોળા સમાજધર્મી સર્જન-લેખનની સાથે સાહિત્ય-વિવેચન પણ કર્યું હતું. પુસ્તકપ્રતિભાવ, સમીક્ષા, કવિચરિત્રવિમર્શ એવાં વિવિધ રૂપે એ દેખા દેવા માંડ્યું હતું એ ઉપરાંત સાહિત્યનો તત્ત્વવિચાર પણ આ લેખકોએ કર્યો હતો એ વધુ મહત્ત્વનું ગણાય. નર્મદના લેખો ‘કવિ અને કવિતા’ તથા ‘ટીકા કરવાની રીત’થી એનાં પગરણ થયાં હતાં. એમાં અલબત્ત, મુખ્ય પ્રભાવ અંગ્રેજી સાહિત્ય અને વિવેચનમાં જાગેલી જિજ્ઞાસાનો, વાચન-અધ્યયનનો હતો. એટલે તત્કાલીન અંગ્રેજી વિવેચનનાં કેટલાંક ઘટકો – subjective અને objective કવિતા; classical અને Romantic સાહિત્ય – વિશે આપણા વિદ્વાનો પણ લેખન-પ્રવૃત્ત થયા હતા. રમણભાઈ નીલકંઠનો ‘કવિતા : સ્વાનુભવરસિક અને સર્વાનુભવરસિક’ લેખ તથા આનંદશંકર ધ્રુવનો ‘સંસ્કારી સંયમ અને જીવનનો ઉલ્લાસ’ એના નમૂના છે. અહીં એ પણ જોઈ શકાય છે કે વિવેચનાત્મક સંજ્ઞાઓના ગુજરાતી પર્યાયો રચવાનું કામ પણ આ લેખકોએ કરવા માંડ્યું હતું. એની સમાન્તરે જ સંસ્કૃત સાહિત્યમીમાંસાની પર્યેષણા અને લેખન પણ આરંભાય છે. પંડિતયુગના વિદ્વાનોએ સંસ્કૃત સાહિત્યવિચારના શબ્દ અને અર્થની, રસ અને ધ્વનિની, સંસ્કૃતનાં કાવ્યસ્વરૂપોની ચર્ચા શરૂ કરી હતી. હાસ્યલેખક તરીકે જ જાણીતા જ્યોતીન્દ્ર દવે પણ ‘રસમીમાંસાની પરિભાષા’ જેવો દીર્ઘ અને વિષયના ઊંડાણમાં જતો લેખ આપે છે. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી પહેલે તબક્કે સંસ્કૃત સાહિત્યવિચાર સામે પ્રશ્નો ઊભા કરીને પછી ‘સાધારણીકરણ’ જેવો, અંગ્રેજી અને સંસ્કૃત સાહિત્યવિચાર બંનેને સામે રાખતો લેખ કરે છે. અને અનુપંડિતયુગના (ગાંધીયુગને વિવેચનની બાબતે તો અનુપંડિતયુગ કહેવો પડે એવી વિદ્વત્‌ પરંપરા વિકસતી જતી હતી) – એ અનુપંડિતયુગના નગીનદાસ પારેખ તો ‘ભારતીય અને પશ્ચિમની સાહિત્યમીમાંસા : કેટલાંક સામ્યો’એવો તુલનાદર્શી લેખ આપે છે. એમની પૂર્વે રામનારાયણ પાઠક ‘આપણા વિવેચનના કેટલાક કૂટ પ્રશ્નો’લેખમાં ગુજરાતી વિવેચન-પરંપરાને ચિકિત્સક દૃષ્ટિએ તપાસે છે અને વિવેચન જ્યારે શુક-રટણમાં ને નિષ્પ્રાણતામાં સરતું લાગે છે ત્યારે અદ્યતનતાના પ્રવર્તક સુરેશ જોષી ‘વિવેચનનો અન્ત?’ એવી વધુ કઠોર ચિકિત્સા કરે છે. આપણો વિવેચન તત્ત્વ વિચાર કેટકેટલી દિશાઓ ચીંધતો રહ્યો છે એનું આ એક દૃષ્ટાંતરૂપ ચિત્ર છે. ગુજરાતી વિવેચનનો તત્ત્વવિચાર કેટલીક વિશિષ્ટ ભૂમિકાએ પણ થયો છે. છેક આરંભે, નરસિંહરાવ દીવટિયા ‘કવિતા અને રાજકીય સંચલન’ એવો એક લાક્ષણિક મુદ્દો ચર્ચામાં લાવે છે તો અનુપંડિતયુગીન યશવંત શુક્લ ‘કવિતાનો સમાજસંદર્ભ’ચીંધે છે, અને કનુભાઈ જાની ‘લોકવાઙ્‌મયનો સામાજિક સંદર્ભ’ચર્ચીને લોકસાહિત્યને બલકે સમગ્ર લોકવાઙ્‌મયને તાત્ત્વિક ભૂમિકાએ તપાસે છે. ‘આધુનિકતા’નો પ્રાદુર્ભાવ થતાં જ, માત્ર અંગ્રેજી સાહિત્ય અને વિવેચન જ નહીં, સમગ્ર યુરપને પણ આવરી લેતા વૈશ્વિક સાહિત્ય ને વિવેચન તરફ આપણા સર્જકો-વિવેચકોની દૃષ્ટિ જાય છે. દુનિયાભરના ઉત્તમ સાહિત્યતત્ત્વજ્ઞોની વિચારણાનાં સમજૂતી અને અર્થઘટનો ગુજરાતી વિવેચનમાં પ્રવેશે છે. વિવેચક તરીકે બહુ જાણીતા નહીં એવા ભોગીલાલ ગાંધીના ‘મિતાક્ષર’(૧૯૭૦) સંગ્રહમાં આવી તાત્ત્વિક વિચારણાઓ ઊપસી છે. એમનો દીર્ઘ લેખ ‘અસ્તિત્વવાદ એક વિશ્લેષણ’ શાસ્ત્રીય લેખનનો એક મહત્ત્વનો નમૂનો છે. આ ઉપરાંત, પ્રમોદકુમાર પટેલ ‘વિવેચનનું તત્ત્વજ્ઞાન’જેવો વિશિષ્ટ લેખ આપે છે તો એ પછી ચંદ્રકાન્ત ટોપીવાળા ‘અનુઆધુનિકતાવાદની દાર્શનિક ભૂમિકા’ચર્ચે છે. સાહિત્ય-સિદ્ધાંત – theory – એક આગવી સ્વતંત્ર શાખા તરીકે પણ વિકસેલો છે – તત્ત્વવિચારનો સાહિત્યની તપાસમાં વિનિયોગ જ નહીં, કેવળ સિદ્ધાંતવિચાર પણ. એનું શું મૂલ્ય છે એ નીતિન મહેતા ‘સાહિત્ય, સિદ્ધાંત અને સાહિત્યસિદ્ધાંત’ લેખમાં ચર્ચે છે. વિશ્વના દાર્શનિકોએ જે સાહિત્યવિચાર કર્યો છે એ વિચારણા પણ અનુવાદરૂપે, સમજૂતી કે અર્થઘટન રૂપે આપણા વિવેચનમાં સામેલ થતી રહી છે. આપણા યુવાવિવેચક હર્ષવદન ત્રિવેદીનો ‘રોલાં બાર્ત અને સંરચનાવાદી સાહિત્યવિચાર’ એનું એક નિદર્શન છે. ગુજરાતીમાં સાહિત્ય તત્ત્વ વિચારનો આ એક નિર્દેશક નકશો છે. આ સંપાદનના અનુક્રમમાં જ જોઈ શકાશે કે કેટકેટલા વિવેચકોએ અત્યંત મહત્ત્વની તત્ત્વવિચારણા દ્વારા પોતાના અધ્યયનનો હિસાબ આપ્યો છે ને એ રીતે ગુજરાતીના વિવેચનવિચારમાં પોતાનું પ્રદાન કર્યું છે ને વિવેચનવિચારણાનું ફલક વિસ્તાર્યું છે. ૦ આ સંપાદન ગુજરાતી વિવેચનમાં થયેલી તાત્ત્વિક વિચારણાની સુદીર્ઘ પરંપરામાંથી એક આચમન-માત્ર છે. દરેક વિવેચકમાંથી એક એક જ લેખ જ લેવો એવું નક્કી કર્યું હોવાથી પસંદગી ચુસ્ત રાખવી પડી છે. એ કારણે બીજા કેટલાક ઉત્તમ લેખો પણ બહાર રાખવા પડ્યા છે. પરંતુ, ગુજરાતી વિવેચનના તત્ત્વવિચારનાં લગભગ સર્વ બિંદુઓને સમાવી લે અને કોઈ વિષય/મુદ્દાનું પુનરાવર્તન ન થાય એ રીતે આ લેખોની પસંદગી કરેલી છે. એમાંથી પસાર થનારને ગુજરાતીના બૃહદ્‌ સાહિત્ય-તત્ત્વ-વિચારની એક ઝાંખી જરૂર થશે એવી ખાતરી છે.


— રમણ સોની, સંપાદક