ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/સહૃદયધર્મ – અનંતરાય રાવળ, 1912


20. Anantray raval.jpg ૨૦
અનંતરાય રાવળ
(૧.૧.૧૯૧૨ – ૧૭.૧૧.૧૯૮૮)
સહૃદયધર્મ
 

[1]

આ માન માટેની પાત્રતા મારા અદના વિવેચન-સંપાદન કાર્યની આ વિદ્વત્સભાએ ઠરાવી એમાં હું એની સહૃદયતા અને ઉદારતા જ દેખું છું અને એને માટે અંત:કરણથી આભાર માનું છું. આજના પ્રસંગને મારી સિદ્ધિ માની લેવાની ધૃષ્ટતા નહિ કરું; મારે માટે અપેક્ષિત આદર્શનો સભાએ કરેલો ઇશારો જ એને સમજીશ, ગુજરાત અને તેના સાહિત્યના પરમભક્ત અને સંનિષ્ઠ સેવક સ્વ. રણજિતરામનાં ધન્ય નામ અને આકૃતિથી અંકિત આ સુવર્ણચંદ્રક છાતી પર ઘણો જ ભાર મૂકે છે: આભારનો જ નહિ, The petty done, the undone vast – ના હવે સતત ભીંસ્યા કરવાના કર્તવ્યપ્રેરક સ્મરણનો. મારો પરિચય મમતાળુ મુરબ્બીઓ અને મિત્રોએ હમણાં આપ્યો. મને હું ઓળખું છું તે મુજબ મારી સત્ત્વાભિવ્યક્તિ કે મારું પ્રકટીકરણ (Expression) કે મારો વિશેષ સાહિત્યના અધ્યાપકનો છે, પછી બીજા નંબરે વિવેચકનો—ના, ‘વિવેચક’ શબ્દ મને બહુ મોટો લાગે છે, સહૃદયનો. મારામાંનો અધ્યાપક જ સહૃદય બન્યો છે, અને સહૃદય જ બન્યો દેખાશે અધ્યાપક. બંનેએ પરસ્પરનું ભાવન કર્યું છે. આને ગુણ કહેવાય કે મર્યાદા તે હું જાણતો નથી. અધ્યાપનાર્થી સ્વાધ્યાયસજ્જતાએ સાહિત્યનો સતત સંપર્ક રખાવ્યો તેમ લખવાની વૃત્તિ જન્માવી, જેને અનુકૂળતા બક્ષી અમારા વ્યવસાયમાં મળતા ઘણાની સાચી ખોટી ટીકા ઈર્ષ્યાનો વિષય બનેલા સમયના અવકાશે. આજથી ત્રેવીસ વર્ષ પૂર્વે મુંબઈના શિક્ષણ નિયામકને મારું નામ ચીંધી મને આ વ્યવસાયમાં પ્રવેશાવનાર સ્વ. નરસિંહરાવ દિવેટિયાનું આથી આ પ્રસંગે કૃતજ્ઞ ભાવે અભિવાદનપૂર્વક સ્મરણ કરું છું. એમણે વત્સલ ભાવે મારામાં મૂકેલા વિશ્વાસને અને સ્વ. કેશવલાલ ધ્રુવના આસનને પાત્ર બની રહેવા યથાશક્તિમતિ મથ્યા કર્યો છું. સદ્ભાગ્યે અહીં હાજર છે એવા મુરબ્બી શ્રી વિજયરાવ વૈદ્ય, જેમણે ‘નર્મદશતાબ્દીગ્રંથ’ માટે મારો લેખ તરત સ્વીકારી તે પછી ‘કૌમુદી’ માટે મને લખતો કર્યો અને પ્રો. રવિશંકર જોષી, જેમના શિક્ષણે સાહિત્યરસ લગાડ્યો, એમની પ્રત્યે પણ હૃદયમાંથી આભારની લાગણી અત્યારે વહે છે, જેવી વહે છે ચાર ચાર વાર્ષિક ગ્રંથસમીક્ષાનું કાર્ય સોંપી મને આજનો દિવસ દેખવા તૈયાર થવામાં નિમિત્ત બનનાર આ સાહિત્યસભા ભણી પણ. લલિત રસાત્મક, વાઙ્મય, શાસ્ત્રીય વાઙ્મય, ચિત્ર સંગીત અભિનય જેવી લલિત કળાઓ, આ સર્વની માફક વિવેચનનેય આજના પ્રસંગ અગાઉ ક્યારનું ચંદ્રકપ્રદાન ક્ષેત્રમાં સમાવી, જેમના નામથી આ ચંદ્રક અંકિત થયો છે તેમની ભાવના અને તેમના જીવનકાર્યને આ સભા અનુસરે છે, તે વિવેચનની સાહિત્યોપકારકતા અને પ્રજાસેવા બરાબર પિછાણીને જ, એમ હું સમજું છું. ક્રોચેને મતે કલા એટલે અંતર્દષ્ટિ, આંતર અનુભૂતિ, જે જ છે કલાકારની આત્માભિવ્યક્તિ. આમ સાહિત્યની કલાકૃતિ તેના સર્જકના હૈયામાં જ સરજાઈ જાય છે એ ભલે, પણ એને વાણીના ઉપાદાનથી મૂર્ત પરલક્ષી અભિવ્યક્તિ સર્જકને આપવી તો પડે જ છે, એમ થયું કે તરત સામા છેડાનો ભોક્તા, ભાવક, વાચક, સાહિત્યકલાના પ્રદેશમાં પેઠો જ. સર્જકને કોઈ એનું સંવેદ્યું સંવેદે અને એની આંતર અનુભૂતિનો સાક્ષાત્કાર કરી શકે એવા સમાનધર્માની, એના હૃદય સાથે એટલો વખત તદ્રૂપતા સાધી શકે એવા સહૃદયની, અપેક્ષા તો રહે છે જ. સાહિત્યકૃતિઓના બધા વાંચનારા એ કક્ષાના હોતા નથી, હોઈ શકે નહિ. ઘણા તો રાજશેખરે જેમને सतृपात्म्यवहारी (જે બધુંય ખાય, ઘાસ પણ આરોગી જાય) કહ્યા છે તેવા હોય છે. એ વાંચી જાય બધું, પણ તારતમ્યદૃષ્ટિ, મૂલ્યદૃષ્ટિ, સાહિત્ય-અસાહિત્યનો વિવેક, એમની પાસે ન હોતાં એમને તો ‘ટકે શેર ભાજી ટકે શેર ખાજા’ જેવું હોય છે. રાજશેખર જેને तत्त्वभिनिवेशी ભાવક કહે છે એવા જ બની શકે સર્જકના સાચા સમાનધર્મા. આવા અધિકારી વાચક તે જ વિવેચક, એમના પરિતોષની વાંછના ભલભલા સાહિત્યસર્જકનેય રહે. કાલિદાસ જેવા કાલિદાસેય નહોતું કહ્યું. आपरितोषाद् विदूषां न साधु मन्ये प्रयोगविज्ञानम्? એ માત્ર વિવેકનાં કે નમ્રતાના આડંબરના વચન ન હતાં. આવા વિવેચક પાસે એના કાર્યને અનુરૂપ પ્રતિભા એટલે સહજ શક્તિ હોય, જેવી સર્જક પાસે એનું કામ કરાવનારી પ્રતિભા હોય છે. રસાત્મક વાઙ્મય (એટલે સાહિત્ય) એ એકપાર્શ્વ કે એકાંગી કલા કે વ્યવહાર નથી. દ્વિપાર્શ્વ કલા ને વ્યવહાર છે. એનું સાફલ્ય કે કૃતાર્થતા એને મર્મજ્ઞ ભાવકો મળી આવે એમાં છે. આમ છે, તો વિવેચન સર્જનના જેટલું જ સાહિત્યનું મહત્ત્વનું અંગ ગણાવા હકદાર છે. એને સર્જનની પૂર્વાપેક્ષા રહે છે એ ખરું, પણ તેથી તેને પરોપજીવી (પેરેસાઈટ) કહી હીણવું ઉચિત નથી. સર્જક ન બની શકેલ અથવા નિષ્ફળ નીવડેલ સર્જક વિવેચક બને છે. એ વચન અર્ધસત્ય પણ નથી. પા સત્ય હોય તોય કોણ જાણે. શ્રી મુનશીએ તેમના એક વ્યાખ્યાન ‘રસાસ્વાદનો અધિકાર’માં સર્જકનું અને વાચકોનું ગૌરવ કરી વિવેચકને એ કંઈ સર્જક જેવો કલાકાર નથી એમ કહી ઉતારી પાડ્યો છે એય બરાબર નથી. રસોઈ સારી બની છે કે બેસ્વાદ એ કહેવા માટે બધાએ રસોઇયા બનવાની જરૂર નથી. પણ વસ્તુત: વિવેચન સર્જનપ્રક્રિયા, સર્જકની અનુભૂતિ ભાવકોનાં ચિત્તમાં સફળ સંક્રમણ પામી શકે એવો અવાન્તર શબ્દદેહ કે આકાર જેના વડે પામે છે તે કલાવિધાનનું અને ઉપાદાનભૂત શબ્દો (એટલે વાણી)ની અર્થ અને નાદની ગુંજાશનું જ્ઞાતા હોય જ છે. વિવેચકને કલાકૃતિનું પોતાની મનોભૂમિમાં કલ્પનાથી પુન:સર્જન કરવું પડતું હોય છે. આથી કશી રસોઈ કરી ન જાણનાર જમનાર જેટલો અનભિજ્ઞ એ હોતો જ નથી. શ્રી મુનશીએ જે ચીડ વ્યક્ત કરેલી તે તો પ્રણાલિકાજડ વિવેચન સામે. એ સાચું છે કે પ્રથમ સાહિત્ય સર્જાય છે અને પછી તેમાંથી વિવેચન પોતાના સિદ્ધાંત શોધે છે. એરિસ્ટોટલ પાસે એના જમાનાની ટ્રેજેડી-કૉમેડીઓ અને ‘ઇલિયડ’, ‘ઑડેસી’ હતાં, અને આપણા નાટ્યાચાર્ય ભરતમુનિના સિદ્ધાંત પણ કેટલાંક સંસ્કૃત નાટકોનાં સર્જન પછીના, એમાં શંકા નહિ. સાહિત્યકૃતિઓમાંથી જ એના સાહિત્યસ્વરૂપની લક્ષણબંધી થાય છે, એના કલાવિધાનના નિયમ નક્કી થાય છે અને એની ખૂબીઓ-ખામીઓ પારખવાનાં કસોટી-ધોરણો રચાય છે. એક વાર એ સિદ્ધાંત અને ધોરણો રૂઢ અને પ્રતિષ્ઠિત બન્યાં, એટલે પછીનું સાહિત્યસર્જન અને સાહિત્યવિવેચન એને જ નજર સમક્ષ રાખવાનાં. એરિસ્ટોટલ અને ભરતે બાંધેલા સિદ્ધાંતનું વર્ચસ અનુક્રમે યુરોપ અને ભારતમાં એમના જમાના પછી કેવું સદીઓ સુધી જામેલું રહ્યું હતું! પણ સાહિત્ય આપણે રસાત્મક, કલાસર્જન ગણાય એવા વાઙ્મયની, યુરોપીય સાહિત્યમીમાંસકોએ જેનો Poetry અને Art શબ્દથી અને ભારતીય આલંકારિકોએ જેનો – શબ્દથી વ્યવહાર કર્યો છે. એની વાત કરીએ છીએ – હંમેશાં સર્જાય છે પ્રતિભાથી, જે તો છે ‘નવનવોન્મેષશાલિની’. એ કંઈ પરંપરામાં બંધાઈ ન રહે. પ્રણાલિકાને ન ગાંઠતાં એ નવા નવા પ્રયોગો કરે, નવાં પ્રતિરૂપો કે ભાવપ્રતીકો યોજે, નવાં સાહિત્યસ્વરૂપોય શોધે-પ્રયોજે, નવી અભિવ્યક્તિ શોધે અને સાધે. ભલે ઉત્તમ પણ ભૂતકાળના સાહિત્ય પરથી નજર ન ઉઠાવનાર અને એમાંથી તારવાયેલા નિયમોની ચોકઠાબંધીમાંથી બહાર ન નીકળનાર, સિસૃક્ષાના આવાં નવાં સાહસને સમજી પ્રીછી વધાવી નહિ શકે. શ્રી મુનશીની ટીકા આવા સ્થિતિચુસ્ત, પરંપરાપ્રેમી વિવેચકો માટે હતી. ‘પૅરેડાઇઝ લોસ્ટ’ને એરિસ્ટોટલના ટ્રેજેડીના ગજે માપવા કરતાં એડિસનને આ જ સમજાયું કે જૂના જમાનાના સાહિત્યનાં માપ નવાના સર્જનને સમજવા-મૂલવવા પૂરેપૂરાં કામ ન લાગે. સાચું વિવેચન આથી સર્જાતા રહેલા સાહિત્યની પાછળપાછળ નહિ, પણ સાથેસાથે જ ચાલે, અને પ્રત્યેક સાહિત્યકૃતિમાં જ તેને આસ્વાદવા-મૂલવવાની સામગ્રી જુએ. આમ કરતું વિવેચન સર્જનનાં પ્રતિભા-સાહસોને પ્રામાણ્ય ને પ્રતિષ્ઠા અપાવે અને પ્રયોગોની કેડીઓને નવી પરંપરાના રાજમાર્ગોમાં પલટવામાં સહાયભૂત થાય. સાહિત્યનો વિકાસ હંમેશાં આમ પ્રયોગ – પરંપરા – પ્રયોગ – પરંપરાથી થતો હોય છે અને વિવેચકનો સહયોગ એને સાંપડતો હોય છે. – એવા સર્જક અને વિવેચક – એની ઉત્કૃષ્ટ લીલાને, સાહિત્યને, જમાને જમાને આગે બઢાવતા જ રહે. મેથ્યુ આર્નોલ્ડે આથી જ વિવેચકને ઉત્તમ સાહિત્યથી પ્રજાને પરિચિત કરી તેની ખૂબીઓ દેખાડી પ્રજાની રસદૃષ્ટિને ખીલવનાર અને તેની રસરુચિ (Taste) ને વિશુદ્ધ બનાવી ઊંચે લઈ જનાર અને સર્જકોનેય માર્ગદર્શક પ્રેરણાદાતા બનનાર સંસ્કાર-શિક્ષક કે સંસ્કાર-વિતરક કહી તેનું યથોચિત ગૌરવ કર્યું છે. જેમનું સ્મરણ લીલું રાખવા આજનો પ્રસંગ યોજાયો છે એ વિદ્વાને પણ પોતાની ટૂંકી આયુષ્યલીલામાં મેથ્યુ આર્નોલ્ડની ભાવનાના વિવેચકનું જ કામ કર્યું હતું. પોતે અબુધ વાચકોને અને અજ્ઞાન લેખકોને કંઈક શીખવી રહ્યો છે અને સાહિત્યની ને પ્રજાની સેવા બજાવી રહ્યો છે એવી કોઈ ધૃષ્ટ સભાનતા કે ધરાર-પટલાઈની વૃત્તિ વિના, અંતરના સાહિત્યરસથી જ પ્રેરાઈ, સરવાળે આવી સાહિત્યસેવા અને સંસ્કારસેવા આનુષંગિક ફળ તરીકે બજાવનારું વિવેચનકાર્ય સહજભાવે પોતાની જ અભિવ્યક્તિ સારુ કરનાર સરસ્વતીભક્તની આત્મસંપત્તિ શી હોય, કેવી હોય? મારે મતે સહૃદયતા, સૌંદર્યદૃષ્ટિ, વ્યુત્પત્તિ અને સત્યનિષ્ઠા, એ ચાર ગુણમાં બધું સમાવિષ્ટ થઈ જાય. એમાં સહૃદયતા તો વિવેચકનો અનિવાર્ય અગત્યનો પ્રથમાવશ્યક ગુણ. સહૃદયતા એટલે સામાને બરાબર સમજવાની વૃત્તિ અને શક્તિ. એના વિના તો વિવેચક પોતાના ગમા-અણગમાથી પ્રેરાઈ પોતાને જે જોવું હોય તે જ જોનાર અને ન જોવાનું હોય તે ન જ જોનાર બની જાય. સૌથી પ્રથમ તો વિવેચકે સાહિત્યનો આસ્વાદ કરવો જોઈએ. એને માટે સર્જકે જીવનના જે ખૂણા પર ઊભા રહી જીવનને જોયું હોય તે જ ખૂણા ઉપર સર્જકનાં જ આંતરચક્ષુથી ને હૃદયથી તે જ અનુભૂતિ સમસંવેદનથી વિવેચકે કરવી જોઈએ. એટલા માટે જ એને ભાવક એટલે કવિના જ જેવો ભાવ અનુભવનાર, અથવા સહૃદય એટલે કવિના સમાન હૃદયવાળો, ભારતીય સાહિત્યમીમાંસકોએ કહ્યો છે. આવી પરભાવાનુભૂતિ કે પરચિત્તપ્રવેશ માટે એની પાસે જોઈએ સદાતત્પર, વિશુદ્ધ અને કાર્યક્ષમ સંવેદનતંત્ર કે ઊર્મિતંત્ર. કલાકૃતિનું પુન:સર્જન અંતરમાં કરવા સમર્થ એવું કલ્પનાબળ અને સૌંદર્યદૃષ્ટિ, વિવેચકનાં બીજાં ગુણલક્ષણો. કૃતિની ઉત્કૃષ્ટતા કે ચમત્કૃતિ કે સૌંદર્યવિશેષ (excellence) તથા એનું રહસ્ય કે અંતર્ગૂઢ સત્ય તર્ક કે તત્ત્વજ્ઞાનની રીતે નહિ પણ સીધા દર્શન કે અનુભવથી જોઈ શકતી આંતર પ્રજ્ઞા કે અંતર્દષ્ટિ આ કારણે કવિના જેટલી વિવેચકમાં પણ હોવી જરૂરી. એનું રમણક્ષેત્ર સાહિત્યકૃતિ, જ્યારે કવિનું, જીવન: એટલો જ ફેર. બેન જોન્સને જે કહેલું કે કવિની પારખી કરવાનું સામર્થ્ય તો કવિનું જ, ને તેય જે તે કવિઓનું નહિ પણ ઉત્તમનું જ, એનો મર્મ જુઓ તો આ જ છે કે વિવેચક પાસે કવિનું હૈયું ને કવિની અંતદૃષ્ટિ જોઈએ. આથી જ નરસિંહરાવે વિવેચકને કવિનો જોડિયો ભાઈ ગણ્યો હશે. રાજશેખરકથિત ‘તત્ત્વાભિનિવેશી’ ભાવક થવા માટે એટલું જરૂરી છે. પણ આટલું બસ નથી. પ્રતિભા વિના ઉત્કૃષ્ટ સર્જન નીપજે નહિ એટલે એને પ્રથમ ગણાવી મમ્મટે કાવ્યનિર્માણને માટે એટલે કવિને માટે, લોક એટલે જનવ્યવહાર અને શાસ્ત્રોથી લભ્ય વ્યુત્પત્તિ અને કાવ્યજ્ઞશિક્ષા (આજના સંદર્ભમાં, સાહિત્યના નિકષ જેવી ચિરંજીવ પ્રશિષ્ટ કૃતિઓના પરિશીલનથી મળતી તાલીમ કે દૃષ્ટિ) એક જ શ્વાસે એમાં ઉમેરી એ ત્રણેની ત્રિપુટીને એક એકમ તરીકે અગત્યની ઠરાવી છે. વિવેચક પાસે તો છેલ્લાં બે વાનાં વિશેષ પ્રમાણમાં જોઈએ જ. કવિમાં એ ઓછાં હોય તો ચાલે. વિવેચક પાસે ઘડાયેલી રુચિ હોય. એ રુચિ ઘડાઈ હોય પોતાના સમય સુધીના ભૂતકાળની પોતાની ભાષાના તેમ એ પહોંચી શકે તેટલી અન્ય પ્રાચીન-અર્વાચીન ભાષાઓના અલંકાર જેવી પ્રશિષ્ટ કૃતિઓના રસ -મર્મ-ગ્રાહી તલસ્પર્શી પરિશીલનથી. વળી વિવેચકે પરીક્ષકનું કામ પણ કરવાનું હોવાથી સાહિત્યસર્જનની પ્રક્રિયા, એનો રસાનુભવ, જુદાં જુદાં સાહિત્યસ્વરૂપોનાં કલાવિધાનના નિયમો, એ બધું, એટલે કે સાહિત્યનાં સર્જન અને વિવેચનની પોતાના સમય સુધીની સમગ્ર પરંપરા, તેણે અધિગત કરેલી હોવી જોઈએ. સાહિત્યની જન્મદાત્રી પ્રતિભા નવા નવા ઉન્મેષ ભલે બતાવે, પરંપરા સાવ વિલુપ્ત થઈ જતી હોતી નથી. વર્તમાન અને તેનાથી રચાતા ભાવિનો ભૂતકાળથી નિતાન્ત વિચ્છેદ શક્ય નથી. સર્જન સાવ જુદે રસ્તે જતું હોય તોય તે જૂનાના ખભા પર તો ઊભેલું હોય છે. આથી તેના પરનું પરંપરાનું ઋણ, તેણે ખેડેલ નવો પંથ ને તેની જૂનાને મુકાબલે ખૂબી કે ઊણપ, વગેરેની પરીક્ષા માટે વિવેચક પાસે ટી. એસ. એલિયેટ જેને Tradition કહે છે તેની જાણકારી ખાસ કામની એરિસ્ટોટલથી ક્રોચે સુધીની અને ભરતથી જગન્નાથ – વિશ્વનાથ સુધીની સાહિત્યમીમાંસાની જાણકારી તેમાં આવી જાય. વિવેચક એ કેળવાયેલો, કસાયેલો અને સાહિત્યનાં મૂળતત્ત્વો મગજમાં પચાવી બેઠેલો ભાવક કે વાચક ત્યારે જ બની શકે. આવી વ્યુત્પત્તિવાળો વિવેચક એના કાર્યમાં જરૂરી એવું તાટસ્થ્ય કેળવી શકવાનો, કલાકારમાં, કાકાસાહેબ કાલેલકરે બહુ સાચું કહ્યું છે તેમ, તદ્રુપતા અને તાટસ્થ્ય, બંને વિરોધી લાગતાં લક્ષણોની એકત્ર ઉપસ્થિતિ આવશ્યક છે. વિશ્વનો પરમ સર્જક, ગીતા કહે છે તેમ – અને વેદ કહે છે તેમ – પાછો એનાથી મહદંશે અલગ, એનાથી દશાંગુલ ઊર્ધ્વ, રહે છે ને? તેવું જ કલાકારનું છે. વ્યાસ, વાલ્મીકિ હોમર, શેક્સપિયર, પ્રેમાનંદ આદિ તેમનાં પાત્રોેનાં સર્જન વેળા પાત્રો જોડે તદ્રૂપતા અનુભવતાં છતાં કેવી અદ્ભુત અલિપ્તતા અથવા પોતાની ઊર્ધ્વતા જાળવી રાખતાં હોય છે! વિવેચકમાં પણ કલાકારના જેવાં જ તદ્રૂપતા અને તાટસ્થ્ય જોઈએ. એ તદ્રૂપતા અનુભવે સહૃદયભાવે કૃતિનો રસાનુભવ કરતી વેળા અને કલ્પનાથી એને પોતાના અંતરમાં પુન:સર્જતી વેળા. તાટસ્થ્ય એનામાં જોઈએ, પેલી કૃતિના રસમાં અવશપણે કે મૂર્છિત દશામાં તણાઈ ન જતાં, એનાથી જાતને અળગી રાખી એ રસપ્રવાહના તટ પર ઊભી એની ગતિ, વળાંક, ઊંડાણ-છિછરાણ, ભમરીઓ, ફીણ, લીલ, ડહોળ, વગેરે ઉદાસીન (उत + आसीन) ભાવે એટલે નિર્મમતાથી અને – ભાવથી જોવા માટે. એ સાહિત્યકૃતિનો એકલો આસ્વાદક નથી, એનો પારેખ કે ચોકસી પણ છે. આવી તટસ્થતા કેળવવા વિવેચકે રોજ ગીતાપાઠ કરી સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો કેળવવાં, એમ? એણે પોતાની કોઈ અંગત દૃષ્ટિ, વાદ કે વલણ વિનાની સાવ રંગહીન (colourless) વ્યક્તિ બની જવું અને अकचिनसंसदि - અને એના જન એટલે સાહિત્યસર્જકો એમનાથી નિ:સંગતા – એટલે અતડાપણું કેળવવું? એય માણસ છે, ઊર્મિધબકતા હૈયાવાળું માનવી છે. એનેય ધર્મ, સમાજ, રાજકારણ, નીતિ, વગેરે સંબંધી ચોક્કસ માન્યતાઓ કે દૃષ્ટિ કે વલણો હોય. તે ભલેને હોય, એને તે સાહિત્યકૃતિના વિવેચનમાં આડાં આવવા ન દે તો બસ. એનામાં ઉપર જણાવેલી મૂડી ઉપરાંત સત્યનિષ્ઠા હશે અને સાચી સાહિત્યભક્તિ હશે તો સૌ સાહિત્યસર્જકો સાથે ભળતો છતાં તેમની કૃતિને મૂલવવાનું આવશે ત્યારે કૃતિને એમનાથી અલગ પાડીને એને વિશે વિચારશે અને કહેવા જેવું લાગે તે કહેશેય તે. એ કોઈની શેહશરમમાં પોતાનો ધર્મ ચૂકશે નહિ. નિષ્પક્ષતા, તટસ્થતા, સમતોલપણું, સ્પષ્ટવક્તૃત્વ, નીડરતા, ઇત્યાદિ ગુણનામોનો જાપ ઘણી વાર વિવેચકનાં ગુણલક્ષણો વિશે બોલતાં-લખતાં થાય છે. એ બધા ગુણો સત્યનિષ્ઠામાં સમાઈ જાય, સત્યનિષ્ઠ હશે જો વિવેચક, તો એ નિષ્પક્ષ રહેવાનો અને સમતોલ પણ રહેવાનો, ‘સમતોલ રહેવાનો’ એનો અર્થ સમતોલ દેખાવા માટે ગુણ ને દોષ સામસામાં પલ્લામાં મૂકી વચ્ચેથી ત્રાજવાની દાંડી તે ઝાલવાનો એમ નહિ. એનો અર્થ એટલો જ કે જો એને બીજી રીતે સત્ત્વશાળી કૃતિમાંય બેચાર દોષ દેખાયા હોય, અને કોઈ દોષપ્રધાન કૃતિમાં કંઈ ગુણાંશ દેખાયો હોય – ને એવી તલદર્શી નીરક્ષીરવિવેકી હંસદૃષ્ટિ સાચા વિવેચક પાસે તો હોવી જ જોઈએ – તો તે નિર્દેશ્યા વિના એ રહે નહિ. માનવી કોઈ પૂર્ણ નથી ને એનું સર્જન પૂર્ણ, અ-દોષ હોય નહિ. ગુણદોષ ઉભયના મિશ્રણમાંથી એક જ પાસા પર ભાટચારણની માફક એકલા ગુણાંશ પર કે રાજશેખરના ‘મત્સરી’ ભાવકની માફક એકલા દોષપાસા પર નજર એકાગ્ર કરવામાં યથાર્થદર્શન નથી. સ્વ. ઠાકોરે આ બાબતમાં નવલરામ પંડ્યાની ટીકા કરી છે તે મને યથાર્થ લાગતી નથી. છેલ્લી વાત વિવેચકનાં સ્પષ્ટવક્તૃત્વ અને નિર્ભીકતાની. આને વિશે આપણે ત્યાં એક ભ્રમ પ્રવર્તે છે એમ હું કહું. કટુતા અને ઉગ્રતાને એના પર્યાય માનવામાં આવે છે. કથનની ઉત્કટતા – મુનશીની ભાષામાં સરસતા અને સચોટતા – સર્જકને તેટલી જ વિવેચકને પણ કામની છે એની હા, પણ એ ઉત્કટતા અત્યુક્તિ કે તમતમતી ઉગ્રતા કે પ્રહારકતાથી સાધવી ઇષ્ટ નથી. વિવેચક સર્જકનો મિત્ર છે, દંડદાતા નહિ. વિવેચક પોતાના અભિપ્રાયને છુપાવે નહિ, સ્પષ્ટતાથી કહી નાખે એટલે બસ. સત્યનિષ્ઠ હશે તે એમ કરવાનો જ. પણ સત્યનિષ્ઠ શબ્દની ચોકસાઈનો આગ્રહી હોય, ઉત્કટતા સારુ એ અત્યુક્તિ નહિ કરે. જ્યાં ‘ઠીક છે’ કહેવું હોય ત્યાં એ ‘ફક્કડ છે’ નહિ કહે, ‘સારું છે’ કહેવું હશે ત્યાં એ અપૂર્વ છે, શકવર્તી છે’ એમ નહિ બોલે, ‘થોડું નબળું છે’ એમ બતાવવું હશે ત્યાં એ ‘સાવ નિકૃષ્ટ છે’ એમ નહિ લખે. કૃતિ નબળી, સાધારણ સારી, સારી, ઉત્કૃષ્ટ, એમ જેવી હશે તેને જ અનુરૂપ વાણી સત્યનિષ્ઠ વિવેચક પાસેથી આવવાની. કૃતિએ કે કર્તાએ પોતાની પર પાડેલી છાપ કે પોતાને કરાવેલી પ્રતીતિ પ્રત્યે તેટલી વાચકો અને કર્તા પ્રત્યે પણ વિવેચકની ફરજ છે. એમાં કશુંક દોષદર્શન કરાવવાનું કે કડવું સત્ય કહેવાનું આવે ત્યારે જો એ સહાનુભૂતિપૂર્વક અને સૌમ્યતાથી કહેવાય તો તે લેખક પાસે બહાર નહિ તો દિલમાં તે સ્વીકારાવી તેને સુધારશે, પણ નિરર્થક કટુતા કે પ્રહારક સપાટા તેને વિમુખ બનાવશે, કાં તો નિરાશ કરી મૂકી સાહિત્યક્ષેત્રમાંથી ભગાડી મૂકશે. વિવેચન ઊર્મિપ્રાણિત કે રસાવિષ્ટ બને એમાં કંઈ ખોટું નહિ, એ તો સારું છે, પણ એને નિરર્થક તીખું કે આવેશયુક્ત બનાવવામાં સાહિત્યની સેવા નહિ થાય. વિવેચકમાં સહૃદયતા હશે એટલે તેનું વિવેચન ન્યાયી બનશે, સૌંદર્યદૃષ્ટિ હશે એટલું તે સાચું બનશે, વિદ્વત્તા હશે એટલું તે સત્ત્વશાળી બનશે, અને સત્યનિષ્ઠા હશે એટલું તે તેજસ્વી અને સાહિત્યોપકારક બનશે. આ સંપત જેટલા વધુ પ્રમાણમાં હશે અને સાથે એને જાગ્રત અને સક્રિય રાખનારી જેટલી ઊંડી સાહિત્યભક્તિ હશે, તેટલા પ્રમાણમાં વિવેચન ‘ધરમનો કાંટો’ બનશે.

વિવેચન પરત્વે ગુજરાતી સાહિત્યની સાંપ્રત સ્થિતિ ગમે તેવી હોય – કેવી છે એ વિચારીશું જ – પણ એનો આજ સુધીનો ઇતિહાસ ઊજળો છે. ગંભીર સાહિત્યિક પ્રવૃત્તિ લેખે વિવેચન આપણે ત્યાં શરૂ થયું અર્વાચીન યુગમાં જ. ગુજરાતી ગદ્ય આ યુગમાં વિકસ્યું તેની સાથે જ જેમ નિબંધ રસાત્મક ગદ્યસાહિત્યપ્રકારો (જેવા કે નાટક, નવલકથા, વાર્તા, વગેરે) સાહિત્યવિવેચન પ્રારંભાયું અને વિકસ્યું છે. સ્વાભાવિક રીતે જ પાશ્ચાત્ય વિવેચનસાહિત્યની અસર એના પર હોય. પણ યુનિવર્સિટીશિક્ષણને લીધે ભારતીય સાહિત્યમીમાંસાનો અભ્યાસ ધીમે ધીમે વધતો જતાં તેની પણ અસર એના પર જોવા મળે છે. શુદ્ધ તેમ પ્રયોજિત, ઉભય પ્રકારનું વિવેચન આપણા સાહિત્યમાં સારા પ્રમાણમાં થયું છે. સાહિત્યની તત્ત્વચર્ચા, અમુક સમયાવધિના સાહિત્યપ્રવાહની સમીક્ષા, જુદાં જુદાં સાહિત્યસ્વરૂપોનાં કલાવિધાનની ચર્ચા, સાહિત્યકારોનાં સમગ્રદર્શી અભ્યાસ અને મૂલ્યાંકન, ગ્રંથસમાલોચના, ગ્રંથોમાંની છૂટક કૃતિઓનું રસપરીક્ષણ, કાવ્યસંગ્રહોનાં રસદર્શી તેમ અર્થદર્શી ટીકાટિપ્પણ – આ સર્વ ગુણ તેમ રાશિ ઉભયની દૃષ્ટિએ સંતોષકારક પ્રમાણમાં આપણી ભાષા દેખાડે છે. આપણા પહેલા શક્તિશાળી વિવેચક નવલરામ પંડ્યાએ પ્રધાનતયા ગ્રંથપરીક્ષાનું કામ કર્યું છે, પણ એમણે એ કાર્ય કરતાં કરતાં પદ્યરચના શૈલી, કાવ્યભાષા, રસ, કાવ્યત્વ, સ્વાનુભવી ને સર્વાનુભવી કવિતા, ચરિત્ર, નાટક, પ્રાચીનકાવ્યસંપાદન, એમ અનેક વિષયો પ્રસંગપ્રાપ્ત તાત્ત્વિક વિચારણા પણ કરી છે. વિશેષ ગંભીર ભાવે સાહિત્યમીમાંસા ત્યાર પછી અનેક અભ્યાસપૂર્ણ નિબંધલેખો આપણે ત્યાં જે અને જેવી થઈ છે તેને માટે ખચિત અભિમાન લઈ શકીએ એવું છે. કવિતા વિશે રમણભાઈની સાંગોપાંગ અને આનંદશંકરની સમગ્રદર્શી તાત્ત્વિક ચર્ચા: કાવ્યના પદ્યશરીર પરત્વે રમણભાઈ, નરસિંહરાવ, કેશવલાલ, ઠાકોર, ખબરદાર, રામનારાયણ પાઠક, આદિની ચર્ચા; કાવ્યમાં વર્ણના મહત્ત્વ વિશેની રામનારાયણ પાઠકની ચર્ચા; કાવ્યમાં અસત્યભાવારોપણ પરની રમણભાઈ, મણિલાલ, આનંદશંકર, નરસિંહરાવ ને ડોલરરાય માંકડની ચર્ચા; ઊર્મિકાવ્ય (lyric) પરની નરસિંહરાવ અને ઠાકોરની સદૃષ્ટાંત ચર્ચા કાવ્યના સત્ય વિશે રમણભાઈ, આનંદશંકર અને રામનારાયણ પાઠકની ચર્ચા; ‘કવિતાશિક્ષણ’, ‘લિરિક’, ‘આપણી કવિતાસમૃદ્ધિ’ અને ‘નવીન કવિતા વિશે વ્યાખ્યાનો’માં ઠાકોરે ક્રમશ: પ્રગટ કરેલી પોતાની કાવ્યભાવના; ‘કાવ્યની શક્તિ’ વિશેનું રામનારાયણ પાઠકનું અને ‘કવિની સાધના’ પરનું ઉમાશંકર જોશીનું એ વ્યાખ્યાનો; ગ્રંથવિવેચન પર રમણભાઈ, મણિલાલ ને ગોવર્ધનરામે કરેલી ચર્ચા; શૈલી વિશે રમણભાઈ, મુનશી, વિશ્વનાથ ભટ્ટ અને ઉમાશંકર જોશીએ કરેલી ચર્ચા; કલા અને નીતિ પરત્વે રમણભાઈ, આનંદશંકર, મુનશી, પાઠક અને વિજયરાય વૈદ્યે કરેલી ચર્ચા: ક્લાસિકલ’ અને ‘રોમેન્ટિક’ સાહિત્યપ્રકારોની આનંદશંકર. સંજાના, વિશ્વનાથ ભટ્ટ, રામનારાયણ પાઠક અને અંબાલાલ પુરાણીએ કરેલી ચર્ચા; લલિત વાઙ્મયનાં સ્વરૂપ અને આવશ્યકતાઓની મુનશી અને વિજયરાયે કરેલી ચર્ચા; સાધારણીકરણ પરની રામનારાયણ પાઠક, ડોલરરાય માંકડ અને વિષ્ણુપ્રસાદ ત્રિવેદીની ચર્ચા; વિવેચન વિશે રમણભાઈ, મુનશી, વિશ્વનાથ ભટ્ટ, રામનારાયણ પાઠક ને વિષ્ણુપ્રસાદ ત્રિવેદીની ચર્ચા; વિવેચનની સર્જનાત્મકતા વિશે વિશ્વનાથ ભટ્ટ, રામનારાયણ પાઠક, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી અને સુન્દરમ્ની ચર્ચા; સાહિત્યમાં પ્રગતિવાદ પરની રામનારાયણ પાઠક, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, ઉમાશંકર જોશી, આદિની ચર્ચા – આ સર્વમાં ગુજરાતનું કેટલુંક ઉત્તમ સાહિત્યતત્ત્વવિમર્શન પડેલું છે. એમાં રમણભાઈથી ઉમાશંકર સુધી સૌએ ભારતીય તેમ પાશ્ચાત્ય સાહિત્યમીમાંસાની પોતાની અભિજ્ઞતા દેખાડી છે. એ પણ દેખાશે કે આપણી સાહિત્યતત્ત્વચર્ચા ભારતીય તેમ જ પાશ્ચાત્ય સાહિત્યમીમાંસાથી જ પ્રેરાયેલી અને બહુધા તેના જ ભાષ્ય જેવી બની છે. હિંદી-મરાઠીમાં ભારતીય અને પાશ્ચાત્ય સાહિત્યમીમાંસાને આધારે સંખ્યાબંધ ગ્રંથ તૈયાર થયા છે. એવા આપણે ત્યાં નથી થયા એને હું ગુજરાતના પ્રમાદ કે અભ્યાસદારિદ્ર્યનું નહિ પણ ધૃષ્ટતાના અભાવ કે નમ્રતાનું ચિહ્ન કહું. બાકી છૂટક લેખોરૂપે થયેલી આપણે ત્યાંની સાહિત્યતત્ત્વચર્ચા ઓછી સંગીન નથી. કૃતિઓ સાહિત્યકારો, સાહિત્યપ્રવાહો અને સાહિત્યસ્વરૂપો પરનું ગુજરાતી વિવેચનસાહિત્ય તો ઘણું વિપુલ અને સત્ત્વશાળી પણ છે. ગોવર્ધનરામનું ‘દયારામનો અક્ષરદેહ’ જુઓ; નવલરામ, રમણભાઈ, મણિલાલ નરસિંહરાવ, આનંદશંકર, ઠાકોર, પાઠક, વિજયરાય, વિશ્વનાથ ભટ્ટ, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, નવલરામ ત્રિવેદી, મનસુખલાલ ઝવેરી, યશવંત શુક્લ આદિનાં ગ્રંથવિવેચનો જુઓ; એમાંના ઘણાએ કરેલી સાહિત્યપ્રવાહોની સમીક્ષાઓ જુઓ; એક ‘સરસ્વતીચંદ્ર’ પર લખાયેલા બે ગ્રંથ ભરાય એટલા અભ્યાસનિબંધો જુઓ: ઈસુનું વર્ષ 1908માં રણજિતરામે કરેલી તે વર્ષના સાહિત્યની સમર્થ સમીક્ષા જુઓ: કવિ ન્હાનાલાલે પ્રેમાનંદ, દયારામ, ગોવર્ધનરામ આદિને આપેલી રસાંજલિઓ જુઓ; વિજયરાયના ત્રૈમાસિક ‘કૌમુદી’નું અને થોડા વખત સુધીનું ‘માનસી’નું કાર્ય સંભારો; 1929થી આરંભાયેલી આ સાહિત્યસભાની વાર્ષિક ગ્રંથસમીક્ષાઓ જુઓ; લોકસાહિત્યની ખૂબીઓ બતાવતા મેઘાણીના અભ્યાસલેખો જુઓ; વિજયરાય વૈદ્યનાં અને બટુભાઈ ઉમરવાડિયાનાં અરૂઢ શૈલીના રસાત્મક વિવેચનો જુઓ: રામનારાયણ પાઠકે તથા સુંદરમે કરેલી અર્વાચીન ગુજરાતી કવિતાની અને ઠાકોરે તથા છેલ્લે ઉમાશંકરે કરેલી નવીન કવિતાની સમીક્ષાઓ જુઓ: વિજયરાય વૈદ્યની ‘કૌમુદી’માંની સાહિત્યપ્રિય ‘પ્રજાબંધુ’માંની સાહિત્યનોંધો જુઓ: ‘કલમ અને કિતાબ’ની મેઘાણીની નોંધો સંભારો; ઉમાશંકરે લખેલા કેટલાક એમની પછીના કવિઓના કાવ્યસંગ્રહકોના પ્રવેશકો જુઓ; સંખ્યાબંધ પુસ્તકોના અધિકારીઓને હાથે લખાયેલા પ્રવેશકો જુઓ; ખાતરી થશે કે ગુજરાતે વિવેચનસાહિત્યમાં ઊજળે મોંયે ટટાર ઊભી શકે તેવું કાર્ય દેખાડ્યું છે. આટલું કહ્યા પછી, અત્યારે પ્રવર્તમાન સ્થિતિ વિવેચનની બાબતમાં ગ્લાનિ ઉપજાવે એવી છે, એમ ન કહું તો મેં સાચું ચિત્ર આપ્યું ન ગણાય. સામયિકોમાં અભ્યાસપૂર્ણ સાહિત્યલેખો ભાગ્યે જ દેખાય છે. દીપોત્સવી અંક માટે વિવેચનાત્મક લેખો ઘણા આવતા હોવાની છતાં તેમાં સત્ત્વ ઓછું હોવાની ફરિયાદ કરતાં મેં એક મુરબ્બીને સાંભળ્યા છે. માસિકોમાં નિયમિત ગ્રંથાવલોકન આપનારાં તો એક જ આંગળીના વેઢા જેટલાં નીકળે. કેટલાંય સારાં પુસ્તકો પ્રગટ થયા પછી કેટલાય સમય સુધી એને ઘટે એવી સમીક્ષા પામતાં જ નથી. દૈનિક પત્રોનાં સાહિત્યપૃષ્ઠોમાં સ્વ. મેઘાણીનાં ‘જન્મભૂમિ’ના ‘કલમ અને કિતાબના પૃષ્ઠ જેવી ઝલક ત્યાર પછી કોઈએ બતાવી નથી. ગુજરાત સાહિત્યસભાની વાર્ષિક ગ્રંથસમીક્ષાઓ દસકાથી અનિયમિત બની બેઠી છે. પુસ્તકો તો ઢગલાબંધ પ્રગટ થયે જાય છે પણ વિવેચનપ્રવૃત્તિ આમ શિથિલ ને મંદપ્રાણ બની ગઈ છે એ કોઈ રીતે ઇષ્ટ તો નથી જ. દર વર્ષે ગુજરાતી સાહિત્યનો વિષય લઈ બી.એ., એમ.એમ.ની પદવી મેળવનારાંની સંખ્યા વધતી જ જાય છે તેનું સાહિત્યક્ષેત્રે કંઈ પરિણામ દેખાતું નથી. અભ્યાસ વધે, અભ્યાસીઓ વધે, અભ્યાસીઓ બધા પર નજર નાખવા જઈ એકેના પારંગત ન બને, એને બદલે કોઈ મધ્યકાળ, કોઈ નર્મદયુગ, કોઈ પંડિતયુગ, કોઈ ગાંધીયુગ, કોઈ પ્રાચીન સાહિત્ય, કોઈ નાટક, કોઈ કવિતા, કોઈ વાર્તા, કોઈ નવલકથા, કોઈ નિબંધ-નિબંધિકા, એમ કોઈ સાહિત્ય વિભાગ કે સાહિત્યસ્વરૂપ પસંદ કરી તેના પ્રમાણભૂત નિષ્ણાત બને, માસિકો ગ્રંથાવલોકનને પોતાનું એક મહત્ત્વનું અંગ બનાવી તેમાં આવા અભ્યાસીઓને લખતા કરી પ્રાણ પૂરે, ગુજરાત સાહિત્યસભા આવા અભ્યાસીઓમાંથી સાહિત્યપ્રકારવાર સમીક્ષકો વર્ષના વાઙ્મયની સમાલોચના અર્થે નીમે, પ્રકાશકો એમને સહકાર આપે અને ઉભયના સહકારથી સમીક્ષાઓ ઝડપથી છપાય, તો વિવેચનક્ષેત્રે કંઈક તેજી આવે. દૈનિકો ને માસિકો પ્રગટ થયે જતા સાહિત્યને પહોંચી વળતાં નથી. આવો ઉમંગી અભ્યાસીવર્ગ વધે તો માત્ર ગ્રંથવિવેચનને લગતું એક ત્રૈમાસિક પણ ઊભું કરી શકાય. છેક નવલરામના સમયથી એની જરૂર સૌને વર્તાઈ છે. ‘કૌમુદી’ ત્રૈમાસિકે એ જરૂર ઉમદા રીતે પૂરી પાડી હતી. અત્યારે તો એવા ત્રૈમાસિકની સવિશેષ અગત્ય છે. મારી નજર આ પરિસ્થિતિમાં મારા વર્ગ ભણી, મારા વ્યવસાયબંધુઓ ભણી, વળે છે. અમે ગુજરાતી ભાષા-સાહિત્યના અધ્યાપકો મારાથી નાના સૌ, જે જૂજ અપવાદ સિવાય અમારા મુખ્ય કર્તવ્યને ગૌણ ગણી ઇતરને જ મુખ્ય ગણતા દેખાતા હોઈશું તે ‘મા શારદા બોલાવે છે’ કરી અમારું સ્વાધ્યાય, તપ એટલે વાચન-મનન વધારવાના અને તેનું વર્ગના અધ્યાપન દ્વારા બહાર લેખન દ્વારા પ્રતિફલન કરવાના અમારા શારદાદૃષ્ટિ કર્તવ્ય ભણી વળીએ અને નિષ્ઠાપૂર્વક તેને બજાવવા મંડી પડીએ તો પોતે, અને જેમને તેમની રુચિ ઘડીને, તેમનામાં સાચો સાહિત્યરસ જગાડીને તથા સાહિત્યનાં મૂલ તત્ત્વોની તેમ જ તેના આસ્વાદની અને તેનાં મૂલ્યાંકનનાં ધોરણોની સમજ ગાંઠે બંધાવીને વિદ્યાલયોની બહાર મોકલીએ તે સૌ, ચાલુ પરિસ્થિતિને સુધારવામાં ઘણું કરી શકીએ. કરવાનું તો ઉપર સૂચવ્યું તેથીય વિશેષ બીજું ઘણું છે. પાશ્ચાત્ય અને ભારતીય સાહિત્યમીમાંસાનાં સમાન તત્ત્વો અને તેમની વિશિષ્ટ પ્રદાનભૂત વિચારણા દર્શાવી ઉભયનો સમન્વય યા એકમેકથી એકમેકની પૂર્તિ સાધી સાહિત્યની કલાનું સ્વરૂપ, તેનું પ્રયોજન, તેના ઉપાદાનની શક્તિ અને મર્યાદા, સાહિત્યસર્જનની પ્રક્રિયા, તેથી થતા રસાનુભવનું પૃથક્કરણ, સાહિત્યની ઉચ્ચાવચતાની પરીક્ષાના નિયમો, ઇત્યાદિની શાસ્ત્રીય વિચારણા કરતા ગ્રંથ ભાષામાં લખવાના છે. આપણા પ્રાચીન અને મધ્યકાલીન સાહિત્યનું શુદ્ધ રસદૃષ્ટિએ વિવેચન કરવું બાકી જ છે. મધ્યકાલીન પદ્યસ્વરૂપો વિશે તો એક મહાનિબંધ અને એક ગ્રંથ પ્રગટ થયા છે, પણ ગદ્યના નાટક, નવલકથા, ઇત્યાદિ અર્વાચીન સાહિત્યસ્વરૂપોનાં ઘટકતત્ત્વો અને કલાવિધાન સમજાવતો ગ્રંથ પણ આપણને જોઈએ. વિશિષ્ટ સાહિત્યકારો અને તેમનાં જીવનકવનનો વિવેચનપૂર્ણ પરિચય સામાન્ય લોકોને કરાવતાં પુસ્તકો પણ જમાનાની એક જરૂર કહેવાય. પ્રશિષ્ટ કૃતિઓ અને સુપ્રતિષ્ઠિત સાહિત્યકારોનાં ફરી ફરી નવાં અભ્યાસ ને મૂલ્યાંકન થતાં રહે એ પણ જરૂરી અને ઇષ્ટ છે. સર્જાતા સાહિત્યની સાથે સાથે એની સિદ્ધિ, શક્યતાઓ, ભયસ્થાનો, ઇત્યાદિ સહૃદયતાથી સમજતું અને દર્શાવતું રહે એવા જાગ્રત વિવેચનની જરૂર તો સૌથી મોટી છે. સમકાલીન સાહિત્યનું વિવેચન થોડુંક જોખમી છે ખરું. દૃષ્ટિની અતિસમીપ હોવાથી એ સાહિત્ય, આંખ આગળ ધરેલી આંગળી આકાશને અડતા થાંભલા જેવી દેખાય તેમ, અતિરૂડું, અતિમોટું કે શકવર્તી લાગે, જે પાછળથી વામણુંય ઠરે એમ બને. બીજી બાજુ, સમકાલીનોની પ્રયોગશીલતા અને ઉન્મેષ-નાવીન્યની ખરી કદર ન થઈ શકે એમ પણ બને. વિવેચનનો ઇતિહાસ આ બેઉ પ્રકારનો સંભવ દેખાડતાં દૃષ્ટાંતોથી ભરપૂર છે. કાળ એ આખરે તો સાચો વિવેચક છે. પણ એથી સમકાલીન સાહિત્યના વિવેચનથી તરીને ચાલવાનું હોય નહિ. તો વિવેચન સર્જનની પાછળ રહી જાય. આજના જીવનની ભોંયમાંથી ઊગેલા સાહિત્યને આજનો જમાનો જ વિશેષ પ્રીછી શકે. વિકસતા સાહિત્યની પ્રયોગશીલતા તથા નવીન સંવેદનાભિવ્યક્તિને સહૃદયતાથી સમજવાનો પ્રયાસ કરવો જ રહ્યો. જો સાચી સહૃદયતા હશે, સૌંદર્યદૃષ્ટિ હશે અને સત્યનિષ્ઠા હશે તો સમકાલીન વિવેચનના નિર્ણય કાલ સવારે ખોટા ઠરે એવા આવશે જ નહિ. આજના મહાશિવરાત્રિના પૂર્વે કવિકુલગુરુ કાલિદાસે વંદેલાં वागार्थी इव संपृत्कौ ‘પાર્વતી પરમેશ્વરૌ’ને વાણી અને અર્થનાં આપણે સૌ ઉપાસકો પ્રાર્થીએ કે અમને વાગ્ અને અર્થની સારી પ્રતિપત્તિ આપો, कारयित्री અને भावयित्री ઉભય પ્રતિભાનું આ પ્રદેશનાં વાગ્ ને અર્થનાં ઉપાસકોને છૂટથી દાન કરો.

સંદર્ભસૂચિ

  1. * 1955ના રણજિતરામ સુવર્ણચંદ્રકના પ્રદાનવિધિ વેળા ઉત્તર: 16.2.1958.

[‘સાહિત્યનિકષ’, 1958]